Supreme Court on behalf of the Pm modi on the candidate property and income sources
  • Home
  • Featured
  • ઉમેદવારની સંપત્તિ અને આવકના સ્રોતને લઇને મોદી સરકારને SCની ફટકાર, જાણો શું કહ્યું?

ઉમેદવારની સંપત્તિ અને આવકના સ્રોતને લઇને મોદી સરકારને SCની ફટકાર, જાણો શું કહ્યું?

 | 11:59 am IST

ભ્રષ્ટાચારીઓ માટે ચૂંટણી લડવી અઘરી બનાવવાના ઉદ્દેશ્યથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, શા માટે સરકારે સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૮ના ચુકાદા પ્રમાણે ચૂંટણી યોજવાના નિયમોમાં સુધારો કર્યો નથી?

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ઉમેદવારીપત્ર ભરતી વખતે ઉમેદવાર માટે તેની સંપત્તિ અને પોતાની, જીવનસાથી અને તેના આશ્રિતોના આવકના સ્રોત જાહેર કરવાનું ફરજિયાત કરવા સરકારને આદેશ આપ્યો હતો.

એનજીઓ લોકપ્રહરીએ સરકાર સામે અવમાનનાના પગલાં લેવાની માગ કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ કેન્દ્રીય કાયદામંત્રાલયના ધારાકીય વિભાગના સેક્રેટરીને નોટિસ પાઠવવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ કાયદામંત્રાલયને સવાલ કરશે કે શા માટે મતદારો માહિતીના આધારે ઉમેદવારની પસંદગી કરી શકે તે માટે ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા શ્રેણીબદ્ધ નિર્દેશોનો અમલ શા માટે કરાયો નથી?

ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની બેન્ચે પહેલો સવાલ એ કર્યો હતો કે, શા માટે સરકાર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા પ્રમાણે ધારાકીય સમયગાળામાં સાંસદ કે ધારાસભ્ય અથવા તેના જીવનસાથી અનને આશ્રિતોની આવકમાં થયેલા અકુદરતી વધારાની તપાસ માટે હજુ સુધી કાયમી વ્યવસ્થા ગોઠવી શકી નથી?

સુપ્રીમ કોર્ટે સરકારને એવો પણ સવાલ કર્યો હતો કે, શા માટે પીપલ્સ એક્ટ અને ચૂંટણી નિયમોમાં સુધારો કરીને ઉમેદવાર માટે સંપત્તિ અંગેની એફિડેવિટ ફરજિયાત બનાવવામાં આવી નથી?

સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, સાંસદ અથવા ધારાસભ્ય, તેમના જીવનસાથી અથવા આશ્રિતોની સંપત્તિમાં આવકના જાણીતા સ્રોતના પ્રમાણમાં થયેલો વધારો પરવાનગી ન આપી શકાય તેવો વધારો છે અને તે પીસી એક્ટ અંતર્ગત સજાપાત્ર અપરાધ છે. તેથી સરકારે આ પ્રકારના સંપત્તિમાં અકુદરતી વધારાની તપાસ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

સરકારે સાંસદો અને ધારાસભ્યો, તેમના જીવનસાથી અને આશ્રિતોની સંપત્તિમાં થયેલા વધારાની સમયાંતરે માહિતી એકઠી કરવી જોઈએ અને દરેક કેસની તપાસ કરવી જોઈએ. જો સંપત્તિમાં અપ્રમાણસર વધારો હોય તો તે સાંસદ અથવા ધારાસભ્ય, તેના જીવનસાથી અને આશ્રિતો સામે ખટલો ચલાવવો જોઈએ, સંબંધિત ધારાસભામાં આ પ્રકારના સભ્યોનો કાર્યકાળ ચાલુ રાખવો કે કેમ તેની વિચારણા થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, ધારાસભ્યો અને સાંસદોની અપ્રમાણસર સંપત્તિની માહિતી જાહેર ડોમેઇનમાં મૂકવી જોઈએ જેથી જો ઉમેદવાર ફરી ચૂંટણી લડવા માગે તો મતદારોને પણ તે અંગે માહિતી મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન