વિરોધ-દેખાવોથી ઘેરાયેલું હોંગકોંગ હવે મંદીની ઝપટમાં - Sandesh
  • Home
  • Columnist
  • વિરોધ-દેખાવોથી ઘેરાયેલું હોંગકોંગ હવે મંદીની ઝપટમાં

વિરોધ-દેખાવોથી ઘેરાયેલું હોંગકોંગ હવે મંદીની ઝપટમાં

 | 2:22 am IST

ઓવર વ્યૂ

ચીનનાં શાસન હેઠળના હોંગકોંગમાં હિંસા વધતી જાય છે. આ મહિને થઇ રહેલા દેખાવો વખતે પાર્કિંગના સ્થાનેથી પડી જતાં એક વિદ્યાર્થીનું અવસાન થયું હતું. દેખાવો વખતે માસ્ક ધારણ કરીને આવેલા એક તોફાનીએ ઇંટ ફેંકતાં ૭૦ વર્ષના એક વૃદ્ધનું અવસાન પણ થઇ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો. હોંગકોંગના ફૂડ એન્ડ એન્વાયર્નમેન્ટ હાઇજીન ડિપાર્ટમેન્ટે પોતાના કર્મચારીના થયેલા અવસાન પરત્વે દુઃખ જાહેર કરતાં તેના પરિવારને મદદ કરવાની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી છે.

દેખાવોએ શહેરના અનેક વિસ્તારોમાં કામકાજ ઠપ કરી નાખ્યું છે. ખાસ કરીને પર્યટન અને રિટેલ વેપાર ભારે પ્રભાવિત થયા છે. આશંકા સેવાઇ રહી હતી તે પ્રમાણે હોંગકોંગ સરકાર પણ હવે તે વાતનો એકરાર કરી ચૂકી છે કે દાયકામાં પહેલી જ વાર હોંગકોંગ મંદીનો સામનો કરી રહ્યું છે. હોંગકોંગની સરકારે તાજેતરમાં જાહેર કરેલા આંકડામાં જણાવ્યું છે કે વર્ષના ત્રીજા ત્રિમાસમાં જીડીપી ૩.૨ ટકા જેટલો જ રહ્યો છે. તે સાથે જ કહેવામાં આવ્યું છે કે શહેરનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે.

સરકારના વિરોધી દેખાવકારો હોંગકોંગના કેટલાક વિસ્તારોમાં પાંચ કરતાં વધુ દિવસ માટે બંધ પાળી રહ્યા હતા. શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. કેટલાક હાઇવે પર પણ વાહનવ્યવહાર સ્થગિત રહ્યો. તે વચ્ચે અધિકારીઓ હિંસાને શાંત કરવાના ઉપાય વિષે વિચારણા કરી રહ્યા હતા.  દેખાવકારોએ બેરિયર્સ અને અન્ય નકામી બિનજરૂરી વસ્તુઓની મદદથી અવરોધો સર્જીને ક્રોસ હાર્બર ટનલ બંધ કરી દીધી હતી. આ ટનલ હોંગકોંગને કોવલુન જિલ્લા સાથે જોડે છે. ટનલ બંધ થતાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સરકારે ફરી એકવાર કંપનીઓને આગ્રહ કર્યો હતો કે કામદારો માટે કામ કરવાની લચીલી છુટછાટો આપતી પદ્ધતિ કામે લગાડવામાં આવે કે જેથી સમસ્યાનું સમાધાન મળી શકે. આ વર્ષે જૂન મહિનાથી જ હોંગકોંગમાં સરકાર વિરોધી અને લોકશાહી તરફી દેખાવોનો દોર ચાલી રહ્યો છે. સરકારે એક પ્રત્યાર્પણ ખરડો રજૂ કરતાં હોબાળો થયો છે. આ ખરડો પસાર થાય તો હોંગકોંગના અપરાધીને કેસ ચલાવવા ચીનમાં મોકલી શકાય તેવી જોગવાઇ થશે. ભારે વિરોધને પગલે તે ખરડો તો રદ થયો પરંતુ તે સાથે જ શરૂ થયેલા વિરોધ દેખાવો અટકવાનું નામ નથી લઇ રહ્યા. હવે હોગકોંગમાં લોકશાહી વહીવટીતંત્રની માગણી બુલંદ બની છે.  આ દરમિયાન હોંગકોંગના સીઇઓ કેરી લામના મુખ્ય કાનૂની સલાહકાર ટેરેસા ચેંગ સાથે લંડનમાં લોકોની ભીડે ધક્કામુક્કી કરતાં તેમને ઇજા પહોંચી હતી. તે વખતે દેખાવો કરી રહેલા દેખાવકારોએ હત્યારા અને શરમજનક જેવા સૂત્રો પણ પોકાર્યા. આ ઘટના સંબંધે હોંગકોંગ સરકાર તરફથી જારી નિવેદનમાં એટલું જ કહેવામાં આવ્યું હતું કે ચેંગને ગંભીર ઇજા પહોંચી હતી. નિવેદનમાં વધુ વિગતો નહોતી જ આપવામાં આવી.

મહિનાઓથી ચાલી રહેલા વિરોધ દેખાવોએ હોંગકોંગને દાયકાના સૌથી મોટા રાજકીય સંકટમાં મૂકી દીધું છે. વર્ષ ૨૦૧૨થી ચીનમાં સત્તા સૂત્રો સંભાળી રહેલા શી જિનપિંગ સામે પણ હોંગકોંગની સ્થિતિ સંભાળવી પડકારરૂપ બની રહી છે. બ્રાઝિલની યાત્રાએ પહોંચ્યા પછી શી જિનપિંગે ત્યાં જણાવ્યું હતું કે હોંગકોંગમાં હિંસાને રોકવી ખૂબ જરૂરી બની રહ્યું છે.

હોંગકોંગના અનેક વિસ્તારમાં યુવાનો અને વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા છે. હોંગકોંગના મુખ્ય આર્િથક કેન્દ્ર જેવા મધ્ય વિસ્તાર અને પૂર્વમાં આવેલા તાઇ કૂ વિસ્તારમાં શુક્રવારે બપોરે ઓફિસ કર્મચારીઓ માસ્ક ધારણ કરીને હોંગકોંગની આઝાદી માટે સૂત્રોચ્ચાર કર્યો હતો. દેખાવોમાં ભાગ લઇ ચૂકેલા ૩૧ વર્ષના નિકોલે કહ્યું હતું કે, ‘વીતેલા કેટલાક મહિનાથી જે બની રહ્યું છે તે જોઇને લોકોનું હૃદય ભાંગી પડયું છે. સરકાર માત્ર દેખાવો કરી રહેલાઓની આલોચના કરવા સામે આવી રહી છે. સરકાર નથી વિચારતી કે શહેરમાં આટલાં બધાં તોફાની અચાનક ક્યાંથી આવી ગયા? સામાન્ય લોકો તેમનું સમર્થન શા માટે કરી રહ્યા છે? ‘

પોલીસનું કહેવું છે કે પ્રતિષ્ઠિત ચીની યુનિવર્સિટી આજકાલ પેટ્રોલબોમ્બ તૈયાર કરવાનો અડ્ડો બની ગઇ છે. વિદ્યાર્થીઓની હિલચાલ આતંકવાદી બનવાની દિશામાં આગળ વધી રહી છે. હિંસા અને દેખાવો શમે તેવા કોઇ સંજોગ દેખાતા નથી. ૧૯૯૭માં બ્રિટને ચીનને હોંગકોંગની સોંપણી કરી ત્યારથી હોંગકોંગમાં એક દેશ બે વ્યવસ્થા હેઠળ વહીવટીતંત્ર કામ કરે છે. હોંગકોંગમાં પોતે હસ્તક્ષેપ કરી રહ્યું હોવાના આક્ષેપોને ચીન નકારી રહ્યું છે. આ સમસ્યા માટે ચીન બ્રિટન અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવી રહ્યું છે.

તાજેતરમાં અમેરિકી સંસદની એક સલાહકાર સમિતિએ પણ કોંગ્રેસને આગ્રહપૂર્વક જણાવી દીધું કે ચીન જો હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધ દેખાવોને રોકવા બળ પ્રયોગ કરે તો હોંગકોંગને મળેલો વિશેષ દરજ્જો પાછો ખેંચી લેવા કાયદો ઘડાવો જોઇએ. આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતા રાજકારણ એકબાજુએ મૂકીએ તો પણ હોંગકોંગમાં જે સ્થિતિ પ્રર્વિત રહી છે તે તેને મંદી તરફ ધકેલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન