સુરતનો ઋગ્વેદ જન્મના ત્રણ જ કલાકમાં બન્યો પાસપોર્ટ હોલ્ડર - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતનો ઋગ્વેદ જન્મના ત્રણ જ કલાકમાં બન્યો પાસપોર્ટ હોલ્ડર

સુરતનો ઋગ્વેદ જન્મના ત્રણ જ કલાકમાં બન્યો પાસપોર્ટ હોલ્ડર

 | 1:25 am IST

। સુરત ।

સુરતમાં પુણાપાટિયા વિસ્તારમાં રહેતા મનિષ કાપડીયા અને તેમની પત્ની નીતા કાપડીયાને ત્યાં બુધવારે પહેલા નોરતા વેળાએ બપોરે ૧૧.૪૨ વાગ્યે પુત્રનો જન્મ થયો હતો. જોકે, ત્યાર બાદ ગણતરીના કલાકમાં જ પુત્ર ઋગ્વેદનો પાસપોર્ટ તૈયાર કરીને અનેરો રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. ઊનાપાણી રોડ સ્થિત હોસ્પિટલમાં ઋગ્વેદના જન્મ બાદ ૧૨.૧૫ વાગ્યા સુધીમાં સુરત મહાનગરપાલિકામાંથી તેનો જન્મનો દાખલો કાઢી લેવાયો હતો. જ્યારે ૧૨.૨૦ વાગ્યે ઋગ્વેદનું પાસપોર્ટ માટેનું ફોર્મ ભર્યા બાદ બપોરે ૨.૩૦ કલાકે સુરત પાસપોર્ટ ઓફિસર અંજનીકુમાર પાંડેના હસ્તે ઋગ્વેદના પિતા મનિષ કાપડીયાને તેનો પાસપોર્ટ આપી દેવાયો હતો. મનિષ અને નીતા કાપડીયા પુત્ર અથર્વ બાદ બીજા સંતાન તરીકે ઋગ્વેદનો જન્મ થયો હતો. ૩ જ કલાકમાં પાસપોર્ટ બાદ હવે લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરશે.

એક દિવસ પહેલા પુત્ર-પુત્રીના નામ નક્કી કરી દીધા

આઇટી સોફ્ટવેર કંપની સાથે જોડાયેલા મનીષ કાપડીયા અને તેમના પરિવારજનોને એક દિવસ પહેલા જ પાસપોર્ટને લઇને ટુચકો સૂઝયો હતો. જો તેમાં પુત્ર જન્મ થાય તો ઋગ્વેદ અને પુત્રી જન્મ થાય તો રીવા નામ રાખવાનું પણ નિર્ધારીત કરી દેવાયું હતું, તેને આધારે અડધો કલાકમાં જન્મનો દાખલો અને ત્રણ કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી દેવાયો હતો.

પુરાવા જરૂરી છે, તેને આધારે જ પાસપોર્ટ

પાસપોર્ટ માટે પુરાવા જરૂરી છે. ઋગ્વેદના જન્મદાખલાથી લઇને અન્ય તમામ પુરાવા રજૂ કરાયા હતા. ૧ વર્ષથી નાની વયનું બાળક હોય તો માતા-પિતા બન્નેનો પાસપોર્ટ અને બેમાંથી એકની હાજરી ફરજીયાત છે. તે પ્રમાણે જ ઋગ્વેદના પિતાએ અમને પાસપોર્ટ માટે અરજી કરી હતી. આવી યુનિક અરજીને આધારે પાસપોર્ટ બન્યો છે, તેમ પાસપોર્ટ ઓફિસરે જણાવ્યું હતું.