Police has arrested a thief in Surat
  • Home
  • Gujarat
  • અજબ ચોર કી ગજબ કહાની, લાખોની ચોરી કરી થતો ફરાર

અજબ ચોર કી ગજબ કહાની, લાખોની ચોરી કરી થતો ફરાર

 | 5:20 pm IST

સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે, જે ફક્ત જૈન સમાજના લોકોને ત્યાં જ ચોરી કરતો હતો. જૈન સમાજનો વ્યક્તિ હોવાના કારણે તે તમામ ભાષા જાણતો હતો. જેથી જૈન સમાજના લોકોને ટેલીફોનિક વાત કરી નોકરની જરૂરિયાત હોય તો સંપર્ક કરવા જણાવતો હતો. ત્યારબાદ જૈન સમાજના લોકોના ત્યાં કોઈ પ્રસંગ હોય, તે દરમ્યાન લાખો – કરોડોની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતો હતો.

આ દેખાતો શખ્સ છે એક અજીબ ચોર. પોલીસના ઝપટમાં આવ્યા પેહલા કરતો હતો ચોરી અને તે પણ માત્ર જૈન સમજના ઘરમાં હાથફેરો કરતો હતો. સુરતના ખટોદરા વિસ્તારમાં એક માસ અગાઉ ચાલીસ લાખની ચોરીની ઘટનાને આરોપીએ અંજામ પણ આપ્યો હતો. જ્યાં ચોરીની ઘટનાને અજામ આપ્યા બાદ રાજસ્થાન નાસી ગયેલ ચોર ઈસમ ફરી સોનાના ઘરેણાં વેચવા સુરત રેલવે સ્ટેશન આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસના હાથે ચઢી ગયેલા આ ઈસમ પાસેથી 36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી છ જેટલા ગુનાનો ભેદ પણ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

આરોપીએ અગાઉ અઢી કરોડની ચોરી કરી તાત્કાલિક ફલાઇટ મારફતે સુરતથી બેંગ્લોર નાસી છુટ્યો હતો. આરોપી જયંતીલાલ ઉર્ફે કમલેશ યાદવ જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાનો વતની છે અને હાલ સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ સૂર્યપ્રકાશ એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપી જૈન સમાજનો હોવાથી રહેન- સહેન પણ તેવો જ ધરાવે છે. જેનો આરોપીઓએ સંપૂર્ણ લાભ ઉઠાવી લાખો – કરોડોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

આરોપીએ એક માસ અગાઉ સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ સ્વીમ પેલેસના ફ્લેટમાંથી ચાલીસ લાખના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. ચોરીની ઘટના બાદ આરોપી તાત્કાલિક પોતાના વતન રાજસ્થાન નાસી ગયો હતો. જ્યાં બાદમાં ચોરી કરેલા ઘરેણાં વેચવા ફરી સુરત રેલવે સ્ટેશન આવી રહ્યો હોવાનું માહિતી ખટોદરા પોલીસને મળી હતી.

જે માહિતીના આધારે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી સબરસ હોટેલ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તપાસ કરતા 36 લાખની કિંમતના સોનાના ઘરેણાં મળી આવ્યા હતા. જે અંગેની પુછપરછ કરતા આરોપી પડી ભાંગ્યો અને ઘરેણાં ચોરીના હોવાની કબૂલાત કરી હતી.

હાલ તો આ ચોર પોલીસ પકડમાં આવી ગયો છે અને પોલીસ હવે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ દરમ્યાન અન્ય ગુના કબૂલે તેવી શક્યતા પણ હાલ સેવાઇ રહી છે. જો કે પોલીસ તપાસમાં હજી કેટલા ગુનાઓ બહાર આવે છે તે જોવું રહ્યું.