અમરોલીના સ્ટેમ સેલ દાતાએ 30 વર્ષીય યુવાનને આપ્યું નવજીવન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરોલીના સ્ટેમ સેલ દાતાએ 30 વર્ષીય યુવાનને આપ્યું નવજીવન

અમરોલીના સ્ટેમ સેલ દાતાએ 30 વર્ષીય યુવાનને આપ્યું નવજીવન

 | 2:19 pm IST

અમરોલી વિસ્તારમાં રહેતા અનિલભાઇ પટેલનું શહેરમાં સૌ પ્રથમ સ્ટેમ સેલ દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. હીરાના કારખાનામાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અનિલભાઇએ સ્ટેમ સેલનું દાન કરતા ચેન્નઇના ૩૦ વર્ષીય યુવકને નવજીવન મળ્યું હતું.

અમરોલી વિસ્તારમાં નિલમબાગ રો-હાઉસમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પટેલ કતારગામમાં હીરાની પેઢીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. ગત વર્ષે હીરાની પેઢીમાં ભારતની સૌથી મોટી બ્લડ સ્ટેમ સેલ દાતાઓની સંસ્થા દાત્રી દ્વારા જરૃરિયાતમંદ લોકોના જીવન બચાવવા મોઢામાંથી લાળનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. રિપોર્ટ બાદ લોહીના સ્ટેમ સેલ જે વ્યક્તિ સાથે મેચ થાય તેને દાન કરવામાં આવે છે. અનિલભાઇના બ્લડના સ્ટેમ સેલ તામીલનાડુમાં ચેન્નાઇમાં રહેતા અને ઘણા વર્ષોથી રક્ત કેન્સરથી પીડાતા ૩૦ વર્ષીય યુવકના સ્ટેમ સેલ સાથે મેચ થયા હતા. અનિલભાઇએ લોહીના સ્ટેમ સેલ દાન કરવાનું પરિવારમાં જણાવતા પરિજનોએ વિરોધ કર્યો હતો. પરિવારના વિરોધને કારણે મૂંઝવણમાં મુકાયેલા અનિલભાઇએ દાત્રીને જાણ કરતા સંસ્થાના વોલેન્ટિયર્સ પરિજનોને સમજાવવા ઘરે આવ્યા હતા. સંસ્થાએ સ્ટેમ સેલ દાનનો વીડિયો બતાવતા પરિજનોએ અનિલભાઇને સ્ટેમ સેલનું દાન આપવાની મંજૂરી આપી હતી.

અનિલભાઇ સ્ટેમ સેલનું દાન આપવા તૈયાર થતા તેમના શરીરનું માસ્ટર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ બાદ અનિલભાઇએ લોહીના સ્ટેમ સેલનું દાન કરતા ચેન્નઇના ૩૦ વર્ષીય યુવકને નવજીવન મળ્યું હતું. દાત્રી સંસ્થા દ્વારા રવિવારે નાનપુરામાં ચેમ્બર ઓફ કોમર્સમાં સ્ટેમ સેલનું દાન કરીને બીજા વ્યક્તિને નવજીવન આપનાર અનિલભાઇ સહિત પાંચ લોકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા લોકોમાં સ્ટેમ સેલ દાન પ્રત્યે જાગૃતિ માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તમાંથી સ્ટેમ સેલ કાઢીને રક્ત પાછું શરીરમાં ચડાવી દેવામાં આવે છે
રક્તના સ્ટેમ સેલ દાનમાં દાતાના શરીરના એક હાથમાંથી રક્ત લઇને મશીન દ્વારા સ્ટેમ સેલ છૂટા પાડવામાં આવે છે. સ્ટેમ સેલ કાઢેલું રક્ત બીજા હાથ દ્વારા દાતાના શરીરમાં ચડાવી દેવામાં આવે છે.

સ્ટેમ સેલ દાન કરવાથી દાતાની શરીરનું મફતમાં માસ્ટર મેડિકલ ચેક-અપ થાય
દાતાના શરીરમાંથી સ્ટેમ સેલ લેવા પહેલા માસ્ટર બોડી ચેકઅપ કરવામાં આવે છે. માસ્ટર બોડી ચેક-અપનો રિપોર્ટ આવ્યા બાદ દાતાના રક્તના સ્ટેમ સેલ લેવામાં આવે છે. તેથી દાતાના શારીરનુ માસ્ટર બોડી ચેકઅપ થતા તેના શરીરમાં કોઇ બીમારી હોય તો આગોતરી જાણ થાય છે.

લ્યુકેમિયા અને થેલેસિમિયા, રક્ત કેન્સરમાં દર્દીના રક્તમાં સ્ટેમ સેલ બનતા બંધ થઇ જાય
લ્યુકેમિયા અને થેલેસેમીયા જેવી લોહીની જીવલેણ બીમારીઓ પીડાતા દર્દીએ સ્ટેમ સેલની જરૃર પડે છે. લ્યુકેમિયા અને થેલેસેમિયા જેવા રક્ત વિકારના રોગોમાં શરીરમાં રક્તમાં સ્ટેમ સેલ બનતા બંધ થઇ જાય છે. લોહીમાં સ્ટેમ સેલ બનતા બંધ થઇ જતા તેને બીજી વ્યક્તિના સ્ટેમ સેલ ચડાવવાની જરૃર પડે છે.