'સુરતના બિલ્ડર પાસેથી CBIએ ૫ કરોડનો, પોલીસે ૧૨ કરોડનો તોડ કર્યો' - Sandesh
  • Home
  • Ahmedabad
  • ‘સુરતના બિલ્ડર પાસેથી CBIએ ૫ કરોડનો, પોલીસે ૧૨ કરોડનો તોડ કર્યો’

‘સુરતના બિલ્ડર પાસેથી CBIએ ૫ કરોડનો, પોલીસે ૧૨ કરોડનો તોડ કર્યો’

 | 11:20 am IST

સુરતના બિલ્ડર પાસેથી સીબીઆઈ તેમજ પોલીસે બિટકોઈન મામલે ૧૭ કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સીબીઆઈએ પાંચ કરોડ, અમરેલી પોલીસ ૧૨ કરોડના બિટકોઈન પડાવી લીધા ઉપરાંત રૂપિયા ૭૮ લાખ રોકડા લઈ ગઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ગંભીર કેસની ફરિયાદ રાજ્યના ગૃહમંત્રી પાસે આવતાં તેમણે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસના આદેશ આપ્યા છે.

ફેબ્રુઆરીથી ઘટનાક્રમ શરૂ થયો હતો : ગાંધીનગર CBI ઓફિસથી લેન્ડલાઈન પરથી ફોન આવ્યો  

સુરતમાં ડુમસ રોડ ઉપર આઈકોન બિલ્ડિંગમાં રહેતા બિલ્ડર શૈલેષ ભટ્ટને કન્સ્ટ્રક્શનનો કારોબાર છે. તેઓ બિટકોઈનનો વેપાર પણ કરે છે. તેમની સાથે ભાગીદાર કિરીટ પાલડીયા સંકળાયેલા છે. ફેબ્રુઆરીમાં શૈલેષ ભટ્ટને ભાગીદાર કિરીટ પાલડીયાએ કહ્યું હતું કે, તમારી ઉપર ઈડી અને સીબીઆઈની નજર છે. ગમે ત્યારે દરોડા પડી શકે તેમ લાગે છે. તમે ઘર છોડી દો. ભાગીદારની વાત ઉપર શૈલેષ ભટ્ટે ભરોસો કર્યો નહીં પરંતુ, ગાંધીનગર CBIની ઓફિસમાંથી લેન્ડલાઈન પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે ઈન્સ્પેક્ટર સુનીલ નાયર તરીકે પરિચય આપ્યો હતો. આથી ડરી ગયેલા શૈલેષ ભટ્ટ પરિવાર સાથે અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટલમાં આવી ગયા હતા.

કેશવ ફાર્મમાં લઈ જઈ PIએ બિલ્ડરની ધોલાઈ કરી : બિટકોઈન ટ્રાન્સફર કરવા ધમકી આપી  

ઉપરોક્ત તોડ થઈ ગયા બાદ ૧૧મી ફેબ્રુઆરીએ કિરીટ પાલડીયાએ શૈલેષ ભટ્ટને ફોન કરીને ગાંધીનગર બોલાવ્યા હતા. શૈલેષ ભટ્ટ પોતાની કારમાં ગાંધીનગર નિધી પેટ્રોલપંપ ગયા હતા. જ્યાં ટાટા સુમો અને બોલેરો કાર આવી પહોંચી હતી જેની ઉપર અમરેલી પોલીસ લખેલું હતું.  પોલીસ તેમને લઈ રવાના થઈ ગઈ હતી. રસ્તામાં પોલીસવાળા કહી રહ્યા હતા કે, સાહેબ તેને ઉપાડી લીધો છે. જ્યાંથી સીધા ચીલોડા હાઈ-વે પર પહોંચ્યા હતા જ્યાંથી બંનેને કેશવ ફાર્મમાં લઈ જવાયા હતા જ્યાં પોતાનું આઈકાર્ડ બતાવી પોતે અમરેલી ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર અનંત પટેલ હોવાનું જણાવ્યું હતું અને લાકડીઓથી બેફામ મારવાની સાથે કહ્યું હતું કે, તમે બિટકોઈનનો કારોબાર કરો છો.  પીઆઈએ શૈલેષ ભટ્ટને ધમકી આપી હતી કે, જો જીવતા રહેવું હોય તો તમારી પાસે રહેલા બિટકોઈન હું કહું ત્યાં ટ્રાન્સફર કરી નાખો. પોલીસનો માર સહન ન થતાં શૈલેષ ભટ્ટના ૧૨ કરોડના ૨૦૦ બિટકોઈન કિરીટ પાલડીયાના ઈ-વોલેટમાં હતા તે શૈલેષ ભટ્ટે પીઆઈને પાસવર્ડ અને કી આપતાં પીઆઈએ પાલડીયાના ઈ-વોલેટમાંથી ૨૦૦ બિટકોઈન ટ્રાન્સફર કરી લીધા હતા.

CBIના અધિકારીએ બિલ્ડરને ગાંધીનગર મળવા બોલાવ્યા : પતાવટ માટે પાંચ કરોડ નક્કી કરાયા

અમદાવાદ ગ્રાન્ડ ભગવતી હોટલમાં આવ્યા બાદ સીબીઆઈના અધિકારી સુનીલ નાયરે શૈલેષ ભટ્ટને ફોન કરીને ગાંધીનગર હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં  ધમકી આપતાં કહ્યું હતું કે, તેઓ તેમના અને તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડી શકે છે.આથી  શૈલેષ ભટ્ટે તેમની સાથે ધંધાકીય રીતે સંકળાયેલા લોકો સાથે CBIના સુનીલ નાયરે આપેલા માહિતીની ચર્ચા કરી હતી.ડરેલા શૈલેષ ભટ્ટ અને તેમના ભાગીદારે પતાવટ કરવાનું નક્કી કર્યું હતું. જ્યાં એક મિટિંગમાં પતાવટ માટે રૂપિયા પાંચ કરોડ નક્કી કરાયા હતા. જે રકમ શૈલેષ ભટ્ટે સુનીલ નાયરને પહોંચાડયા હતા.

લાલચી PIએ કેસ ન કરવા ૫૦ કરોડની માગણી કરી : આખરે ૭૮ લાખ નક્કી થયા  

પીઆઈ આટલેથી અટક્યા નહોતા અને તેમણે બિટકોઈનનો કેસ ન કરવા માટે ૫૦ કરોડની માંગણી કરી હતી અને ફરીથી શૈલેષ ભટ્ટને ફટકારવાનું શરૂ કર્યું હતું. આખરે વાત ૩૨ કરોડ સુધી આવી ગઈ હતી પરંતુ, શૈલેષ ભટ્ટે ૩૨ કરોડની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાનું કહેતાં પીઆઈએ આંગડિયા પાસે હવાલો પાડવાની સૂચના આપતાં શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો હતો. ૧૨ કરોડના બિટકોઈન લીધા પછી દિલીપભાઈને પીઆઈ અનંત પટેલ સાથે વાત કરવા મોકલ્યા હતા પણ તેમણે ૩૨ કરોડની માગણી ચાલુ રાખતાં શૈલેષ ભટ્ટે ૭૮ લાખની વ્યવસ્થા કરી પરિચિત દિલીપભાઈ મારફતે પીઆઈ અનંત પટેલને મોકલી આપ્યા હતા.

આંગડિયા પેઢીની અગમચેતી : બિલ્ડરની સૂચના સાંભળી પણ ૩૨ કરોડ મોકલ્યા નહીં  

બિટકોઈનનો કેસ ન કરવા પીઆઈએ ૩૨ કરોડની માંગણી કરતાં પીઆઈએ આંગડીયા પેઢી મારફતે હવાલો પાડવાની સૂચના આપી હતી. આથી શૈલેષ ભટ્ટે સુરતની પી ઉમેશ આંગડીયા પેઢીમાં ફોન કરી ૩૨ કરોડ આપવા સૂચના આપી હતી પરંતુ, શૈલેષ ભટ્ટના અવાજ પરથી આંગડીયા પેઢીને લાગ્યું હતું કે, શૈલેષભાઈ મુશ્કેલીમાં છે. આંગડીયા પેઢીએ ૩૨ કરોડની સૂચના લીધી હતી પરંતુ અગમચેતી રાખી ૩૨ કરોડ મોકલ્યા નહોતા.

સીબીઆઈ અને પોલીસ ૧૭ કરોડ પડાવી જતાં બિલ્ડર ગૃહમંત્રીને મળ્યા  

શૈલેષ ભટ્ટે કરેલા આક્ષેપ મુજબ, હું પોલીસથી ડરી ગયો હતો અને મદદ માટે અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને મળ્યો હતો. તેઓ મને આશ્વસાન આપી ગૃહમંત્રી પ્રદીપસિંહ પાસે લઈ જવાની ખાતરી આપી સચિવાલય લઈ ગયા હતા અને મુલાકાત કર્યા વિના કહ્યું હતું કે, મામલો ગંભીર છે, પોલીસની વાત માનો ૩૨ કરોડ આપી દો.કોટડિયાના આવા જવાબથી હું ચોંકી ઊઠયો હતો. હું એકલો ૨૩મી ફેબ્રુઆરીના રોજ ગૃહમંત્રી પ્રદીપસિંહને મળવા પહોંચ્યો હતો અને લેખિતમાં અરજી આપી હતી.

હા, તપાસ સોંપી છેઃ ગૃહમંત્રી

”અરજદાર મારી પાસે આવ્યા હતા અને તેમણે જે પોતાની આપવીતીનો ઘટનાક્રમ કહ્યો તેની ગંભીરતા ધ્યાને લઈને ડિઆઈજી, સીઆઈડી ક્રાઈમને સંપૂર્ણ તપાસ કરવા સુચના આપી છે. પોલીસ તપાસ કરશે, કસુરવારને કડક શિક્ષા થાય તેના માટે મજબૂત પુરાવા પણ એકત્ર કરશે”

  • પ્રદિપસિંહ જાડેજા, ગૃહમંત્રી

CID ક્રાઈમમાં અરજી મળી છે

CBI અને પોલીસના નામે ૧૭ કરોડની ખંડણી વસૂલવાના પ્રકરણમાં શૈલેષ ભટ્ટે સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી છે. CID ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, શૈલેષ ભટ્ટે એક અરજી કરી છે.જેની પ્રાથમિક તપાસ ચાલુ છે. હાલમાં નિવેદનો લઈને તથ્ય ધ્યાને બહાર આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

  • આશીષ ભાટિયા , CID ક્રાઈમ

સંડોવણી હશે તો તપાસ : CBI

CBIના પોલીસ ઇન્સ્પેકટરની સંડોવણી બહાર આવશે તો અમે એક્શન લઇશું.હાલના તબક્કે મારા અધિકારી સુનિલ નાયરે મને જણાવ્યુ છે કે, તે ક્યારે સુરતના બિલ્ડરને કોઇને ક્યારેય મળ્યા નથી.CBIના અધિકારી સાથે પરિચય હોવાને લીધે કોઇએ ગેરલાભ ઉઠાવ્યો હોવાનું પણ બની શકે છે.

  • રમનીશ ગીર, DIG, CBI ગાંધીનગર

આક્ષેપો ખોટા : પૂર્વ ધારાસભ્ય

પોલીસને આપેલી અરજીમાં શૈલેષ ભટ્ટે મારી પર જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે, કોટડિયાનું કહેવું છે કે, તેઓ શૈલેષ ભટ્ટને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે ગયા હતા જોકે મંત્રી મળ્યા ન હતા. તેઓ ભટ્ટની ભલામણ માટે નહોતા ગયા પરંતુ જે લોકોએ બિટકોઈનમાં રોકાણ કર્યું હતું.

  • નલિન કોટડિયા, પૂર્વ ધારાસભ્ય