Supreme Court Justice Difference In Opinion On Matter Of LG vs Delhi Government
  • Home
  • Featured
  • દિલ્હીનો અસલી ‘બૉસ’ કોણ? ના કેન્દ્ર જીત્યુ – ના કેજરીવાલ હાર્યા, જાણો કોના ભાગે શુ આવ્યું

દિલ્હીનો અસલી ‘બૉસ’ કોણ? ના કેન્દ્ર જીત્યુ – ના કેજરીવાલ હાર્યા, જાણો કોના ભાગે શુ આવ્યું

 | 11:06 am IST

દિલ્હીનો અસલી બૉસ કોણ? આનો ચુકાદો આજે એટલે કે ગુરૂવારે થવાનો હતો. આ મામલે જસ્ટિસ સીકરીએ ચુકાદો સંભળાવ્યો છે. બે જજોની બેંચનાં ચુકાદા બાદ પણ મામલો હજુ સંપૂર્ણ રીતે થાળે પડ્યો નથી. જો કે કેટલાક મુદ્દે જજોએ પોતાના મત સ્પષ્ટ કર્યા છે. કેન્દ્રિય કેડર અધિકારીઓની ટ્રાન્સફર-પૉસ્ટિંગનાં મુદ્દે બંને જજો વચ્ચે મતભેદ જ રહ્યો, જેથી આ મુદ્દાને મોટી બેંચ પાસે મોકલવામાં આવ્યો છે. આ મામલે જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે સુનાવણી કરી હતી. સૌથી પહેલા જસ્ટિસ સીકરીએ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

સુપ્રીમ કૉર્ટે કેન્દ્રની એ નૉટિફિકેશનને જેમની તેમ રાખી છે કે દિલ્હી સરકારની ACB ભ્રષ્ટાચારનાં મામલે તેમના કર્મચારીઓની તપાસ નહીં કરી શકે. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે કેન્દ્રી પાસે ઇન્વેસ્ટિગેશન કમિટી નિયુક્ત કરવાનો અધિકાર હશે. ચુકાદા પ્રમાણે સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિયુક્તિનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. તો એન્ટી કરપ્શન બ્રાંચ કેન્દ્રની પાસે રહેશે કેમકે પોલીસ કેન્દ્રની પાસે છે. જ્યારે રેવન્યૂ પર એલજીની સંમતિ લેવાની રહેશે. તો ઇલેક્ટ્રીસિટી મામલે ડાયરેક્ટરની નિયુક્તિ સીએમની પાસે રહેશે. 

તેમણે કહ્યું કે દિલ્હીની સત્તા કેન્દ્રની સત્તા કરતા અલગ છે. તેમણે દિલ્હી સરકારને તમામ અધિકાર આપ્યા છે. પોતાનો ચુકાદો આપતા જસ્ટિસ સીકરીએ કહ્યું કે, “રાજધાનીમાં બધા એક્ઝીક્યૂટિવ અધિકારી દિલ્હી સરકાર પાસે જ રહેશે. જો કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાનૂન વ્યવસ્થાથી જોડાયેલા અધિકાર કેન્દ્ર સરકાર એટલે કે ઉપરાજ્યપાલની પાસે રહશે. જો કે આ અંતિમ ચુકાદો નથી, કેમકે બે જજોની બેંચમાં મતભેદ જોવા મળી રહ્યા છે.

દિલ્હીvsઉપરાજ્યપાલ મામલે સુપ્રીમ કૉર્ટનાં 2 જજોનાં અલગ અલગ મત સામે આવ્યા છે. જસ્ટિસ સીકરીએ કહ્યું કે આઈએએસની પૉસ્ટિંગ અને ટ્રાંસફરનાં અધિકાર એલજીને આપવામાં આવે, જ્યારે દાનિક્સ (દિલ્હી આંદમાન એન્ડ નિકોબાર, આઇસલેન્ડ સિવિલ સર્વિસ)નાં પાવર દિલ્હી સરકારની પાસે રહે. જો કોઇ મતભેદ રહે છે તો રાષ્ટ્રપતિની પાસે મામલો મોકલવામાં આવે. જસ્ટિસ સીકરીએ કહ્યું કે એન્ટી કરપ્શન બ્યૂરોનો કંટ્રોલ કેન્દ્ર પાસે રહે કેમકે પોલીસ પાવર કેન્દ્રની પાસે હોય છે.

દિલ્હી સરકાર તરફથી પીઠને અનુરોધ કરવામાં આવ્યો કે આ સંબંધમાં નિર્ણય જલ્દી સંભળાવવામાં આવે કેમકે પ્રશાસન ચલાવવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. ગયા વર્ષે સંવિધાન પીઠે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતુ કે દિલ્હીમાં પોલીસ, કાનૂન વ્યવસ્થા અને જમીનને છોડીને ઉપરાજ્યપાલ દિલ્હી સરકારનાં કોઇપણ કામકાજમાં દખલ નહીં કરે. સુપ્રીમ કૉર્ટનાં એ ચુકાદામાં કહેવામાં આવ્યું હતુ કે ઉપરાજ્યપાલને દિલ્હી સરકારની સલાહ પ્રમાણે કામ કરવું પડશે અને જો કોઇપણ મુદ્દા પર સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે મતભેદ થઇ જાય તો ઉપરાજ્યપાલ તેને રાષ્ટ્રપતિ સામે રજૂ કરશે. જો કે આ ચુકાદા પછી દિલ્હી સરકારે કહ્યું હતુ કે સંવિધાન પીઠનાં ચુકાદા બાદ પણ અનેક મામલે વિક્ષેપ આવી રહ્યો છે.

ત્યારે ચુકાદો સંભળાવતા સુપ્રીમ કૉર્ટનાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતુ કે ઉપ રાજ્યપાલે દિલ્હી સરકાર સાથે મળીને કામ કરવું જોઇએ. દિલ્હી વિધાનસભા પોલીસ, જમીન અને પબ્લિક ઑર્ડર સિવાય કોઇપણ વિષય પર કાયદો બનાવી શકે છે. સાથે સુપ્રીમ કૉર્ટે દિલ્હી હાઈકૉર્ટનાં એ નિર્ણયને પણ સંપૂર્ણ રીતે ફેરવી દીધો છે જેમાં હાઈકૉર્ટે રાજ્યપાલને દિલ્હીનાં અસલી બૉસ ગણાવ્યા હતા. હાઈકૉર્ટે પોતાના ચુકાદામાં ઉપ રાજ્યપાલને દિલ્હીનાં બૉસ ગણાવ્યા હતા. દિલ્હી હાઈકૉર્ટે 4 ઑગષ્ટ 2016નાં આ મામલે સુનાવણી કરતા કહ્યું હતુ કે ઉપરાજ્યપાલ જ દિલ્હીનાં પ્રશાસનિક પ્રમુખ છે અને દિલ્હી સરકાર ઉપ રાજ્યપાલની મરજી વગર કોઇ કાયદો નહીં બનાવી શકે.

દિલ્હી હાઈકૉર્ટનાં આ નિર્ણયની સામે રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કૉર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. 5 જજોની સંવિધાન પીઠે 6 ડિસેમ્બર, 2017નાં રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન