છુટાછેડા બાદ મહિલા દહેજ સતામણીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો - Sandesh
  • Home
  • India
  • છુટાછેડા બાદ મહિલા દહેજ સતામણીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

છુટાછેડા બાદ મહિલા દહેજ સતામણીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

 | 6:37 pm IST

સુપ્રીમ કોર્ટે ફરમાવ્યું છે કે છુટાછેડા થઈ ગયા પછી દહેજ પજવણીના આરોપ સાથે પતિ કે સાસરીયા સામે એફઆરઆઈ નોંધાવી શકાય નહીં.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દંપતી છુટાછેડા લઈ લે તે પછી આઈપીસીની કલમ ૪૯૮(એ) કે દહેજ પ્રતિબંધક અધિનીયમની કોઈ જોગવાઈ હેઠળ થયેલી ફરિયાદ ટકી શકે નહીં. દહેજ સંબંધી અપરાધમાં મહત્તમ પાંચ વર્ષની જેલ અને નાણાકીય દંડની જોગવાઈ છે.

જસ્ટિસ એસ.એ.બોબડે અને એલ.નાગેશ્વરરાવની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે કલમ આઈપીસીની ૪૯૮એ કહે છે કે…’ મહિલાના પતિ કે પતિના સગાવહાલા…’ આ સંજોગોમાં છુટાછેટા લીધા પછી દહેજના કેસ માટે આ કલમ લાગુ પડતી નથી.તે જ પ્રમાણે દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧ની કલમ ૩/૪ હેઠળ પણ કેસ થઈ શકે નહીં. એક પુરૃષ અને તેના સગાવહાલાએ તેમની વિરૃદ્ધ આઈપીસીની કલમ ૪૯૮(એ) અને દહેજ પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ હેઠળ દાખલ થયેલા કેસને રદ કરવાની દાદ માંગતા અરજી કરતાં કોર્ટે આ ફરમાન કર્યું હતું.

અલ્હાબાદ હાઈકોર્ટે આ અગાઉ વર્ષ ૨૦૧૬માં ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લામાં દાખલ થયેલી એફઆઈઆરને રદ કરવાની માગણી સાથે થયેલી અરજીને ફગાવી દીધી હતી.

પુર્વ પતિ અને સગાવહાલાના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એફઆઈઆર દાખલ કરનાર ફરિયાદીએ ચાર વર્ષ પહેલાં છુટાછેડા લઈ લીધેલા છે તે સંજોગોમાં ફરિયાદ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી. અદાલતે આ દલીલનો સ્વીકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તે સાથે જ દહેજ ઉત્પીડન સંબંધમાં તમામ વ્યક્તિ સામે દાખલ થયેલી ફરિયાદને રદ કરવા ફરમાન કર્યું હતું.