સુરત: સગા કાકાએ ભત્રીજાનું કર્યુ અપહરણ, 50 હજારની ખંડણી માંગી - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: સગા કાકાએ ભત્રીજાનું કર્યુ અપહરણ, 50 હજારની ખંડણી માંગી

સુરત: સગા કાકાએ ભત્રીજાનું કર્યુ અપહરણ, 50 હજારની ખંડણી માંગી

 | 9:44 am IST

વરાછામાં સગા કાકાએ છ વર્ષીય ભત્રીજાનું અપહરણ કરતા ચકચાર મચી ગઇ હતી. પારિવારિક વિવાદમાં અપહરણ કર્યા બાદ ભત્રીજાની મુક્તિ માટે કાકાએ 50 હજારની ખંડણી માંગી હતી. આખરે પોલીસ એક્શનમાં આવી જતા કાકા ગભરાઇને ભત્રીજાને અમદાવાદ મુકી ભાગી ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વરાછામાં સીતાનગર ચોકડી પાસે બજરંગનગરમાં રહેતા રાજુભાઇ મુંજાણી (મુળ અમરેલી) દરજી કામ કરે છે. દરમિયાન બે દદિવસ પહેલાં રાજુભાઇના છ વર્ષનો દીકરો જય ગાયબ થઇ ગયો હતો. ભારે શોધખોળ છતાં જયનો કોઇ પત્તો નહિ લાગતા પરિવારજનોએ વરાછા પોલીસને જાણ કરી હતી. દરમિયાન રાજુભાઇના બનેવી સંજય મકવાણાના ફોન પર રાજુભાઇના મોટાભાઇ ભરતે કોલ કરી પોતે જયનું અપહરણ કર્યુ હોવાની વાત કરવા સાથે જયની મુક્તિ માટે 50 હજાર માંગ્યા હતા. આ કોલને પગલે મુંજાણી પરિવાર ચોંકી ગયો હતો. ચિંતાતૂર પરિવારે પોલીસને આ ખંડણીના કોલ અંગે જાણ કરતા વરાછા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

બીજી તરફ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોતરાઇ હતી. પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ શરૃ કરી હતી. દરમિયાન અપહરણકર્તા કાકા ભરતભાઇને પોલીસની ભીંસ વધી ગઇ હોવાનું જણાતા તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જયને છોડી નાસી છૂટયા હતા. મંગળવારે સાંજે જય નિકોલમાં સહિસલામત મળ્યો હોવાની જાણ થતા પરિવારજનોને હાશકારો થયો હતો. વરાછા પોલીસની એક ટીમ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઇ હતી. મોડીરાત્રે વરાછા પોલીસ જયને કબ્જો લઇ સુરત આવવવા રવાના થઇ હોવાનું જાણવા મળે છે. પારિવારિક કે મિલકતના ઝઘડામાં ભરતભાઇએ ભત્રીજાનું અપહરણ કર્યુ હોવાનું પોલીસનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન