Suspected murder of mysterious young man in Valsad Civil Hospital
  • Home
  • Gujarat
  • વલસાડ સિવિલમાં દાખલ યુવાનનું રહસ્યમય મોત, હત્યાની આશંકા

વલસાડ સિવિલમાં દાખલ યુવાનનું રહસ્યમય મોત, હત્યાની આશંકા

 | 7:50 pm IST

વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હોસ્પિટલ (સિવિલ હોસ્પીટલ)માં ગુરુવારે દાખલ કરાયેલા શહેરના મદનવાડ વિસ્તારના યુવાનનો મૃતદેહ શુક્રવારે સવારે ગંભીર રીતે ઇજા પામેલી હાલતમાં, ખુલ્લી જમીન પરથી રહસ્યમય સંજોગોમાં મળી આવતા, ચકચાર મચી ગઇ હતી. હોસ્પીટલના પાંચમા માળે આવેલા મેલ વોર્ડમાં દાખલ યુવાને પાંચમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોવાની શક્યતા દર્શાવાઇ રહી છે. જ્યારે મૃતકના પરિવારજનોએ, યુવાનની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરતા, પોલીસે પી.એમ. રિપોર્ટના આધારે તપાસ હાથ ધરાશે તેવો ખુલાસો કર્યો હતો.

વલસાડના મદનવાડમાં રહેતા પ્રકાશ રાજુભાઇ રાઠોડ (ઉ.વ.31) દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. ગતરોજ તેને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડતા, બપોરે 1-00 વાગ્યે વલસાડ સિવિલ હોસ્પીટલની નવી બિલ્ડીંગમાં પાંચમા માળે સ્થિત મેલ જનરલ વોર્ડમાં દાખલ કરાયો હતો. દરમિયાન શુક્રવારે સવારે 8-55 વાગ્યે હોસ્પીટલના બ્લોક નં.1 પાસે આવેલી રસોડા નજીકની ખુલ્લી જગ્યામાં પ્રકાશ અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો મળી આવતા, તેને તાત્કાસિક ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું સવારે 9-34 વાગ્યે મૃત્યુ થયું હતું. પ્રકાશે પાંચમા માળેથી પડતું મૂકીને જીવતર ટુંકાવ્યુ હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ, મૃતકના ભાઇએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, પ્રકાશને પાંચમા માળેથી ધક્કો મારીને નીચે ફેંકી દેવાયો છે. આ પ્રકાશની આશંકા સાથે લાશનું પેનલ પી.એમ. કરાવવાની માંગણી કરાતા, મામલો ગરમાયો છે. સીટી પોલીસે હાલ તો અકસ્માત મોત મુજબનો ગુનો દાખલ કર્યો હતો અને પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ તપાસની દિશા નક્કી કરશે તેમ જણાવ્યું હતું.

વલસાડ સિવિલના વહીવટકર્તાઓની ગંભીર પ્રકારની બેદરકારી ફરી ઉજાગર થઇ

આ ઘટનામાં વલસાડ સિવિલ હોસ્પીટલની બેદરકારી ફરી એક વખત ઉજાગર થઇ છે. આશરે એકાદ વર્ષ પહેલા મેલ વોર્ડમાં દાખલ એક અસ્થિર મગજના યુવાને આ જ રીતે પાંચમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. એ ઘટના પરથી સિવિલના સત્તાવાળાઓએ બોધપાઠ લીધો હોય તેમ જણાતુ નથી. હોસ્પીટલના પાંચમા માળે સ્થિત મેલ વોર્ડમાં દાખલ પ્રકાશ રાઠોડ ગતરાત્રે તેની પથારી છોડીને ગ્રાઉન્ડ ફ્લોર પર ઉતરી આવ્યો હતો. સિવિલ પરિસરમાં સ્થિત પોલીસ ચોકીના જમાદાર ધીરૂભાઇ મોડીરાત્રે 1-30 વાગ્યે પ્રકાશને તેના વોર્ડમાં મોકલી આપ્યો હતો. જેને કારણે એ સમયે મેલ વોર્ડમાં ફરજ પર તૈનાત સિવિલના સ્ટાફની ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવી છે.

ઘટનાસ્થળ પાસેના તમામ 4 સીસી ટીવી કેમેરા બંધ, લાશ મળી તે સ્થળેથી દારૂની ખાલી બોટલો મળી

યુવાને પાંચમા માળેથી છલાંગ લગાવી તે સમયે હોસ્પિટલ પરિસરમાં તૈનાત સિક્યુરીટીના ગાર્ડસ ક્યાં હતા ? તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ઘટના સ્થળે લગાવેલા તમામ ચાર સીસી ટી.વી. કેમેરા બંધ હાલતમાં હોવાનું જણાયુ હતું. દારૂ પીવાની ટેવ ધરાવતા પ્રકાશનો મૃતદેહ જ્યાંથી મળ્યો તે સ્થળેથી દારૂના પાંચ ખાલી ક્વાર્ટર મળી આવતા, અનેક તર્ક-વિતર્કો વહેતા થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન