Surat Heart Breaking Theft of 15 Lakh Diamonds in 9 Minutes You Too Will Be Shocked
  • Home
  • Featured
  • સુરતમાં 9 મિનિટમાં 15 લાખના હીરાની દિલધડક ચોરી, ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલાઈ જતા મોટા ખુલાસા

સુરતમાં 9 મિનિટમાં 15 લાખના હીરાની દિલધડક ચોરી, ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલાઈ જતા મોટા ખુલાસા

 | 11:48 am IST

સુરતના કાપોદ્રાના ગજ્જર કમ્પાઉન્ડમાં આવેલા હીરાના યુનિટમાં થયેલી રૂપિયા 15 લાખના હીરાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. કારખાનાનો લેસર ઓપરેટર જ મુખ્ય કલાકાર નીકળ્યો હતો. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 15 લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. લેસર ઓપરેટરની ટિપના આધારે જૂના કારીગરે ચોરીને અંજામ આપી જહાંગીરપુરા ખાતે સંબંધીના ઘરે હીરા સંતાડી દીધા હતા. આ ઘટનામાં પોલીસે ૩ આરોપીની અટક કરી હીરા કબજે લીધા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વરાછા મેઇન રોડ પર બરોડા પિસ્તેજ પાસે ગુરુનગરમાં રહેતા મોહનભાઇ જયરાજ ગાબાણીનું કાપોદ્રામાં ગજ્જર કમ્પાઉન્ડ ખાતે ભારત ટ્રેડિંગ કોર્પોરેશનના નામે હીરા પ્રોસેસનું યુનિટ છે. ગત રવિવારે સાંજે તેમના કારખાનામાં ચોરી થઇ હતી અને 8 તાળા ખોલીને ચોરી કરવામાં આવી હતી. યુનિટના લેસર ડિપાર્ટમેન્ટનું લોકર સહીસલામત જોવા મળ્યું હતું. લોકર ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેમાં મૂકેલા 498 કેરેટ વજનના હીરા પૈકી 276 કેરેટના રશિયન રફ ક્વોલિટીના હીરા અને 102 કેરેટ હીરાના ટુકડા ગાયબ હતા. આ ઘટનામાં રૂપિયા 15 લાખની કિંમતના 378 કેરેટ વજનના હીરાની ચોરી થઇ હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરાતા રાત્રે 8.22 વાગ્યે યુવક મોઢે બેગ લઇને યુનિટમાં રૂમાલ બાંધી દેખાયો હતો અને માત્ર અને નવ મિનિટ બાદ એટલે કે 8.31 વાગ્યે તે યુનિટમાંથી બહાર જતો દેખાય છે. ચોરે માત્ર 9 મિનિટમાં ચોરી કરીને ભાગી છૂટ્યો હતો.

આ ઘટનામાં કારખાનાનો લેસર ઓપરેટર ભૂપેન્દ્ર જયંતી રાજપૂત મુખ્ય કલાકાર નીકળ્યો હતો. અહીં 8 વર્ષથી અહીં નોકરી કરે તેવા કારીગર છે ઉપરાંત 2 વર્ષ પહેલાં જિગર સોની, ભૂપેન્દ્રના રેફરન્સથી આ કારખાનામાં નોકરીએ જોડાયો હતો. જિગર અને ભૂપેન્દ્ર બંને મિત્રો છે.

વર્ષ અગાઉ જિતેન્દ્રએ અહીંથી નોકરી છોડી દીધી હતી. દરમિયાન લોકડાઉન બાદ આર્થિક તકલીફ અનુભવતા ભૂપેન્દ્રએ ચોરીનો કારસો ઘડ્યો હતો. તેને ૩ માસ પહેલાં લોકર અને પાંચ ગેટની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. ભૂપેન્દ્રના ઇશારે જૂના કારીગર જીગરે ચોરીને અંજામ આપ્યો હતો.

ભૂપેન્દ્ર કારખાનાથી થોડે દૂર ઊભો રહ્યો હતો અને જીગરે કારખાનામાં જઇ ચોરી કરી હતી. ચોરી બાદ બંને એક્ટિવા પર જહાંગીરપુરા ગયા હતા, જ્યાં ભૂપેન્દ્રના દૂરના બનેવી જિગ્નેશ વ્યાસના ઘરે તેઓએ હીરા છુપાવી દીધા હતા. હાલ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ પણ વીડિયો: રાજ્ય સરકારની સહાયનો ખેડૂતો ને લાભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન