સસ્પેન્ડ થયેલા ૩ સભ્યોને વિધાનસભામાં પ્રવેશ, કાર્યવાહીમાં ભાગ લેવા પર પાબંદી - Sandesh
  • Home
  • Ahmedabad
  • સસ્પેન્ડ થયેલા ૩ સભ્યોને વિધાનસભામાં પ્રવેશ, કાર્યવાહીમાં ભાગ લેવા પર પાબંદી

સસ્પેન્ડ થયેલા ૩ સભ્યોને વિધાનસભામાં પ્રવેશ, કાર્યવાહીમાં ભાગ લેવા પર પાબંદી

 | 10:05 am IST

ગાંધીનગર, તા.૧૪

ગુજરાતના લોકતાંત્રિક સંસદિય ઈતિહાસમાં પ્રથમ વખત કોગ્રેસના ત્રણ ધારાસભ્યોને એક સત્રથી વધુ સમય માટે સસ્પેન્ડ કરાયા છે. સાવરકુંડલાના પ્રતાપ દુધાત અને રાજુલાના અમરિશ ડેરને ત્રણ વર્ષ એટલે કે ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી તેમજ કલોલના બળદેવજી ઠાકોરને એક વર્ષ એટલે કે ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધી ૧૪મી વિધાનસભાની કાર્યવાહી, વિધાનસભાની કમિટીઓની પ્રક્રિયામાં ભાગ લેવાથી લઈને વિધાનસભામાં પ્રવેશ પર જ પ્રતિબંધ મુકવા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ કર્યો હતો.

બુધવારે પ્રશ્નકાળ બાદ ધમાલને પગલે બપોરે ૧૨-૨૨ ક્લાકે ૧૦ મિનીટ માટે મુલતવી રહેલુ ગૃહનું કામકાજ અફરાતફરીના માહોલ વચ્ચે છેક ૩-૫૫ ક્લાકે ફરી મળ્યુ ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના ઉપરોક્ત ત્રણેય ધારાસભ્યો સામે સસ્પેન્શન કાર્યવાહી માટે દરખાસ્ત રજુ કરી હતી. જેને સંસદિય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમારે આ સમગ્ર ઘટનામાં ભાજપના ધારાસભ્ય જગદિશ પંચાલ અને હર્ષ સંઘવી પણ એટલા જ જવાબદાર હોવાનું કહીને તેમની સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવાનો ઉમેરો કર્યો હતો. પોણા બે ક્લાકની ચર્ચાને અંતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને સસ્પેન્શનના આદેશો કર્યા. પ્રતાપ દુધાત અને અમરિશ ડેરના વર્તનને હત્યા થઈ શકે તેવા પ્રયાસરૂપ હોવાનું આલેખતા અધ્યક્ષ ત્રિવેદીએ આ બંનેની બોડી લેંગ્લેજને ગલી મહોલ્લામાં કોઈ વર્તે તેવી હોવાનું નોંધ્યુ હતુ. એટલુ જ નહી, દુધાતે પંચાલ પર હુમલો કર્યો તે સૌની નજર સામે હોવાનું કહેતા અત્યાર સુધીમાં અનેક વખત સસ્પેન્ડ થયેલા આ ધારાસભ્યો નવા છે તેથી માફ કરવા તે ઉચિત ન હોવાનું પણ પોતાના રૂલિંગમાં ઉમેર્યુ હતુ. સરકારપક્ષેની દરખાસ્ત ઉપર અધ્યક્ષે વિધાનસભામાં મતદાન લીધુ હતુ. જેમાં વિપક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે શાસક ભાજપના ધારાસભ્યોએ બહુમતીથી પસાર કરતા અધ્યક્ષે પોતાના રૂલિંગ સાથે ઉપરોક્ત ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાનું જાહેર કર્યું હતુ.

ડેર અને દૂધાત દોષિત હોય તો

પંચાલ, સંઘવી પણ છેઃ પરમાર

વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યુ કે, નાયબ મુખ્યમંત્રીએ દરખાસ્ત મુકી આ ગૃહને લોકશાહીનું મંદિર કહ્યુ તેમાં હું સહમત. વિડિયો મે પણ જોયો છે પણ એવુ તે શું થયુ કે પ્રતાપ દુધાતને જગદિશ પંચાલ પર હુમલો કરવો પડયો ? દોષિત દુધાત હોય તો પંચાલ પણ છે અને ડેર હોય તો સંઘવી પણ છે કારણ કે તેમણે સાવ નીચલી પાયરીના, બિભત્સ ગાળો બોલીને ઉશ્કેર્યા છે. અહીં તો બહુમતીના જોરે સમગ્ર વિપક્ષને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવાયો છે. નાયબ મુખ્યમંત્રીને દાખલો બેસાડવો હોય તો પ્રતાપ- અમરિશની સાથે જગદિશ અને હર્ષને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તો અમે પણ સમર્થન આપીશું.

ગુજરાતના સર્વોચ્ચ ગૃહમાં હિંસાથી દુઃખી, દાખલો બેસડાવા દરખાસ્ત : નીતિન પટેલ

વિધાનસભા એ ગુજરાતની લોકતાંત્રિક વ્યવસ્થાનું સંચાલન કરતુ સર્વોચ્ચ ગૃહ છે. જ્યાં કાયદો ઘડાય છે, બજેટ મંજૂર થાય છે, તેના અમલની ચર્ચા થાય છે. લોકશાહીમાં પ્રજાએ સોંપેલી જવાબદારીના ભાગરૂપે વિપક્ષ સરકારની ટિકા કરે, સુચનો કરે વિરોધ પ્રદર્શન માટે દેખાવો, સુત્રોચ્ચાર કે વોકઆઉટ એ બધા માટે એક મર્યાદા હોય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યુ કે, હુ ૧૯૯૦થી આ ગૃહનો સભ્ય છું ક્યારેય આવા દર્શ્યો જોયા નથી. આજના હિંસાચારથી મારૂ માથુ શરમથી ઝુકી ગયુ છે અત્યંત દુખ સાથે ત્રણ ધારાસભ્યોના સસ્પેન્ડની દરખાસ્ત રજુ કરી રહ્યો છું. આ સમગ્ર ઘટનાક્રમમાં અધ્યક્ષે જ્યારે વિક્રમ માડમને બેસવા કહ્યુ અને તેઓ માની પણ ગયા અને લગભગ બધુ શાંત પડી રહ્યુ હતુ ત્યારે અમરિશ ડેર અચાનક જ ઉશ્કેરાયા. એ વખતે કોંગ્રેસના સભ્યોએ તેમને રોક્યા પણ શાંત ન થયા અને તેવામાં પ્રતાપ દુધાત ગમે તે કારણોસર ઉશ્કેરાઈને આવ્યા, માઈક ખેંચ્યુ અને જગદિશ પંચાલ પર હુમલો કર્યો તે દર્શ્યો ગુજરાતે જોયા છે. ડો.નીમા બહેન આચાર્ય તો માંડ માંડ બચ્યા છે. આ હિંસક અને હિચકારા દર્શ્યો જોઈને આમ ગુજરાતી, પ્રબુધ્ધો નાગરિકો આ ઘટનાને કલંકિત કહી રહ્યા છે તેમાં બદનામ કોણ થયુ ? આ વિધાનસભા જ ને ? માટે આવી ઘટના ભવિષ્યમા ન થાય, અમે હોઈ કે ન હોઈએ આવનારી પેઢીઓ પણ લોકતંત્રના આ સર્વોચ્ચ ગૃહની ગરિમા માટે અધ્યક્ષના નિર્ણયોને ટાંકે તેના દાખલો બેસાડવા ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરૂ છું. વિપક્ષને પણ સર્મથન માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માંગણી કરી હતી.

વ્યક્તિ નહી પાર્ટી, વિસ્તાર બદનામ થાય છેઃ ચૂડાસમા

ચૂંટાયા પછીના દિવસથી જ ધારાસભ્યને લોકો સાહેબ કહીને સંબોધે છે. આથી આ સ્થાન, વિધાનસભા ગૃહ સન્માનિય છે અહીં, વૈચારિક લડાઈ હોય, વિવેચન હોય હિંસા નહી. ત્રણ ચાર લાખ મતદારોનો પ્રતિનિધી હિંસા ઉપર ઉતારૂ થાય તેનાથી વ્યક્તિ નહી, તેની પાર્ટી અને વિસ્તાર બદનામ થાય છે તેમ કહેતા સંસદિય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની દરખાસ્તને ટેકો  આપ્યો હતો. વિધાનસભા સત્ર શરૂ થયુ ત્યારથી  પ્રતાપ દુધાતે રોજેરોજ ડિસ્ટર્બન્સ ઉભુ કર્યાનું જણાવતા ચુડાસામાએ વિપક્ષના નેતાને સર્મથન આપવા વિનંતી ઔકરી હતી.

વિભાગોની આકરી ટીકા છતાંયે કોઈ હાથપાઈ નથી કરતું : જાડેજા

નવા સત્રની શરૂઆતથી રોજેરોજ વિપક્ષના કેટલાક સભ્યો અંતરાય સર્જે છે. આજે હિંસક હુમલાથી મહિલા ધારાસભ્યો પણ થરથર કાંપતી હોય તેવુ વાતાવરણ ઉભુ થયાનું જણાવતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે આ વિધાનસભામાં પક્ષ- વિપક્ષ વચ્ચે લોકહિતમાં વૈચારીક લડાઈ સ્વાભાવિક છે. વિપક્ષ ખરાબમાં ખરાબ શબ્દોમાં આલોચના કરે છે પરંતુ ક્યારેય કોઈ હાથાપાઈ નથી કરતુ. આવુ પહેલી વખત થયુ છે આથી એક્શન નહી લેવાય તો આવનારી પેઢીઓ સંસદિય કાર્યરીતની આ પરંપરાને માફ નહી કરે.

વિપક્ષ વીડિયો આપે, રાજીનામું આપવા તૈયારઃ જગદીશ પંચાલ

અઠવાડિયા પહેલા પ્રતાપ દુધાતે લલિત મોદી, નિરવ મોદીને સાંકળીને મારા પક્ષના રાષ્ટ્રિય નેતા વિરૂધ્ધ ઉચ્ચારણો કર્યા ત્યારે મે તેમને રોક્યા હતા. તેની દાઝ રાખીને દુધાતે મને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. આથી આજે હુમલો કર્યો હોવાનું કહેતા ભાજપના જગદિશ પંચાલે બિભત્સ ગાળો બોલ્યાના આક્ષેપ સંદર્ભે કહ્યુ કે વિપક્ષ વિડિયો આપે હું ધારાસભ્યપદેથી અબઘડીએ રાજીનામુ આપી દઈશ. ભાજપના શહેર પ્રમુખ અને મારી પાર્ટીના બદનક્ષી કરતા વિધાનો હું નહી ચલાવી લઉ.

સંસદીય ફરજમાંથી બાકાત રાખવાનું ઉચિત નથી : પૂંજાભાઈ

કોંગ્રેસના સિનિયર સભ્ય પૂંજા વંશે નીતિન પટેલને યાદ કરાવ્યુ કે કેમ ભૂલો છો કે ભૂતકાળમાં સ્વ. ચિમનભાઈ પટેલ નર્મદા પરનું નિવેદન વાંચતા હતા ત્યારે તમારી જ પાર્ટીના સ્વર્ગસ્થ નેતાએ કાગળ ઝુંટવી, ફાડીને માથામાં માર્યા હતા છતાંયે તેમની સામે કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. પ્રજાના મતોથી ચૂંટાયેલા ધારાસભ્યને સંસદિય કાર્યવાહી ફરજમાંથી બાકાત રાખવાનું ઉચિત જણાતુ નથી. સરકાર ફરીવાર વિચારે.

વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરો, દૂધ-પાણી અલગ થઈ જશે

ભગવાનના મંદિરે ચાર ચંપલની ચોરી થાય તો પણ તેને તાળુ નથી મારવામાં આવતુ. અહીં તો ચૂંટાયેલા ધારાસભ્યને પ્રજાએ સોંપેલા અધિકાર સામે પ્રતિબંધ મુકાય છે આટલુ વૈમન્સ્ય સારૂ નહી તેમ પેટલાદથી કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય નિરંજન પટેલ કહ્યુ હતુ. બંને પક્ષે સારો નિવેડો લાવવા વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવા અને આખીય ઘટનાના સળંગ વિડિયો ફુટેજ સાર્વજનિક કરવા કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી.

મા-બહેન, દીકરી સામે બેફામ ગાળો સામે પ્રતિકાર : ધાનાણી

વિપક્ષના નેતા પરેશ ધાનાણી નાયબ મુખ્યમંત્રીની દરખાસ્તનો વિરોધ કરતા કહ્યુ કે પ્રશ્નકાળ પછી જગદિશ પંચાલ તો ગૃહમાં હાજર પણ ન હતા. તેઓ દોડીને આવ્યા અને મા-બહેન, દિકરી સામે બેફામ ગાળો બોલીને પ્રતાપ દુધાતને ઉશ્કેર્યા હતા. જગદિશભાઈ પર દુધાતે કરેલા હુમલાની ઘટનાને હું વખોડુ છુ પરંતુ, ભાજપના આઠથી ૧૦ ધારાસભ્યો બેફામ ગાળાગાળી કરીને અમરિશ ડેર ઉપર ગડદાપાટુનો માર માર્યો તે કેટલા અંશે વ્યાજબી છે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન