Surat SOG nabbed a person who committed a crime by trapping minors in a love trap
  • Home
  • Gujarat
  • સગીરાઓને મોંઘીદાટ ગિફ્ટ આપી ફોટા પાડી બ્લેકમેઇલ કરી કુકર્મ કરતો નરાધમ ઝડપાયો

સગીરાઓને મોંઘીદાટ ગિફ્ટ આપી ફોટા પાડી બ્લેકમેઇલ કરી કુકર્મ કરતો નરાધમ ઝડપાયો

 | 4:08 pm IST
  • Share

દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવ્યા બાદ પણ નહિ સુધરેલા નરાધમ જીતુ જોખમે મૂળ સાવરકુંડલાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કુકર્મ આચરી ભાગી ગયો હતો. સગીરાઓને મોંઘીદાટ ગિફ્ટ આપતા ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરી શારીરિક શોષણ કરતા જીતુને સુરત શહેર એસઓજીની ટીમે આરોપી કાપોદ્રાથી પકડી પાડયો હતો.

મળતી વિગતો પ્રમાણે વરાછા વિસ્તારની 14 વર્ષીય સગીરાને જીતુ જોખમ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાના હાથમાં વીંટી પહેરાવતા ફોટા મોબાઇલમાં પાડી લઇ તે ફોટા વાયરલ કરવાના નામે જીતુ બ્લેકમેઇલ કરતો હતો. અમરેલીના સાવરકુંડલાના કોઇ ગામમાં તેમજ કાપોદ્રા વિસ્તારની એક સોસાયટીમાં નરાધમે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે વરાછા પોલીસમાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરાઇ હતી અને બાદમાં આ ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસને ટ્રાન્સફર કરાઇ હતી.

દરમિયાન દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા એસઓજી પીઆઇ સુવેરાના માર્ગદર્શન હેઠળ તપાસ કરાતા પોલીસકર્મીઓ જલુ મગનભાઇ અને અશોક લાભુભાઇને મળેલી બાતમીને આધારે કાપોદ્રામાં ગાયત્રી સોસાયટીના ગેટ નં. 4 પાસેથી આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ જોખમ સોમાભાઇ રાઠોડ (ઉં.વ. 26, રહે. બંસી એપાર્ટમેન્ટ, કાપોદ્રા- મૂળ શેલણા, સાવરકુંડલા, અમરેલી)ન ઝડપી પાડયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે જીતુ જોખમ પ્રથમ લોકડાઉનમાં મામાને ત્યાં સાવરકુંડલા ગયો હતો. જ્યાં 14 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લલચાવી-ફોસલાવી વીંટી પહેરાવતા ફોટા પાડી લીધા હતા. જે ફોટા થકી બ્લેકમેઇલ કરી સગીરાનું શારીરિક શોષણ કર્યુ હતું.

કાપોદ્રાની સગીરાને માતા બનાવી તરછોડી ગયો હતો

વધુમાં પોલીસ તપાસમાં એ હકીકત પણ બહાર આવી હતી કે, વર્ષ 2014માં પણ જીતુ જોખમ સામે કાપોદ્રા પોલીસમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં સગીરાને તરછોડી ભાગી ગયો હતો. જે સગીરાને બાળકને પણ જન્મ આપ્યો હતો. જે ગુનામાં 2 વર્ષ નાસતો-ફરતો ફરતો હતો. બાદમાં 2016માં કાપોદ્રા પોલીસે ધરપકડ કર્યા બાદ તેને જેલમાં મોકલી આપ્યો હતો. 3 વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. આ દરમિયાન તેને સાવરકુંડલાની કિશોરીને ફસાવી હતી અને બાદમાં કુકર્મ આચરી ભાગી ગયો હતો. એસઓજીની ટીમે આરોપી જીતુ જોખમને સાવરકુંડલા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો