સુરત: બ્રિજ પર મોબાઈલ શોધવા ગયા ત્રણ યુવાનો, ટ્રેન આવી જતા એકનું મોત - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: બ્રિજ પર મોબાઈલ શોધવા ગયા ત્રણ યુવાનો, ટ્રેન આવી જતા એકનું મોત

સુરત: બ્રિજ પર મોબાઈલ શોધવા ગયા ત્રણ યુવાનો, ટ્રેન આવી જતા એકનું મોત

 | 3:51 pm IST

સુરતનાં રઘુકૂળ માર્કેટ પાસે કોયલી ખાડી પાસે ચાલુ ટ્રેને પડી ગયેલો મોબાઇલ શોધવા રેલવે ટ્રેક પર નીકળેલા ત્રણ મિત્રો પૈકી એક કોયલી ખાડીમાં પડી ગયો હતો. જેમા ધર્મેન્દ્ર નામનાં યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે બેનો આબાદ બચાવ થયો છે. ઉધના સ્ટેશનથી સુરત સ્ટેશન તરફ રેલવે ટ્રેકના માર્ગ પર જતી વેળા ઘટના બની હતી.

રઘુકૂળ માર્કેટ પાસેના કોયલી ખાડીવાળા રેલવે બ્રિજના ટ્રેક પરથી પસાર થઇ રહેલા ત્રણ મિત્રો પૈકી એક ટ્રેન એડફેટે આવતા પાણીમાં પડી ગયો હતો. ફાયરબ્રિગેડે યુવકની તપાસ કરી હતી, પરંતુ ૨૪ કલાક બાદ પણ યુવકનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો. જ્યારે બે મિત્રોનો આબાદ બચાવ થયો હતો. સુરતથી ટ્રેનમાં બેસીને જલગાંવ જઇ રહેલા ધર્મેન્દ્ર, પ્રફુલ અને દીપક પૈકી પ્રફુલનો મોબાઇલ ચાલું ટ્રેન કોયલી ખાડીવાળા બ્રિજ પાસે પડી ગયો હતો. આ પડી ગયેલો મોબાઇલ શોધવા માટે ત્રણેય મિત્રો ટ્રેનમાંથી ઉધના રેલવે સ્ટેશન પર ઊતરી ગયા હતા. ત્યારબાદ મોબાઇલ શોધવા જતી વેળાં કોયલી ખાડીના બ્રિજ પરથી પસાર થતી વેળાં આ ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ઇચ્છાપોર ખાતે રહેતો ધર્મેન્દ્ર ભરતસિંગ રાજપૂત (ઉં.વ.૨૬)તેના મિત્ર પ્રફૂલ્લ રાજપૂત (ઉં.વ.૨૩) અને દિપક રાજપૂત (ઉ.વ.૨૬) મંગળવારે રાત્રે ૧૧.૩૦ કલાકે સુરતથી જલગાંવ જવા માટે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી હતી. સુરત રેલવે સ્ટેશનની ટ્રેનમાં બેઠાં બાદ પ્રફૂલ્લનો આઠથી દસ હજારની કિંમતનો મોબાઇલ ચાલુ ટ્રેન રઘુવીર માર્કેટવાળા કોયલી ખાડીના રેલવે બ્રિજ પહેલા ક્યાંય પડી ગયો હતો. દરમિયાન મોબાઇલ પડી જતાં ત્રણેય મિત્રો ઉધના રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી ઊતરી ગયા હતા. તેમજ મોબાઇલ શોધવા માટે રેલવે ટ્રેક ઉપર નીકળી પડયાં હતા.

આ સમયે રઘુવીર માર્કેટ નજીકના કોયલી ખાડીવાળા બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ધર્મેન્દ્રએ સામેથી આવતી ટ્રેન પર નજર પડી હતી. એક તરફ બ્રિજની આસપાસ કંઇ જ ન હતું, બીજી તરફ સામેથી ટ્રેન આવી રહી હોવાથી ત્રણેય મિત્રો ગભરાઈ ગયા હતા. જોકે, ગભરાટના માર્યા પ્રફૂલે તાત્કાલિક બ્રિજ ઓળંગી લીધો હતો. જ્યારે દીપક બ્રિજની બાજુમાં આવેલા પાઇપને પકડીને સૂઇ ગયો હતો. આ સાથે જ ધર્મેન્દ્રએ પણ પાઇપ પકડવા કૂદકો માર્યા હતો પરંતુ ટ્રેન અડફેટે આવતા તે સીધો કોયલી ખાડીમાં પડયો હતો. ધર્મેન્દ્ર પાણીમાં પડી જતાં ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. જ્યારે દીપકને ઇજા પહોંચતાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

ધર્મેન્દ્ર પાણીમાં પડી જતાં ફાયરબ્રિગેડના જવાનોએ મંગળવારે રાત્રે અને બુધવારે દિવસ દરમિયાન તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ૨૪ કલાક બાદ પણ કોઇ જ પત્તો લાગ્યો ન હતો. વધુમાં ધર્મેન્દ્ર અને પ્રફૂલ કેટરિંગની કામગીરી સાથે સંકળાયેલા છે. જ્યારે દીપક કતારગામ સ્થિત ડાયમંડ કંપનીમાં કામ કરે છે તેમજ ત્યાં રહે પણ છે.