કેલિફોર્નિયાના પૂરમાં હોમાઈ સુરતના 4ની જિંદગી, ગુમ પરિવારના મૃતદેહો મળી આવ્યા - Sandesh
  • Home
  • Gujarat
  • કેલિફોર્નિયાના પૂરમાં હોમાઈ સુરતના 4ની જિંદગી, ગુમ પરિવારના મૃતદેહો મળી આવ્યા

કેલિફોર્નિયાના પૂરમાં હોમાઈ સુરતના 4ની જિંદગી, ગુમ પરિવારના મૃતદેહો મળી આવ્યા

 | 11:26 am IST

કેલિફોર્નિયા પૂરમાં ગુમ થયેલા સુરતનો પરિવાર આખરે મળી આવ્યો છે. અમેરિકા પોલીસે પરિવારના ચારેય સદસ્યોના મૃતદેહ શોધી કાઢ્યા છે. સંદીપ અને સાંચીનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. તથા સૌમ્યા અને સિદ્ધાંતના મૃતદેહ નદીથી થોડે કિલોમીટરની દુરી પર મળી આવ્યા હતા. આ પરિવાર સુરતના અડાજણનો હતો, અને 5 એપ્રિલના રોજ કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યાં હતાં ત્યારે ભારે વરસાદના કારણે આખો પરિવાર ગુમ થયો હતો. જેથી સુરતમાં રહેતા તેમના પરિવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસેથી મદદની અપીલ કરી હતી, અને સુષ્મા સ્વરાજે મદદની પૂરતી બાંહેધરી આપી હતી.

મૂળ દક્ષિણ ભારતીય પરંતુ નોકરી અર્થે સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાયી થયેલા સંદીપ થોત્તાપિલ્લે (ઉં.વ. ૪૨) થોડા દિવસો અગાઉ પત્ની સૌમ્યા થોત્તાપિલ્લે (ઉં.વ. ૩૮), પુત્ર સિદ્ધાંત (ઉં.વ. ૧૨) અને પુત્રી સાચી (ઉં.વ. ૯) સાથે કેલિફોર્નિયાના પ્રવાસે ગયા હતા. ગઈ તા. ૫મી એપ્રિલને શુક્રવારે થોત્તાપિલ્લે પરિવાર કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યાં હતાં ત્યારે ગુમ થયો હતો. તેમની કાર પૂરમાં તણાઈ ગઈ છે. છેલ્લે મળેલી માહિતી પ્રમાણે થોત્તાપિલ્લે પરિવાર નોર્થ લેગેટથી હોન્ડા પાયલોટ કંપનીની મરૃન એસયુવી કાર (કેલિફોર્નિયા ૭સ્સ્ઠ૧૩૮)માં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે પરિવારજનો સાથે ફોન પર વાત પણ થઈ હતી. ત્યાર બાદ અચાનક આવેલા પ્રચંડ પૂરમાં તેમની કાર ફસાઈ ગઈ હતી. ત્યાર બાદથી સંદીપ અને તેમના પરિવારના કોઈ વાવડ મળી શક્યા નથી. દરમિયાન કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ ઓફિસર વિલિમ વુન્ડરલીચને ટાંકીને મળેલી માહિતી અનુસાર છઠ્ઠી એપ્રિલે એલ નદીમાં કાર ખાબકી હોવાના રિપોર્ટ તંત્રને મળ્યા હતા. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. પરંતુ તે સમયે ભારે વરસાદ હોવાને લીધે નદીમાં પૂરની સ્થિતિ હોવાથી કાર શોધી
શકાઈ ન હતી.

સંદીપના માતા-પિતા દ્વારા પુત્રના પરિવારને લઈને ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન તમામના મૃતદેહ મળ્યાની જાણ થતા ભાંગી પડ્યા છે. હાલ માતા અને પિતાની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારના કોઈ વાવડ નહીં હોય પરિવારજનોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી મદદ માગી હતી. આ સાથે જ સુષ્મા સ્વરાજે શોધખોળ ચાલી રહ્યાનું આશ્વાસન આપવા સાથે સરકારના પ્રયત્નોની માહિતી ટ્વિટર પર શેર કરી હતી.