Surat corporator's house was overwhelming
  • Home
  • Featured
  • સુરતના કોર્પોરેટરના ઘર સામે મહાકાય ભૂવો પડ્યો, લોકોના જીવ તાળવે ચોંટ્યા

સુરતના કોર્પોરેટરના ઘર સામે મહાકાય ભૂવો પડ્યો, લોકોના જીવ તાળવે ચોંટ્યા

 | 11:00 am IST

રોડ કોન્ટ્રાક્ટરો ફક્ત લીપાપોતી કરી રસ્તાની કામગીરી કરતા હોય છે પરિણામે સર્વિસ રસ્તાઓમાં ભુવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જ્યાં સુરતમાં આવી જ કંઈક ઘટના બની છે. નાનપુરા માછીવાડ વિસ્તારમાં સમી સાંજે હજારોની સંખ્યામાં અવર-જવર કરતા સર્વિસ રસ્તામાં અચાનક ભુવો પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભાજપ કોર્પોરેટર પ્રવિણ કહારના ઘર સામે ભૂવો પડ્યો હતો.

સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના પગલે સુરત મનપાના અધિકારીઓ, ફાયર વિભાગ સહિત સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે મનપા કોન્ટ્રકટરોની ગંભીર બેદરકારી કહો કે પછી રસ્તા બનાવવા પાછળ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે.

સુરતમાં ચોમાસાનું જોર હાલ જ ઘટ્યું છે. શહેરના રસ્તાઓમાં ભુવા પડવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. જેની પાછળ ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. મંગળવારની સમી સાંજે સુરતના નાનપુરા વિસ્તારમાં પણ કંઈક આવી જ ઘટના બનવા પામી છે. નાનપુરા સ્થિત માછીવાડ ખાતે આવેલ સર્વિસ રસ્તામાં અચાનક વિશાળ ભુવો પડતા સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. અહીંથી પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. અહીંથી પસાર થતી એક યુવતીએ તો આ ઘટના નજરે નિહાળી હતી. તેણીનો આ ઘટનામાં બચાવ થયો હોવાનો અહેસાસ પણ કર્યો હતો. બીજી તરફ ઘટના બનતા અહીં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગ તેમજ સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. રસ્તામાં પડેલ ભુવાનો ભાગ ખસેડવા JCBની મદદ લેવામાં આવી હતી. જ્યાં કોઈ જાનહાની ન થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. બીજી તરફ અસંખ્ય લોકોની અવર-જવર વચ્ચે રસ્તામાં ભુવો પડવાની આ ઘટના નજીકના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.