પ્રતિકારત્મક તસવીર

નોટબંધીએ અનેકોની પોલ ખોલી નાંખી છે. ચોપડે ખૂબ ઓછી આવક દર્શાવનારાઓએ બેન્કમાં લાખો અને કરોડો રૂપિયા જમા કરાવ્યા અને હવે આવકવેરા વિભાગની જાળમાં ફસાઈ રહ્યાં છે. તાજેતરમાં એવો કિસ્સો મગોબમાં બની ગયો. પટેલ અટકધારી મગોબના એક જમીનના દલાલે નોટબંધી વેળા રૂપિયા ૩૬ કરોડની માતબર રકમ બેન્ક ખાતામાં જમા કરાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ પટેલે પાછલા વર્ષમાં કુલ વાર્ષિક આવક માત્ર ૧૮૦૦ રૂપિયા દર્શાવી હતી.

ચોક્કસપણે જ આટલી ઓછી આવક દર્શાવનાર ૩૬ કરોડ રૂપિયા બેન્કમાં જમા કરાવે એટલે કેસ ખૂલી ગયો. ક્વોલિટીની કેસની આશામાં આઈટીના અધિકારીઓ પાનકાર્ડ પર જણાવેલા મગોબના એડ્રેસ પર પટેલને પકડવા પહોંચી ગયા પરંતુ અધિકારીઓની ‘હાલત હાથ કો આયા મુંહ ન લગા’ જેવો ઘાટ થયો. બન્યું એમ કે પટેલ બે વર્ષ પહેલાં અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા અને પાછલા વર્ષનું રિટર્ન પણ અમદાવાદમાં જ ભર્યું હતું. આવક ૧૮૦૦ બતાવીને નીલ રિટર્ન ફાઈલ કર્યું હતું.

આથી સુરત આઈટીએ કેસ અમદાવાદ આઈટીને રિફર કરી દીધો હતો. જાણવા મળ્યા મુજબ આ કેસમાં અમદાવાદ ડીઆઈ વિંગ દ્વારા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતની વાત નિરાળી છે. અહીં સ્વૈચ્છિક રીતે કાળાં નાણાંની કબૂલાત થવાના કિસ્સા પણ બને છે. એક તરફ જ્યાં આવકવેરા વિભાગ દ્વારા ૧૫ લાખની નાની રકમની ડિપોઝીટમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ વરાછાનો એક જમીનદલાલ ખુદ આઈટી કચેરીમાં આવીને ૬૦ લાખ રૂપિયાની બ્લેકમનીનું ડિસ્ક્લોઝર પીએમજીકેવાય હેઠળ કરી ગયો. આ ભાઈએ નોટબંધી દરમિયાન ૧.૮૦ કરોડ રૂપિયા બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. અધિકારી સૂત્રોએ કહ્યું કે, પીએમજીકેવાય હેઠળ સ્વૈચ્છિક કબૂલાતનો દેશમાં આ પ્રથમ કિસ્સો છે.