સુરતના હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી બન્યાં - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સુરતના હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી બન્યાં

સુરતના હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી બન્યાં

 | 3:13 am IST

મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનાં અચાનક અવસાનથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ હતું. મુખ્યમંત્રીનાં પ્લેનને પાકિસ્તાને ઉડાવી દીધું તે સામે પ્રજામાં આક્રોશ હતો. પાકિસ્તાનને સબક શીખવવો જોઈએ તેવી માગ ચારેકોરથી ઊઠી હતી. હિંદુસ્તાની ફોજ તો તેનું કામ કરી જ રહી હતી. પાકિસ્તાનને તમામ મોરચે શિકસ્ત મળી રહી હતી. હાજીપીરની ચોકી પર ભારતીય લશ્કરે કબજો મેળવી દીધો હતો. શ્રીનગર-લેહમાર્ગ તથા કારગિલ સુધીનો વિસ્તાર હિંદુસ્તાની ફોજના કબજામાં હતો. લાહોર-જમ્મુ, શિયાલકોટ-બારામીર-અમૃતસર, વાઘા-કાસર વિભાગોમાં પાકિસ્તાને ૪૭૧ ટેન્કો ગુમાવી હતી, જેમાંથી ૪૦ ટેન્ક તો આપણાં લશ્કરે કબજે કરી લીધી હતી. પાકિસ્તાને યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ શરૂ કર્યું હતું, પરંતુ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી મચક આપતા ન હતા, શાસ્ત્રીજી પોતાની શરતો પર યુદ્ધવિરામ ઇચ્છતા હતા. હવે યુદ્ધ શરૂ કરનાર પાકિસ્તાન બરાબર ફસાઈ ગયું હતું.

યુદ્ધના માહોલમાં પાકિસ્તાનના હુમલાને કારણે મૃત્યુ પામેલા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને શહીદ થયા હોય તેવું માન અપાયું હતું.

બળવંતરાય મહેતાનાં અવસાન પછી હવે ગુજરાતની ગાદીએ કોણ બેસશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના સર્વાેચ્ચ નેતા મોરારજીભાઈ દેસાઈનાં મનમાં તુરત ઠાકોરભાઈ દેસાઈનું નામ ઊભરી આવ્યું. મોરારજીભાઈના રાઇટ હેન્ડ ઠાકોરભાઈ દેસાઈ દિલ્હીમાં બેઠેલા મોરારજીભાઈ માટે ગુજરાતની ખબરો માટેના આંખ-કાન હતા. ગુજરાત કોંગ્રેસના સંગઠન પર પણ તેમની પકડ હતી. આ સાથે જ એક બીજું નામ પણ મોરારજીભાઈના દિમાગમાં આવી ગયું, બીજું નામ તેમને વધારે પસંદ આવ્યું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીની પસંદગી વખતે પંડિત નહેરુ સાથેની વાતચીતમાં જે ભૂલ થઈ ગઈ હતી તેવી ભૂલ ફરી ના થાય તેની આ વખતે કાળજી રાખવાનું મોરારજીભાઈએ નક્કી કર્યું હતું.

દિલ્હીમાં હવે નહેરુ ન હતા. વડા પ્રધાન તરીકે લાલબહાદુર શાસ્ત્રી હતા, પરંતુ અત્યારે યુદ્ધના માહોલમાં તે ગૂંચવાયેલા હતા. કોંગ્રેસ પ્રમુખ તરીકે કામરાજ નાદર હતા. કામરાજ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં પંડિત નહેરુનાં પુત્રી ઇંદિરા ગાંધીને વિશ્વાસમાં લેતા હતા તેની મોરારજીભાઈને ખબર હતી.

ગુજરાતના મુખ્યમંત્રી હવે કોને બનાવવા તે અંગે દિલ્હીમાં વાટાઘાટો શરૂ થઈ. સ્વાભાવિક છે મોરારજીભાઈને વિશ્વાસમાં લીધા સિવાય દિલ્હીના મોવડીઓને છૂટકો ન હતો. મોરારજીભાઈએ પહેલાં ઠાકોરભાઈ દેસાઈનું નામ મૂક્યું. એ નામ અંગે થોડી ચર્ચા થઈ કામરાજે કહ્યું, યે તો ૧૯૬૨ કી ચુનાવ મે હાર ગયે થે… મોરારજીભાઈ જાણતા હતા આ વાત સામે આવવાની છે, એટલે તરત જ તેમને કહ્યું, અચ્છા તો અભી ઈન્ચાર્જ સીએમ હૈ ઉસકો હી સીએમ બના દેતે હૈ.

હિતેન્દ્ર દેસાઈ બળવંતરાય મહેતાનાં મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા. સુરતના કોંગ્રેસી અગ્રણી કાનજીભાઈ દેસાઈ સાથે મોરારજીભાઈના અંગત સંબંધો હતા. હિતેન્દ્ર દેસાઈનું નામ જાણીને મોરારજીભાઈએ બીજું રજુ કર્યું હતું. તેમને ખાત્રી હતી કે પહેલું નામ હું જેનું મૂકીશ તેનો વિરોધ થશે.

ઇંદિરા ગાંધીએ પણ હિતેન્દ્ર દેસાઈનાં નામ માટે મંજૂરી આપી દીધી. કામરાજે કહ્યું, ઠીક હૈ હિતેન્દ્ર દેસાઈ કો બના દો સીએમ.

મોરારજીભાઈ દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્ર દેસાઈનાં નામની જાહેરાત કરી. ગુજરાતમાં ખાસ કોઈ હલચલ ન હતી. હિતેન્દ્ર દેસાઈ બધાને સાથે લઈને ચાલનાર વ્યક્તિ હતા.

મુખ્યમંત્રી બન્યા પછી હિતેન્દ્ર દેસાઈએ બળવંતરાય મહેતાનાં મંત્રીમંડળમાં કોઈ જ ફેરફાર ના કર્યા. અગાઉના મંત્રીઓ હતા તેમને યથાવત્ પોતાનાં મંત્રીમંડળમાં રાખ્યા, એકમાત્ર નવા ઉપમંત્રી તરીકે જયરામ પટેલનો સમાવેશ કર્યાે હતો. મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્ર દેસાઈએ સામાન્ય વહીવટ, આયોજન, ગૃહ અને કાયદા વિભાગનાં ખાતાં પોતાની પાસે રાખ્યાં હતાં.

હિતેન્દ્ર દેસાઈનાં મંત્રીમંડળની શપથવિધિ બહુ હો-હા વગર શાંતિથી પતી ગઈ. હિતેન્દ્ર દેસાઈએ કોઈ જૂના મંત્રીઓને કાપ્યા ના હોઈ રાજકીય અસંતોષની પણ કોઈ ચર્ચા ન હતી.

બે વર્ષ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. તેમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ત્રિભોવનદાસ પટેલ, અને ઉપપ્રમુખ તરીકે મણિબહેન પટેલ, મંત્રી તરીકે બાબુભાઈ જ. પટેલ, ચીમનભાઈ પટેલ, ગિરધરલાલ શાહ અને પરથીભાઈ રાઠોડની વરણી કરાઈ હતી. કોંગ્રેસના આ હોદ્દેદારોમાંથી એક મંત્રી સત્તાનું આ હસ્તાંતરણ ચુપકીદીથી જોઈ રહ્યા હતા. કોલેજના પ્રોફેસર એવા આ મંત્રીને હિતેન્દ્ર દેસાઈની શપથવિધિ વખતે જ થયું હતું કે કોંગ્રેસનાં સંગઠનમાં આપણે ક્યાં સુધી મહેનત કર્યા કરવાની, આપણે પણ સત્તા મેળવવી પડશે. આ કોંગ્રેસના મંત્રી ભવિષ્યમાં ગુજરાતનાં રાજકારણમાં ભારે ઊથલપાથલ મચાવવાનો હતો. તેનો ત્યારે કોઈને ખ્યાલ ન હતો. આ મંત્રીનું નામ હતું ચીમનભાઈ પટેલ.

ગુજરાતના નવા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ આઝાદી આંદોલનની ચળવળને જોતાં જોતાં મોટા થયા હતા. તેમના પિતા કાનજીભાઈ દેસાઈ સુરત કોંગ્રેસના લીડર હતા. ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડીયાત્રા જ્યારે સુરત પહોંચી ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ કાનજીભાઈ દેસાઈની આગેવાનીમાં દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

સુરતની સભાને સંબોધતાં ગાંધીજીએ જણાવ્યું હતું કે, મેં આજદિન સુધી દુનિયામાં એવો કોઈ કાયદો સાંભળ્યો નથી જેમાં મીઠા પર ટેક્સ નખાયો હોય. જે સામ્રાજ્ય ગરીબોથી અમીરો સુધીની જરૂરિયાતવાળી મીઠા જેવી વસ્તુ પર ટેક્સ નાખે તે સામ્રાજ્ય સામે ઝૂકવંુ તે અધર્મ છે. આપણે સવારે ઊઠીને ઈશ્વરની પૂજા કરીએ છે. આવી શેતાન રાજવાળી સરકારની પૂજા આપણે ના કરી શકીએ. આવી અમાનવીય સરકાર સામે અવાજ ઉઠાવવો, બળવો કરવો તે ધર્મનું કામ છે.

ગાંધીજીએ કેવી અદ્ભુત રીત હિંદુસ્તાનનાં જનમાનસ પર પકડ જમાવી હતી તે ગાંધીજીનાં ભાષણની ઉપરોક્ત ચાર લાઇનથી જ ખબર પડે છે. ગાંધીજી જાણતા હતા કે કોઈપણ વાત સાથે જ્યાં સુધી ધર્મને નહીં જોડવામાં આવે ત્યાં સુધી હિંદુસ્તાનીઓ તે વાતને સિરિયસલી નહીં લે.

ગાંધીજીનાં આ પ્રવચનને ૧૫ વર્ષનો એક કિશોર ધ્યાનથી સાંભળતો હતો. ગાંધીજી એપ્રિલના અંતમાં દાંડી પહોંચ્યા હતા, ત્યાં મીઠાનો કાયદો તોડયો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીની સાથે સમગ્ર દેશમાં લાખો લોકોએ મીઠાનો કાયદો તોડયો. અંગ્રેજોએ દેશભરમાંથી ૬૦ હજાર સત્યાગ્રહીઓને જેલમાં પૂરી દીધા. આ સત્યાગ્રહીઓ સાથે જેલમાં જનાર સુરતમાં ગાંધીજીનું પ્રવચન સાંભળનાર પેલો ૧૫ વર્ષનો છોકરો પણ હતો, તેનું નામ હતું હિતેન્દ્ર… સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈનો દીકરો.

૧૫ વર્ષની ઉંમરે જેલમાં જનાર એ હિતેન્દ્ર દેસાઈ આજે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી બન્યા હતા, જોકે તેમનો માર્ગ સરળ ન હતો કેટલાક નવા જ પડકાર તેમની સામે માંે ફાડીને ઊભા થવાના હતા, જેનો અત્યાર સુધીના ગુજરાતના કોઈ મુખ્યમંત્રીને સામનો કરવો પડયો ન હતો…

[email protected]