આરેનાં વૃક્ષો બચાવવા 'સેવ આરે ફોરેસ્ટ' અભિયાન શરૂ - Sandesh
  • Home
  • Mumbai
  • આરેનાં વૃક્ષો બચાવવા ‘સેવ આરે ફોરેસ્ટ’ અભિયાન શરૂ

આરેનાં વૃક્ષો બચાવવા ‘સેવ આરે ફોરેસ્ટ’ અભિયાન શરૂ

 | 1:32 am IST

। મુંબઈ  ।

મુંબઈમાં લગભગ ૩૨૦૦ એકરના જંગલને બચાવવા માટે ૩ લાખ લોકો એકજુટ થયા છે. કેટલાક વર્ષ અગાઉ આ લોકો એકમેકને ઓળખતા પણ નહોતા. હવે એક સાથે ‘સેવ આરે ફોરેસ્ટ’ અભિયાન ચલાવી રહ્યા છે. આરે ફોરેસ્ટ સંજય ગાંધી નેશનલ પાર્કનો હિસ્સો છે. આ જંગલ પિૃમ ઉપનગરની વચ્ચે હોવાથી એને મુંબઈનું ફેફસુ પણ માનવામાં આવે છે. એની ૧૦૦૦ એકર જમીન પર પહેલેથી જ અતિક્રમણ અને બાંધાકામ કાર્ય થયું છે.

બાકીની ૨૨૦૦ એકર જમીનમાંથી ૯૦ એકર જમીન પર કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-૩ માટે કારશેડ બનાવાઈ રહ્યો છે. અહીં ૩૬૦૦ વૃક્ષો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મેટ્રો પ્રોજેકટ માટે એમાંથી ૨૭૦૦ વૃક્ષો કાપવામાં આવશે. ઉપરાંત આ વિસ્તાર ઓશિવરા નદી (હવે નાળુ) અને મીઠી નદીનો હોવાનું પણ માનવામાં આવે છે. પર્યાવરણવાદીઓના મતે આ વન વિસ્તાર ખતમ થવાથી મુંબઈમાં પૂરનું જોખમ ઊભુ થઈ શકે છે. વન હોવાને કારણે પૂરને અટકાવી શકાય છે.  બોલિવુડની અનેક હસ્તિઓ પણ આ અભિયાનના સમર્થનમાં ઊતરી છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને જોન અબ્રાહમ સહિત બોલિવુડની અનેક હસ્તિઓએ ‘સેવ આરે ફોરેસ્ટ’ અભિયાનનું સમર્થન કર્યું છે. ગાયિકા લતા મંગેશકરે પણ જણાવ્યું છે કે મેટ્રો માટે વૃક્ષો કાપવા એ હત્યા સમાન છે.

આંદોલનકારીઓના મતે મેટ્રો પ્રોજેકટને કારણે જંગલમાં પ્રદૂષણ વધશે. પર્યાવરણ કાર્યકર્તા નિરાલી વૈદ્યએ આરે ફોરેસ્ટ બચાવવા માટે ઓનલાઈન અરજી દાખલ કરી છે. એમાં લગભગ ૩ લાખ લોકોએ સહી કરીને એનું સમર્થન કર્યું છે. અરજી પર આજે સુનાવણી થશે. અભિયાન સાથે જોડાયેલા નિરાલી, સ્ટાલિન દયાનંદ અને યશ મારવાહના મત મુજબ મેટ્રો પ્રોજેકટને કારણે આરે ફોરેસ્ટમાં પ્રદૂષણ વધી શકે છે.

બીજી તરફ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC)એ દાવો કર્યો છે કે મેટ્રોને કારણે પ્રદૂષણ ઓછુ થશે. MMRCએ જણાવ્યું છે કે આરે ફોરેસ્ટમાં મેટ્રો માટે ૨૭૦૦ વૃક્ષો કાપવા પડશે. આટલા વૃક્ષો એક વર્ષમાં ૬૪ ટન કાર્બન ડાયોક્સાઈડ શીષી લે છે. પણ મેટ્રો-૩ લગભગ ૪ દિવસમાં ૧૯૪ ટ્રિપ કરશે. મેટ્રોને કારણે આ ચાર દિવસમાં ૬૪ ટન ઓછુ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થશે. એટલે કે માત્ર ચાર દિવસમાં પ્રદૂષણમાં આટલો ઘટાડો થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;