Surat Takshila fire case: High court granted bail to three accused
  • Home
  • Gujarat
  • સુરત તક્ષશિલા અગ્નિકાંડનો કેસ, હાઈકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા

સુરત તક્ષશિલા અગ્નિકાંડનો કેસ, હાઈકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા

 | 10:02 pm IST

સુરત શહેરના માથે કાળી ટીલી સમાન તક્ષશિલાની સંહારલીલા કેસમાં જવાબદાર ઠેરવાયેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને આજે રાજ્યની વડી અદાલતે શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા. ફાયર ઓફિસર કીર્તિ મોડ, એસ.કે. આચાર્ય અને વીજ કંપનીના ઇજનેર દીપક નાયકની જામીન અરજી ઉપર હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ.પંચોલીએ મંજૂરીની મહોર મારી હતી. અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પરનો ફેંસલો આગામી તા.૬ઠી ડિસેમ્બર સુધી અનામત રાખ્યો હતો.

22 આશાસ્પદ યુવાનોનો ભોગ લેનારી તક્ષશિલા હોનારત માટે જવાબદાર લેખાવાયેલા આરોપીઓ પૈકી છ આરોપીઓની જામીન અરજી ઉપર મંગળવારે જાહેર થનારા નિર્ણયને લઇને ભારે ઉત્તેજના છવાઇ હતી. પાલિકાના ઇજનેર પરાગ મુનશી, વીજ કંપનીના દીપક નાયક, ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કીર્તિ મોડ ઉપરાંત બે બિલ્ડરો હરસુખ વેકરીયા તથા રવિન્દ્ર કહારની જામીન અરજી ઉપર બપોર બાદ ફેંસલો જાહેર થયો હતો. હાઇકોર્ટ જસ્ટિસ વી.એમ.પંચોલીએ એડવોકેટ દીપક દવે તથા કેતન રેશમવાલાની દલીલો ગ્રાહ્ય રાખી વીજ કંપનીના ઇજનેર દીપક નાયકની જામીન અરજી મંજૂર કરી હતી. આ જ પ્રમાણે એડવોકેટ રાજેશ ઠાકરીયા તથા રૂત્વિજ ઓઝા દ્વારા ફાયર ઓફિસર કીર્તિ મોડ માટે થયેલી દલીલોનો પણ હકારાત્મક પડઘો પડયો હતો. કાર્યક્ષેત્ર નહીં હોવા છતાં ઘટના સ્થળે માત્ર સાત મિનિટમાં પહોંચી કામગીરી શરૂ કરી દેનારા ફાયર ઓફિસર મોડની જામીન અરજી ઉપર મંજૂરીની મહોર મારી હતી. તો, એડવોકેટ કિશન દહીયા દ્વારા ફાયર ઓફિસર સંજય આચાર્ય માટે થયેલી દલીલો ગ્રાહ્ય રાખી તેમની જામીન અરજીને પણ બહાલી આપી હતી. આ ત્રણેય આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા.

બીજીતરફ પાલિકાના ઇજનેર પરાગ મુનશી સહિત બંને બિલ્ડરો રવિન્દ્ર કહાર અને હરસુખ વેકરીયાની જામીન અરજી પરનો ચુકાદો આજે અનામત રહ્યો હતો. જોકે, કોર્ટે તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આ અંગે હાઇકોર્ટના એડવોકેટ જે.એમ. પંચાલે જણાવ્યું કે, ત્રણેય આરોપીઓની જામીન અરજી ઉપર કોર્ટે પક્ષકારોને રિજેકશનનો ઓર્ડર લેવા અન્યથા અરજી પરત ખેંચવા કહ્યું હતું. આ માટે પક્ષકારો તરફથી સમયની માંગણી કરવામાં આવતા કોર્ટે આગામી તા. 6 ડિસેમ્બર સુધી ત્રણેય જામીન અરજી પરનો ફેંસલો અનામત રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન