Supreme Court Tells Centre : Government Detains Farooq Abdullah and Other Issue
  • Home
  • Featured
  • કાશ્મીરમાં શું સીન છે? ફારૂક બે વર્ષ માટે બંધ? સુપ્રીમ કોર્ટમાંથી આવ્યા મોટા અપડેટ

કાશ્મીરમાં શું સીન છે? ફારૂક બે વર્ષ માટે બંધ? સુપ્રીમ કોર્ટમાંથી આવ્યા મોટા અપડેટ

 | 12:45 pm IST

જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઇ દાખલ અલગ-અલગ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ અબ્દુલ નજીરની બેન્ચે બે સપ્તાહમાં કાશ્મીરીની આખી તસવીર સામે મૂકવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે. સાથો સાથ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યો કે રાજ્યમાં ઝડપથી સ્થિતિ સામાન્ય બને. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા સ્થિતિ સામાન્ય કરાય અને સ્કૂલો અને હોસ્પિટલો ફરીથી શરૂ કરાય. આ કેસની આગળની સુનવણી હવે 30મી સપ્ટેમ્બરના રોજ થશે.

કલમ 370ની મોટાભાગની જોગવાઇઓને હટાવીને સરકારના નિર્ણયો અને નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારૂક અબ્દુલ્લાની નજરકેદની વિરૂદ્ધ પણ અરજીઓ દાખલ કરાઇ હતી. તામિલનાડુના નેતા અને એમડીએમકેના સંસ્થાપક વાઇકોની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 30મી સપ્ટેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અરજીઓ પર કોર્ટમાં શું થયું. આવો જાણીએ તબક્કાવાર….

1. કાશ્મીરમાં ઇન્ટરનેટ, ફોન કનેકશન પર કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

અટૉર્ની જનરલને સુપ્રીમ કોર્ટે પૂછયું કે કયા કારણોસર તમે કહ્યું કે કાશ્મીરમાં સમાચાર પત્ર પ્રકાશિત થઇ રહ્યા છે? કોર્ટે એજીને એમ પણ પૂછયું કે કાશ્મીર ઘાટીમાં ઇન્ટરનેટ અને ફોન હજુ સુધી કામ કેમ કરતા નથી. ઘાટીમાં કોમ્યુનિકેશન કેમ બંધ કરાયું છે? ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એસ.અબ્દુલ નજીરે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે તેઓ 2 સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ સોંપે.

2. AGએ આપ્યું બુરહાન વાનીનું ઉદાહરણ

અટૉર્ની જનરલે કહ્યું કે કાશ્મીરમાં આતંકીઓ માટે મોટાપાયા પર પાકિસ્તાનના હાઇકમિશનની તરફથી ફંડિંગ થઇ રહ્યું છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવા અને પથ્થરમારાને સમર્થન આપવાનું કામ થઇ રહ્યું છે. અટૉર્ની જનરલે એમ પણ કહ્યું કે 2016મા બુરહાન વાનીના મોત બાદ રાજ્ય સરકારે ત્રણ મહિના માટે ઇન્ટરનેટ અને ફોન સુવિધાઓને બંધ કરી દીધી હતી. એજીએ કહ્યું કે હાલની સ્થિતિમાં ઇન્ટરનેટ અને ફોન બંધ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયો છે.

3. ફારૂક કેસ: આમ તો બે વર્ષ સુનવણી વગર કસ્ટડીમાં રહેશે ફારૂક
વાઇકોને વકીલે કોર્ટમાં કહ્યું કે ફારૂક અબ્દુલ્લાની નજરકેદ પર કેન્દ્ર સરકાર અલગ-અલગ તર્ક આપી રહ્યું છે. સરકારની તરફથી કહ્યું છે કે પબ્લિક સેફ્ટી એકટની અંતર્ગત નેશનલ કોન્ફરન્સના નેતાને નજરકેદ કર્યા છે. તેના અંતર્ગત બે વર્ષ સુધી કોઇ શખ્સની સુનવણી વગર કસ્ટડીમાં રાખી શકાય છે. MDMIK ચીફ વાઇકોની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જૂ કરી છે.
વાઇકોએ અરજીમાં શું કહ્યું?
વાઇકોએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા માટે અરજી (હેબિયસ કાર્પસ) દાખલ કરી છે. તેમાં કહ્યું છે કે ફારૂક અબ્દુલ્લા તેમના નિમંત્રણ પર 15મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચેન્નાઇમાં પૂર્વ સીએમ અન્નાદુરઇની 111મી જન્મશતાબ્દી સમારંભમાં સામેલ થવા માટે તૈયાર હતા પરંતુ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને હટાવાના નિર્ણય બાદથી તેમનો સંપર્ક થયો નથી. અરજીમાં કહ્યું છે કે તેમણે ગેરકાયદે કસ્ટડીમાં રખાયા છે. તેમણે ફારૂક અબ્દુલ્લાને મળવાની મંજૂરી પણ માંગી, પરંતુ કોઇ જવાબ આવ્યો નથી. એવામાં કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે તેઓ ફારૂક અબ્દુલ્લાને હાજર કરે જેથી કરીને તેઓ સમારંભમાં સામેલ થઇ શકે.

4. આઝાદને શ્રીનગર જવાની મંજૂરી
સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને શ્રીનગર, જમ્મુ, અનંતનાગ અને બારામુલ્લા જવાની મંજૂરી આપી છે જેથી કરીને તેઓ પોતાના ક્ષેત્રના લોકોના હાલચાલ લઇ શકે. અગાઉ કોર્ટમાં ગુલામ નબી આઝાદના વકીલે કહ્યું કે અમે અમારા લોકોને મળવા શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લા જવું છે. આઝાદે કહ્યું કે અમે ત્યાં રાજકીય રેલી કરવા જઇ રહ્યા નથી. અમને ત્રણ વખત એરપોર્ટથી પાછા મોકલી દેવાયા. અમને અમારા ગૃહ જિલ્લામાં પણ જવા દીધા નથી.

5. ‘5 ઑગસ્ટ બાદ એક પણ ગોળી ચાલી નથી’
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે 5મી ઑગસ્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી. એક પણ શખ્શનો જીવ ગયો નથી. કોર્ટે કહ્યું કે 1980થી લઇ 5મી ઑગસ્ટ સુધીમાં અહીં 41866 લોકોના જીવ જઇ ચૂકયા છે, 71038 હિંસાની ઘટનાઓ બની છે અને 15292 સુરક્ષાબળોને જીવ ગુમાવા પડ્યા છે.

આ વીડિયો પણ જુઓ – રાજકોટના જેતપુરમાં પોલીસથી બચવા અનોખું હેલમેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન