Surat: Truck hits Car at Navjivan Circle
  • Home
  • Featured
  • સુરતમાં ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં કારનો ખુરદો બોલ્યો, અમેરિકાથી આવેલાં NRIની હાલત નાજૂક

સુરતમાં ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં કારનો ખુરદો બોલ્યો, અમેરિકાથી આવેલાં NRIની હાલત નાજૂક

 | 10:17 am IST

સુરતમાં નવજીવન સર્કલ પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. ટ્રકે કારને અડફેટે લેતાં કાર સર્કલની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિ અમેરિકાથી સુરત પોતાના મિત્રને ત્યાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, વહેલી સવારે 4.35 વાગ્યાની આસપાસ એક ટ્રકે કારને અડફેટે લીધી હતી. ટ્રકની જોરદાર ટક્કરથી કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી. અકસ્માતની ગંભીરતના ખ્યાલ તમને એ વાતથી આવી જશે કે, અકસ્માતમાં કારનું એન્જિન પણ બહાર આવી ગયું હતું.

અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. જેમાં USથી આવેલા કિરીટભાઈ વિરજીભાઈ ગણાત્રા(ઉ.વ.55)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. હાલત નાજૂક જણાતા સિવિલ બાદ કિરીટભાઈને વધુ સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

વહેલી સવારે થયેલ આ અકસ્માતને પગલે સ્થાનિકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. અને તાત્કાલિક 108ની ટીમને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. NRI કિરીટભાઈ વેસુમાં પોતાના મિત્રને ત્યાં આવ્યા હતા અને વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યાં હતા એ સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આજે મોડી રાત્રે અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે પણ એક ડમ્પરચાલકે પૂરપાટ ઝડપે ડમ્પર હંકાવીને રસ્તા પર સૂઈ રહેલાં લોકોને અડફેટે લીધા હતા. જેમાં 3 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં સિંગણપોરમાંથી નવજાત શિશુ મળી આવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન