Surat Thai girl Case In Resolved, Vanida's friend Ida reveals Police arrest
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: થાઇ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, ઝીંગા-દારૂની પાર્ટી બાદ આઇડાએ ઠંડે કલેજે ગુનાને અંજામ આપ્યો

સુરત: થાઇ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, ઝીંગા-દારૂની પાર્ટી બાદ આઇડાએ ઠંડે કલેજે ગુનાને અંજામ આપ્યો

 | 7:52 am IST

શહેરભરમાં ચર્ચાસ્પદ બનેલા થાઇલેન્ડની યુવતીની હત્યાનો ભેદ ઉકેલવામાં આખરે પોલીસને સફળતા સાંપડી છે. પોલીસને પહેલેથી જ જેના પર શક હતો તે હમવતની થેરાપિસ્ટ યુવતી આઇડા જ હત્યારી નીકળી હતી. લૂંટના ઇરાદે આઇડાએ વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કર્યા બાદ ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી. જોકે, હત્યા કેવી રીતે કરી તે અંગે પોલીસ હજુ આઇડાની પૂછપરછ કરી રહી છે.

મળતી વિગતો પ્રમાણે મગદલ્લા ખાતે રહેતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન ઉર્ફે મીમીની ભેદી સંજોગોમાં ઘરમાંથી ભડથું થયેલી લાશ મળી આવી હતી. શંકાસ્પદ આ ઘટનામાં પહેલાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સ્થળ તપાસ કરનાર ફોરેન્સિક એક્સપર્ટ, ડીજીવીસીએલ, એફએસએલ તથા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ટીમે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

બીજી તરફ પોલીસને ઘરનો મુખ્ય દરવાજો બહારથી લોક, મૃતકના 3 મોબાઇલ, રોકડ રકમ અને ગોલ્ડ ચેઇન ગાયબ થવા, રૂમમાં એક જ ગાદલું બળી જવું, સંપૂર્ણ સળગી ગયેલી યુવતીની ચીસ કોઇએ સાંભળી નથી, કોલ્ડ્રિંક્સની બોટલોમાંથી દારૂની ગંધ સહિતની બાબતો શંકાસ્પદ લાગી હતી અને આખરે પાંચમા દિવસે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસને થાઇ યુવતીની હત્યામાં પહેલેથી જ હમવતની સ્પા થેરાપિસ્ટ આઇડાની ભૂમિકા શંકાસ્પદ લાગતી હતી. મૃતક વનિડાએ આઇડા સાથે જ પોતાના રૂમમાં ઝીંગા અને દારૂની પાર્ટી કરી હતી, આઇડા રાતે વનિડાના રૂમમાં જ રોકાઇ ગઇ હતી. ત્યારબાદ આઇડા મળસકે બે વખત ભેદી રીતે વનિડાના રૂમ પરથી અવરજવર કરતી કેમેરામાં દેખાઇ હતી.

આમ, આ કેસમાં સ્પા થેરાપિસ્ટ આઇડા જ પ્રાઇમ સસ્પેક્ટેડ હોય અલગ-અલગ અધિકારીઓએ વારાફરતી તેણીનું ઇન્ટ્રોગેશન કર્યુ હતું. જોકે, આઇડા મર્ડર કર્યાનો ઇન્કાર કરતી હતી. બીજી તરફ આઇડાની મલેશિયા અને જાપાનમાં ગુનાઇત હિસ્ટ્રી હોવાના પોલીસને ઇનપુટ મળતા ફરી આઇડા ફરતે તપાસ કેન્દ્રિત કરાઇ હતી. આખરે પોલીસને આઇડા વિરુદ્ધના એવિડન્સ મળી ગયા હતા અને ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. આમ, સપ્તાહ સુધી પોલીસને ચકરાવે ચઢાવનાર આઇડાનો આખરે ભાંડો ફૂટી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઇડાએ વનિડાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે અને પ્રાથમિક તપાસમાં લાલચી સ્વાભાવની આઇડાએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસને આઇડા પાસેથી મૃતકની ગોલ્ડ ચેઇન અને ૩ મોબાઇલ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, આઇડાએ હત્યાને કઇ રીતે અંજામ આપ્યો તે અંગે પોલીસે હજુ સુધી કોઇ ફોડ પાડયો નથી. દારૂ પીધા બાદ અર્ધબેહોશ હાલતમાં વનિડાની ગળું દબાવીને હત્યા કર્યા બાદ સળગાવી દીધી છે કે કેમ તે જાણવા પોલીસ આઇડાની પૂછપરછ કરી રહી છે. આઇડા સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઇ રહી છે. આ અંગે પોલીસ આવતીકાલે સત્તાવાર ખુલાશો કરનાર હોવાનું જાણવા મળે છે.

આઇડાના ઘરમાં ચોખાના ડબ્બામાંથી મૃતકની ગોલ્ડ ચેઇન મળી આવી

ચર્ચાસ્પદ બનેલા આ હત્યાકાંડમાં થાઇ થેરાપિસ્ટ આઇડા જ પહેલેથી પ્રાઇમ સસ્પેક્ટ હતી. પીઆઇથી લઇ ઉપરી અધિકારીઓ તેણીનું વારાફરતી ઇન્ટ્રોગેશન કરતા હતા, લેંગ્વેજ પ્રોબ્લમના કારણે દુભાષિયાની પણ મદદ લેવાતી હતી. જોકે, આઇડા પોલીસને ગોળ ગોળ ફેરવતી હતી. અલબત્ત, છેલ્લા એક સપ્તાહથી પોલીસને ચકરાવે ચઢાવનાર આઇડાનો આખરે ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે સીસીટીવી કેમેરાનું માઇક્રો એનાલિસિસ કર્યા બાદ ફરી તેણીના ઘરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જ્યાં ઘરના કિચનમાં તલાશી વેળા ચોખાના ડબ્બામાં છુપાવેલી મૃતકની ગોલ્ડ ચેઇન મળી આવી હતી. આ રીતે પોલીસને પહેલી ક્લુ મળી હતી.

હંમેશા સબૂત માંગતી આઇડાને જ્યારે પોલીસે ગોલ્ડ ચેઇન બતાવી તો ચોંકી ગઇ

ઇન્ટ્રોગેશન વેળા કાયમ આઇડા પોલીસ પાસે સબૂત માંગતી હતી. કાયદા બતાવી આઇડા પોલીસને હંફાવતી હતી. અગાઉ પણ આઇડાએ રાત્રે મૃતક વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કરી હોવા છતાં તે વનિડાના ઘરે ગઇ હોવાનો ઇન્કાર કરતી હતી. આખરે પોલીસે વનિડાના રૂમ પાસે તેની અવર-જવરના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. વળી, ફૂટેજમાં દેખાતી યુવતીના કપડાં પણ આઇડાના રૂમમાંથી મળી આવ્યા હતા. આ ફૂટેજ બતાવ્યા બાદ તેણીએ વનિડા સાથે પાર્ટી કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે, મર્ડર અંગે પોતે અજાણ હોવાનું રટણ કરી હતી. આખરે પોલીસે તેના રૂમમાંથી મળી આવેલી મૃતકની ગોલ્ડ ચેઇન બતાવતા જ આઇડાના હોંશકોંશ ઉડી ગયા હતા અને બાદમાં ગુનાની કબૂલાત કરી લીધી હતી.

3 આઇફોન પૈકી 1 રિક્ષાવાળાને આપ્યો, તો 2 બ્લેનકેટમાં સંતાડી દીધા

પોલીસે મૃતક વનિડાની ગોલ્ડ ચેઇન ઉપરાંત 3 આઇફોન પણ કબજે લીધા હતા. પોલીસે કરેલી પૂછપરછમાં આઇડાએ 3 આઇફોન પૈકી 1 આઇફોન પોતાના રિક્ષાવાળાને ગિફ્ટમાં આપી દીધો હતો. આ રિક્ષાવાળો રોજ તેણીને સ્પાથી ઘરે અને ઘરેથી સ્પામાં લઇ જતો હતો. જ્યારે 2 આઇફોન તેણીએ બ્લેનકેટમાં સંતાડી દીધા હતા. જે બ્લેનકેટ પણ બાંધીને તેણીને પોતાના આ રિક્ષાવાળાને જ વોશ કરવાના બહાને આપ્યું હતું. જોકે, પોતે કહે ત્યારે બ્લેનકેટ વોશ કરવા આપવાનું એમ આઇડાએ રિક્ષાવાળાને કહ્યું હતું. પોલીસે રિક્ષાવાળા પાસે બ્લેનકેટમાં છુપાવેલા બે આઇફોન પણ કબજે કર્યા હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન