સુરત: સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, કોચ શંકાનાં ઘેરામાં - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, કોચ શંકાનાં ઘેરામાં

સુરત: સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, કોચ શંકાનાં ઘેરામાં

 | 9:49 pm IST

સુરતનાં ભટાર વિસ્તારમાં આવેલી કાપડિયા હેલ્થ ક્લબનાં સ્વિમિંગ પૂલમાં કોચની હાજરીમાં આજે બાળકનાં ડૂબી જવાની ઘટના બની છે. બાળકને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી કુલ 3 બાળકોનાં મોત થયાં છે, ત્યારે આજે સુરતમાં ફરી સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બાળકનાં મોતનાં સમાચાર મળ્યા છે. હજી પાંચ દિવસ પહેલાં જ સુરતનાં પલસાણા વિસ્તારમાં આવેલા અવધ સાંગ્રીલાનાં સ્વિમિંગ પૂલમાં 6 વર્ષનાં બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. ગયે મહિને જૂનાગઢમાં કૉર્પોરેશન હસ્તકનાં સ્વિમિંગ પૂલમાં 11 વર્ષનાં બાળક અને વડોદરામાં લાલબાગમાં 10 વર્ષનાં બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું.

ત્યારે ફરી આજે સુરતનાં ભટાર વિસ્તારમાં આવેલી કાપડિયા હેલ્થ ક્લબનાં સ્વિમિંગ પૂલમાં બાળકનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સ્વિમિંગ પુલમાં નાહવા પડેલો કિશોર બહાર ન આવતાં તરત કોચે તેને બહાર કાઢ્યો હતો. તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હર્ષ પોદાર નામનો બાળક છેલ્લા એક વર્ષથી અહીં સ્વિમિંગ પૂલમાં આવતો હતો અને તેને તરતા પણ આવડતું હતું. ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકનાં મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો સ્વિમિંગ પૂલમાં બચાવની કામગીરી માટે 2-2 કોચ અને બીજાં સાધનો હોવા છતાં બાળકના ડૂબવાની ઘટનાથી અને બાળકને તરતા આવડતુ હોવા છતા ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું તે વાત પર શંકા મંડરાણી છે. આ સમગ્ર ઘટનામાં કોચની બેદરકારી હોવની વાતે પણ જોર પકડ્યુ છે.