Surat Sisiter Filed Complain Against NRI Brother over Land Dispute
  • Home
  • Featured
  • જર, જમીન ને જોરુ! માતાના મોત બાદ સંબંધોમાં પડી તિરાડ, સુરતમાં સગી બહેને જ NRI ભાઈ સામે નોંધાવી ફરિયાદ

જર, જમીન ને જોરુ! માતાના મોત બાદ સંબંધોમાં પડી તિરાડ, સુરતમાં સગી બહેને જ NRI ભાઈ સામે નોંધાવી ફરિયાદ

 | 8:10 am IST

સુરત – પુણા અને કામરેજ-કઠોદરાની જમીનના બોગસ વીલ બનાવવાના કેસમાં એનઆરઆઇ ભાઇ સામે સગી બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃત્યુ પામેલી માતાના નામે બોગસ દસ્તાવેજો બનાવી બનાવટી સહી કરાઇ હતી. પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.

મળતી વિગતો પ્રમાણે મહિધરપુરામાં હવાડા શેરી ખાતે રહેતા પુષ્પાબેન નીતિનભાઇ પટેલ (૪૭)એ પુણા પોલીસ મથકમાં સગા ભાઇ નરેન્દ્ર વલ્લભભાઇ પટેલ (રહે. કોચલ ફળિયું, પુણા- હાલ રહે. યુએસએ) અને હિમેશ શિવકુમાર ઠાકર (રહે. મુસા ફળિયું) સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પુણાના બ્લોક નં.૬૦૦વાળી જૂની શરતની ખેતીની જમીન પુષ્પાબેનના પિતા વલ્લભભાઇ કરસનભાઇ પટેલના નામે ચાલી આવેલ છે. જે જમીનમાં સીધી લીટીની વારસદાર માતા શાંતાબેન વલ્લભભાઇ, ભાઇ નરેન્દ્ર, બહેનો શકુંતલાબેન, અંજનાબેન અને પુષ્પાબેન પટેલ હતા. આ ઉપરાંત કામરેજના કઠોદરા ગામે બ્લોક નં. ૬૨માં તેમના પિતાએ મૂળ માલિક મગન ઇચ્છુભાઇ પટેલ પાસેથી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. આ જમીનના માલિક તરીકે પુષ્પાબેનના માતા-પિતા અને ભાઇ હતા.

દરમિયાન પુષ્પાબેનના પિતાએ આ જમીનમાં પોતાનો હક્ક હિસ્સો ઉઠાવી લીધો હતો. ત્યારબાદ આ જમીન માત્ર પુષ્પાબેનના માતા અને ભાઇ નરેન્દરના નામે ચાલી આવેલ હતી. જોકે, ભાઇ નરેન્દ્રએ માતા શાંતાબેનના અવસાન બાદ તેમના નામનું બોગસ વીલ બનાવડાવ્યું હતું. વીલ કહો કે વસિયતનામું બનાવવા સ્ટેમ્પ અધિનિયમ મુજબ કોઇ સ્ટેમ્પની જરૂર ન હોવા છતાં વીલ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર બતાવાયો હતો. ઉપરાંત વિલમાં બનાવટી સહી પણ કરી હતી. જમીન હડપ કરવા નરેન્દ્રભાઇએ આ કારસ્તાન કર્યુ હતંુ. પુષ્પાબેને બોગસ વીલ અંગે પૂછયું તો તારાથી થાય તે કરી લે, તને કોઇ ભાગ મળશે નહિ એમ કહી અપશબ્દો બોલી ધાક-ધમકી આપી હતી. આ વીલમાં સાક્ષી તરીકે સહી કરના હિમેશ ઠાકર પણ ભેરવાયા છે. પુણા પોલીસે નરેન્દ્ર પટેલ અને હિમેશ ઠાકર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદના ભાડજ વિસ્તારમાં નજીવી વાતમાં યુવકની હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન