સુરેન્દ્રનગર શહેરમાંથી વધુ ૧૦૦ વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો - Sandesh
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર શહેરમાંથી વધુ ૧૦૦ વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો

સુરેન્દ્રનગર શહેરમાંથી વધુ ૧૦૦ વાહન ચાલકો પાસેથી દંડ વસુલાયો

 | 3:41 am IST

સુરેન્દ્રનગર, તા.૧

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ખુદ એસ.પી. એ ટ્રાફીક શાખાને સાથે રાખી ટ્રાફીકના નિયમોનો ભંગ કરીને દોડતા વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કર્યુ છે. આ ઝુંબેશના ભાગરૂપે સોમવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ટ્રાફીક શાખાએ અલગ-અલગ નિયમ ભંગ બદલ અંદાજે ૧૦૦ જેટલા વાહન ચાલકો સામે આરટીઓના મેમા ફાડીને દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફીક શાખાની આ ઝુંબેશના પગલે નિયમોનો ભંગ કરીને દોડતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની પ્રાપ્ય માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી ફોર વ્હીલર કાચ ઉપર કાળી ફિલ્મ લગાવી તેમજ ટુ-વ્હીલરની નંબર પ્લેટમાં અવનવા લખાણ અને ચિત્રામણ કરી બેરોકટોક દોડતા વાહન ચાલકો સામે બુમરાણ ઉઠી હતી. આવી ફરિયાદો ધ્યાને લઈ એસ.પી. દિપક મેઘાણી તથા ટ્રાફીક પીએસઆઈ વિજયસિંહ ઝાલા તથા સ્ટાફના શૈલેન્દ્રસિંહ, ભદ્રરાજસિંહ, શાંતુભા સહિતનાઓએ છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફીક ઝુંબેશ જારી રાખી છે. ત્યારે સોમવારે જુદા-જુદા રસ્તાઓ ઉપર ચેકીંગ હાથ ધરતા કેટલાંક બાઈકોની નંબર પ્લેટ ઉપર લખાણ અને ચિત્રામણ જોવા મળ્યા હતા. તેમજ ડાર્ક ફિલ્મ લગાવેલ ફોર વ્હીલર વાહન ચાલકોને અટકાવીને ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૧૭ ડાર્ક ફિલ્મ લગાવેલ ફોર વ્હીલ, ૧૦ બાઈક નંબર પ્લેટમાં ખામી વાળા તેમજ અંદાજે ૭૦ થી વધુ વાહનો જુદા-જુદા નિયમ ભંગ બદલ ઝડપાઈ ગયા હતા. તમામ વાહન ચાલકો સામે આરટીઓના મેમા ફાડી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરતા આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે ટ્રાફીક નિયમોનો ભંગ કરીને દોડતા વાહન ચાલકો સામે તવાઈ ચાલુ રહેવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

પોલીસ મથકોમાં અઠવાડીયાની મહેતલ અપાઈ

જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકો તેમજ એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના વાહનની ખામી યુકત નંબર પ્લેટો વ્યવસ્થિત કરવા એસ.પી. દિપક મેઘાણીએ અઠવાડીયાની મહેતલ આપીને લેખિત સર્કયુલર પસાર કરાયો છે. આથી એક અઠવાડીયા બાદ જિલ્લાના પોલીસ મથકોના કર્મીઓના વાહનોનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે. આમ, પોલીસવડાએ પોતાના ઘર આંગણાથી ટ્રાફીક શેન્સ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે.