ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ 15 ઓગસ્ટ શનિવારથી શરૂ થવાની છે. સિરીઝની પહેલી મેચ ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે, અને બંને ટીમો તૈયારીઓમાં બિઝી છે. આ દરમિયાન શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ ગાલે ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. તેમને જણાવ્યું હતું કે આ સિરીઝમાં શ્રીલંકાનું પલડું ઉપર હોય તેવું લાગી રહ્યું છે અને તે સ્પિન-ફ્રેન્ડલી પીચો પર ભારત માટે મેચ શક્ય તેટલી મુશ્કેલ બનાવશે. શ્રીલંકાના કેપ્ટને ભારતીય ટીમને તેમના સૌથી મોટા હથિયારથી સાવધ રહેવાની પણ સલાહ આપી. શ્રીલંકાના કેપ્ટને ટીમ ઈન્ડિયા વિશે શું કહ્યું? શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે શ્રીલંકામાં સૌથી મોટો પડકાર સ્પિન સ્થિતિમાં સારું પ્રદર્શન કરવાનો રહેશે. તાજેતરના સમયમાં ભારતે સ્પિન સામે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભારતે 2024માં ન્યુઝીલેન્ડ અને 2025માં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી હતી. શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ મીડિયાને જણાવ્યું હતું કે, "ભારતને સ્પિન-ફ્રેન્ડલી પીચો પર હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં ભારતીય બેટ્સમેન ટર્નિંગ વિકેટ પર કેવી રીતે રમવું તે ભૂલી ગયા નથી. તેઓ ચોક્કસપણે વાપસી કરવા માટે ઉત્સુક રહેશે." શ્રીલંકા સામે ભારતનો શાનદાર રેકોર્ડ છે. ભારતે 2008 થી શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યું નથી, અને 2015 થી એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી. ભારતને હરાવવા માટે શ્રીલંકાની રણનીતિ શું છે? શ્રીલંકાના કેપ્ટનના મતે તેની રણનીતિ મેચને અંતિમ દિવસો સુધી લંબાવવાની રહેશે. જો મેચ ચોથા કે પાંચમા દિવસે પહોંચે છે, તો પિચનો સ્પિન ચાન્સ વધારી શકે છે, જેનાથી શ્રીલંકાની જીતની શક્યતાઓ મજબૂત બનશે. તેને સ્પષ્ટપણે કહ્યું કે તેની ટીમ સમગ્ર સિરીઝ દરમિયાન ભારતીય ખેલાડીઓ પર સતત દબાણ રાખવાનો પ્રયાસ કરશે. તેને કહ્યું કે "ઈન્ટરનેશનલ ક્રિકેટ સરળ નથી. જો આપણે રમતને ચોથા અને પાંચમા દિવસે લઈ જઈ શકીએ, તો અમારી પાસે તેમને હરાવવાની સારી તક છે. મને આશા છે કે અમે તેમના માટે શક્ય તેટલું મુશ્કેલ બનાવીશું અને સમગ્ર સિરીઝ દરમિયાન તેમને દબાણમાં રાખીશું." પ્રભાત જયસૂર્યા સૌથી મોટો ખતરો બની શકે છે શ્રીલંકાનો લેફ્ટ સ્પિનર પ્રભાત જયસૂર્યા ભારતીય બેટ્સમેન માટે સૌથી મોટો ખતરો બની શકે છે. ગાલેમાં તેનો પ્રભાવશાળી રેકોર્ડ છે, અને શ્રીલંકાના કેપ્ટનને આ હથિયાર પર વિશ્વાસ છે. શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ કહ્યું કે "આંકડાકીય રીતે ગાલેમાં શ્રીલંકાનું પલડું ઙારે છે. પ્રભાત જયસૂર્યાએ અહીં શાનદાર પ્રદર્શન કર્યું છે, અને તેને વર્ષોથી આ મેદાન પર રમી રહેલી ઘણી ટીમો પર પ્રભુત્વ મેળવ્યું છે. હું કહીશ કે આ શ્રીલંકા માટે એક પ્લસ-વન છે." જસપ્રીત બુમરાહની ગેરહાજરી ભારત માટે મોટી ખોટ આ સિરીઝમાં ભારતીય ટીમ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વગર રમશે. ઈજાને કારણે જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નથી. પરંતુ સ્પિન વિભાગમાં ભારત પાસે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા અનુભવી બોલર્સ છે. ધનંજય ડી સિલ્વાએ જસપ્રીત બુમરાહની ગેરહાજરી ભારત માટે મોટી ખોટ ગણાવી. તેને એમ પણ કહ્યું કે શ્રીલંકાએ ભારતના બાકીના બોલરો સામે સંપૂર્ણ તૈયારી કરી છે અને તેમના માટે રણનીતિ તૈયાર છે. શ્રીલંકાએ 12 ઓગસ્ટના રોજ પ્રથમ ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી, જેમાં 3 સ્પિન બોલરોનો સમાવેશ થાય છે. આ સિવાય ટીમ પાસે બે પાર્ટ-ટાઈમ સ્પિન વિકલ્પો પણ છે. આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન