સુશાંત આત્મહત્યા મુદ્દે સીબીઆઈએ રિયા સહિત છની વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ માટે સીટની રચના કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત આત્મહત્યા મુદ્દે સીબીઆઈએ રિયા સહિત છની વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ માટે સીટની રચના કરી

સુશાંત આત્મહત્યા મુદ્દે સીબીઆઈએ રિયા સહિત છની વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ માટે સીટની રચના કરી

 | 2:28 am IST

સુશાંત કેસમાં એક તરફ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને બિહાર પોલીસ પણ સક્રિય થઈ છે ત્યાં બિહારની સરકારની અપીલથી કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં એફઆઈઆર ફાઈલ કરી દેવાઈ છે અને વિગતે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આગામી સમયમાં ઘણા રહસ્યો ઉજાગર થાય તેવી શંકા સેવાઈ રહી છે. સીબીઆઈએ રિયા ચક્રવતી, તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શૌવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદીની સામે એફઆઈઆર દાખલ કરી છે.

બીજી તરફ આ કેસમાં દિનપ્રતિદિન નીતનવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સુશાંત અને રિયા ચક્રવર્તીના કોલ રેકોર્ડ્સની વિગતો બહાર આવી છે. સુશાંતે નવેમ્બર ૨૦૧૯માં ચંદીગઢ સ્થિત તેની બહેન રાનીને ફોન કરીને મદદ માગી હતી અને અને ચંદીગઢ જવા માટે ત્રણ બહેન સાથે ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૧૯માં સુશાંતે તેનો નંબર બદલી નાખ્યો હતો. આ નવા નંબર પરથી સુશાંતે તેની બહેન રાનીને કહ્યું હતું કે રિયા અને તેનો પરિવાર તેને મેન્ટલ હોસ્પિટલમાં ધકેલી દેવાનું કાવતરું ઘડી રહ્યો છે પરંતુ તે મેન્ટલ હોસ્પિટલમાં જવા માગતો નથી. સુશાંતે એવું પણ જણાવ્યું હતું કે તે મુંબઈ છોડીને સદાને માટે હિમાચલપ્રદેશમાં ઠરીઠામ થવા માગે છે. આ દરમિયાન રિયા તેને મુંબઈમાં જ રહેવાનું દબાણ કરવા લાગી હતી. પરંતુ ગમે તેમ કરીને પણ સુશાંતસિંહ મુંબઈથી ચંદીગઢ જતો રહ્યો હતો અને તેની બહેન રાની સાથે બે દિવસ રહ્યો હતો. આ દરમિયાન સિદ્ધાર્થ પિઠાણીએ રિયાને ફોન કરીને સુશાંત ચંદીગઢ જતો રહ્યો હોવાનું જણાવી દીધું હતું. ત્યાર બાદ રિયાએ સુશાંતને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને પાંચ દિવસમાં ૨૫ વાર ફોન કરીને સુશાંતને મુંબઈ પાછા આવતા રહેવાનું દબાણ કર્યું હતું. રિયાના દબાણને વશ થઈને સુશાંત ૨૪-૨૫ જાન્યુઆરીએ ચંદીગઢથી મુંબઈ આવતો રહ્યો હતો.

કોલ રેકોર્ડ્સ પરથી એવો પણ ખુલાસો થયો છે કે રિયાએ ૮ જૂન પછી સુશાંતનો ફોન નંબર બ્લોક કરી નાખ્યો હતો. ત્યાર બાદ ૮થી ૧૪ જૂનની વચ્ચે તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. આ વાત ઘણી હેરાન કરી મૂકે તેવી છે કારણ કે તેના અગાઉના મહિનામાં રિયા અને સુશાંતની વચ્ચે ઘણી વાર કોલ થયા હતા. જાન્યુઆરીમાં તો બન્ને વચ્ચે ૧૯ કોલ થયા હતા. ૮થી ૧૪ જૂનની વચ્ચે રિયા અને સુશાંત વચ્ચે તો કોલ થયા નહોતા.

રિયાની વર્ષે ૧૪ લાખની આવક છતાં મુંબઈમાં બે પ્રોપર્ટી : ઈડીએ તપાસ શરૂ કરી

સુશાંતસિંહ મામલે રિયા સામે ઈડીનો ગાળિયો કસાયો છે. સુશાંતનાં મોત બાદ ઈડીએ રિયા અને તેના પરિવાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે રિયાના આઈટી રિટર્ન પરથી એવું માલૂમ પડયું છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં રિયાની નેટવર્થ ૧૦ લાખથી વધીને ૧૪ લાખ થઈ હતી. સીબીઆઈનો મુખ્ય સવાલ એ હતો કે, આટલી ઓછી વાર્ષિક આવક છતાં રિયાએ મુંબઈમાં બે સંપત્તિ ખરીદી હતી. બીજી બાબત એ હતી કે, આ સંપત્તીમાંથી એક રિયાને નામે અને બીજી પરિવારના સભ્યને નામે હતી. આ સંપત્તિના પૈસા કોણે ચૂકવ્યા તે દિશામાં ઈડીએ તપાસ હાથ ધરીને આર્થિક વ્યવહારોની માગ કરી છે.

દિશા સાલિયાનના પોસ્ટમોર્ટમમાં શા માટે ૨ દિવસનો વિલંબ થયો ?

સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનાં મોતના બે દિવસ બાદ પોસ્ટમોર્ટમ કરાયું હતું. બિહાર પોલીસ સુશાંત અને દિશાનાં મોત વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ દિશાના પીએમ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટ અનુસાર દિશાના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરાઈ નહોતી અને ક્રાઈમ સીનની પણ ચકાસણી કરાઈ નહોતી. ફોરેન્સિક એક્સ્પર્ટ ડોક્ટર દિનેશે રાવે એવું જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં બે દિવસનો વિલંબ પોલીસની લાપરવાહી દર્શાવે છે અને હવે પોલીસે આ વાતનો જવાબ આપવો જોઈએ.

સુશાંત કેસમાં મુંબઈ પોલીસનો સહયોગ ન મળ્યો, ઘણા પુરાવા ભેગા કર્યા : બિહાર પોલીસ

મુંબઈ ગયેલી બિહાર પોલીસની એસઆઈટીના વડા કેસર આલમે એવું જણાવ્યું કે અમારી તપાસ દરમિયાન મુંબઈ પોલીસે અમને જરા પણ સહયોગ આપ્યો નથી. તેમ છતાં પણ અમે ઘણા મહત્વના પુરાવાઓ એકત્ર કર્યાં છે અને તે સીબીઆઈને સોંપી દઈશું. તેમણે કહ્યું કે અમને તો એ ખબર પડતી નથી કે મુંબઈ પોલીસે શા માટે અમને કેસના પેપર ન આપ્યાં. પટણા સિટી એસપી વિનય તિવારીનું ક્વોરન્ટાઈન સંપૂર્ણ રીતે ખોટું છે અને બીએમસીએ તેમને તાત્કાલિક ધોરણે મુક્ત કરવા જોઈએ.

૧૩ જૂને મારા ઘેર કોઈ પાર્ટી થઈ નહોતી : સૂરજ

સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં એક્ટર આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીનું નામ પણ ઉછળ્યું છે. પોતાનું નામ આવતા ડરેલા સૂરજ પંચોલીએ મીડિયા સામે આવીને ખુલાસો કર્યો છે. સૂરજ પંચોલીએ એ અહેવાલને રદિયો આપ્યો છે કે જેમાં એવું કહેવાયું હતું કે ૧૩ જૂનના દિવસે સૂરજના ઘેર પાર્ટી થઈ હતી જેમાં સુશાંત અને દિશા પણ સામેલ હતાં. તેણે કહ્યું કે આવી કોઈ પાર્ટી મારે ઘેર થઈ નહોતી, આ બધી અફવા છે.

મુંબઈ પોલીસ અનપ્રોફેશનલ, કોર્ટમાં જઈશું : બિહાર ડીજીપી

સુશાંત કેસની તપાસ માટે મુંબઈ ગયેલી બિહાર પોલીસની ૪ સભ્યોની ટીમ પટણા પાછી આવી છે. બિહાર ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું એવું કહેવું છે કે મુંબઈમાં કામ કરવું ઘણું મુશ્કેલ છે, મુંબઈ પોલીસ અનપ્રોફેશનલ છે. પરંતુ અમને તપાસમાં જે જાણકારી મળી છે કે તે સીબીઆઈ માટે ઘણી મહત્ત્વની સાબિત થશે. તેમણે કહ્યું કે બીએમસીએ અમારા અધિકારી વિનય તિવારીને હજુ પણ ક્વોરન્ટાઇનમાં રાખ્યાં છે અને અમે આ મુદ્દે કોર્ટમાં અરજી કરીશું. ગુપ્તેશ્વર પાંડેએ એવું જણાવ્યું કે મુંબઈમાં સુશાંત કેસની તપાસ કરવા ગયેલા બિહાર આઈપીએસ અધિકારી વિનય તિવારીને પરાણે ક્વોરન્ટાઇન કરાયા છે. બીએમસીએ અમારા અધિકારી વિનય તિવારીને તાત્કાલિક મુક્ત કરી દેવા જોઈએ. તેમણે કહ્યું કે સુશાંતનાં મોતના ૫૦ દિવસ પછી મુંબઈ પોલીસે શું શું કર્યું તે અમને જણાવે.

ગુજરાત કેડરના બે IPSને સુશાંતસિંહ આપઘાત કેસની તપાસ સોંપાઇ   

ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધરન સરકારની ગુડ બુકમાં હોવાથી રાજ્યના આઇબીના વડા હતા અને ત્યાથી તેમની બદલી દિલ્હી સીબીઆઇ ખાતે થઇ હતી. તેમના પહેલા ગુજરાત કેડરના આઇપીએસ ગગનદીપ ગંભીર પણ સીબીઆઇમા મુકાયા હતા. આઇપીએસ મનોજ શશીધરને વટવામા હરકુતુલ મુજાહિદ્દીનનુ મોડયુલના ગંગા રો-હાઉસ ખાતે એન્કાઉન્ટર કર્યું હતુ. જેતે સમયે પોરબંદર ડીવાયએસપી જે આર મોથલીયાએ ગોસાબારા લેન્ડીગની તપાસ કરી બાદમાં આ કેસની તપાસ જામનગર એસપી મનોજ શશીધરને કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ડીસીપી અને જોઇન્ટ કમીશનર તરીકે કામગીરી કરી અનેક કેસો તેમણે સુજભુજ અને ટેકનીકલ જાણકારથી સુલજાવ્યા હતા. આમ જીવણટભરી તપાસમાં માહીર એવા ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધરનને સુશાંતસિંહ રાજપુતના રહસ્યમય આપઘાત કેસની તપાસ સોંપાઇ હતી.

Love you too Gudiyadi : સુશાંતે બહેન શ્વેતાના જવાબમાં લખ્યું

સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ સુશાંત સાથેની તેની વોટ્સએપની ચેટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર બોલતા શ્વેતાએ લખ્યું કે સુશાંત તમે અમને ખૂબ ચાહતા હતા. આ ચેટ ૨૨ મેના દિવસની હતી. સુશાંતે પણ તેની બહેનને કેટલીક તસવીરો અને વીડિયો મોકલાવ્યાં હતાં. સુશાંતે લખ્યું હતું Love you too Gudiyadi. સુશાંતે કેટલીક ઈમોજી પણ શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન