Surat: Controversy over Women Fitness Test in Smimer Hospital
  • Home
  • Featured
  • સુરતઃ સ્મીમેર હોસ્પિ.માં નોકરી માટે મહિલાઓનાં તમામ કપડાં ઉતારી કર્યા ટેસ્ટ, મહિલા આયોગ એક્શનમાં

સુરતઃ સ્મીમેર હોસ્પિ.માં નોકરી માટે મહિલાઓનાં તમામ કપડાં ઉતારી કર્યા ટેસ્ટ, મહિલા આયોગ એક્શનમાં

 | 12:25 pm IST

ગુજરાતની મહિલા અસ્મિતાને લાંછન લગાડતાં એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પહેલાં ભૂજની કોલેજમાં વિદ્યાર્થિનીઓનાં કપડાં કઢાવી માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. તો હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓ સાથે અશોભનીય વ્યવહાર કરવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતી ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. મહિલાઓને કાયમી કરવા લેવાતી ટેસ્ટમાં વિવાદ સર્જાયો છે. મહિલા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. હંગામી મહિલાકર્મીઓને કાયમી કરવા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. 10 જેટલી મહિલાકર્મીઓને નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, મહિલાઓ પાસેથી કેટલીક ગુપ્ત માહિતી પણ માંગવામા આવી હતી. કેટલીક મહિલાઓ તો રડી પણ પડી હતી.

આ ઘટના સામે આવતાં જ હોસ્પિટલ જગતમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ મામલે તાત્કાલિક કર્મચારી યુનિયન એક્શનમાં આવી ગયું હતું. અને કર્મચારી યુનિયન દ્ગારા મ.ન.પા. કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે મ્યુનિસિપલ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અને ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ભુજમાં બનેલી માસિક ધર્મની ઘટના બાદ ગુજરાતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

મહિલા આયોગે મંગાવ્યો રિપોર્ટ

આ મામલે વિવાદ વકરતાં સ્મીમેરના સુપ્રિટેન્ડેન્ટે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ફિઝિકલ માટે મેડિકલ ટેસ્ટ લેવાય છે. સમગ્ર મામલે તપાસ માટે કમિટી બનાવવામાં આવશે. કમિટી તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. સાથે તેઓએ એમ પણ જણાવ્યું કે અત્યાર સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. અને વધુ માહિતી આપતાં જણાવ્યું કે, 4000 જેટલાં કર્મચારીનું ફિટનેસ ચેકઅપ થયું છે.

તો બીજી બાજુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા પણ આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી 15 દિવસમાં કમિશનરને રિપોર્ટ સોંપશે. આ કમિટીમાં (૧) ડો. કલ્પના દેસાઇ, નિવૃત ડીન (૨) ગાયત્રી જરીવાલા, આસી. કમિશનર અને ઇ.ચા. ડે.કમિશનર (૩) તૃપ્તિ કલથિયા, કાર્યપાલક ઇજનેરનો સમાવેશ કરવામાં આવેલ છે. સાથે આ વિવાદના પડઘા ગુજરાત મહિલા આયોગમાં પણ પડ્યા હતા. આ મામલે મહિલા આયોગે ગંભીર નોંધ લીધી છે. અને આ મામલે તેઓએ પણ રિપોર્ટ મગાવ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે અમદાવાદ રોશનીથી સજ્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન