સુપ્રીમ કોર્ટને ન બચાવી તો લોકતંત્ર ખતમ થઈ જશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • સુપ્રીમ કોર્ટને ન બચાવી તો લોકતંત્ર ખતમ થઈ જશે

સુપ્રીમ કોર્ટને ન બચાવી તો લોકતંત્ર ખતમ થઈ જશે

 | 3:00 am IST

નવી દિલ્હી :

દેશનાં ન્યાયતંત્ર માટે શુક્રવારે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટના બની હતી. સુપ્રીમ કોર્ટના ૪ સિનિયર જજ જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસકોન્ફરન્સ યોજીને સુપ્રીમ કોર્ટને બચાવવા દેશવાસીઓને જાહેરમાં અપીલ કરી હતી. ચાર જજિસ વતી ચેલમેશ્વરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને બચાવો, નહીં તો લોકતંત્ર ખતમ થઈ જશે. સુપ્રીમના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કામગીરી સામે અને કેસની ફાળવણીમાં આચરવામાં આવતા પક્ષપાત સામે આ ચારેય જજિસે ખુલ્લો બળવો પોકાર્યો હતો. જો ન્યાયતંત્ર જ પક્ષપાત રાખશે તો લોકશાહી સામે ખતરો સર્જાશે. તેમણે કહ્યું હતું કે હવે ચીફ જસ્ટિસ સામે મહાભિયોગની કાર્યવાહી કરવી કે કેમ તે દેશને નક્કી કરવા દો. દેશનાં ન્યાયતંત્રમાં અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનાં એડમિનિસ્ટ્રેશનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી તેવું આક્રોશ સાથે જણાવ્યું હતું.

ચારેય સિનિયર જજિસે મીડિયા સામે બળાપો ઠાલવ્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. લોકતંત્રના ચાર પાયા પૈકી ન્યાયતંત્ર મહત્ત્વનો પાયો ગણાય છે, તેણે લોકતંત્રના ચોથા પાયા મીડિયા સામે આવીને લોકશાહીને બચાવવા અપીલ કરી હતી. પોતાની હૈયાવરાળ અને લાચારી દર્શાવતો સાત પાનાનો વિસ્ફોટક પત્ર તેમણે ચીફ જસ્ટિસને બે મહિના પહેલાં લખ્યો હતો, જેનાં કોઈ પરિણામ આવ્યાં ન હતાં.

ન્યાયતંત્રમાં બધું બરાબર નથી : ચેલમેશ્વર

ચાર જજિસ વતી મીડિયા સાથેની વાતચીતમાં જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, મીડિયા સામે આવવાની અમારે ફરજ પડી છે તે એક અભૂતપૂર્વ ઘટના છે. ભારતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય આવું બન્યું નથી. બે મહિનાથી ન્યાયતંત્રમાં જે સ્થિતિ છે તેને કારણે અમારે પ્રેસકોન્ફરન્સ યોજવી પડી છે. અમે દેશની જનતાને જણાવવા માગીએ છીએ કે ન્યાયતંત્રમાં બધું બરાબર ચાલતું નથી. ન્યાયતંત્રનાં એડમિનિસ્ટ્રેશનમાં બધું બરાબર નથી. અમે જે પ્રયાસો કર્યા છે અને શુક્રવારે સવારે જ ચીફ જસ્ટિસને મળીને ફરી રજૂઆત કરી છે પણ અમારા પ્રયાસો નિષ્ફળ ગયા છે.

સુપ્રીમ કોર્ટની કટોકટીથી સરકાર અને દેશભરમાં હડકંપ

સુપ્રીમ કોર્ટના ૪ જજિસે ચીફ જસ્ટિસની કામગીરી સામે સવાલો ઉઠાવીને કેસની ફાળવણીમાં તેઓ પક્ષપાત રાખતા હોવાના આક્ષેપો કરતાં કેન્દ્ર સરકાર તેમજ આખા દેશમાં હડકંપ મચ્યો હતો.

ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવા કોંગ્રેસની હિલચાલ 

કોંગ્રેસે આક્ષેપો વચ્ચે ઘેરાયેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની હિલચાલ ઝડપી બનાવી છે. સંસદના બજેટ સત્રમાં તે પ્રસ્તાવ લાવી શકે છે. આ માટે નિષ્ણાતોનો મત લેવાઈ રહ્યો છે. આમ ચાર જજિસના બળવાને ડાબેરીઓ ડી. રાજા અને મમતા બેનર્જી તેમજ અન્ય નિષ્ણાતોનો ટેકો મળી રહ્યો છે.

પીએમ મોદીએ કાયદાપ્રધાન સાથે વાત કરી

પીએમ મોદીએ કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદને ફોન કરીને તમામ માહિતી મેળવી હતી. તેમણે આ મામલે જે કંઈ કરવું ઘટે તે કરવા કહ્યું હતું, જોકે એવું જાણવા મળે છે કે સરકાર આ મુદ્દે પક્ષકાર બનવા માગતી નથી. આ મામલો સુપ્રીમ કોર્ટનો આંતરિક મામલો છે તેથી કોર્ટ જ તેનો ઉકેલ લાવે તેવું સરકારનું વલણ છે.