સ્વામી વિવેકાનંદની રોમાંચક-પ્રભાવક પ્રથમ USયાત્રા - Sandesh
  • Home
  • Columnist
  • સ્વામી વિવેકાનંદની રોમાંચક-પ્રભાવક પ્રથમ USયાત્રા

સ્વામી વિવેકાનંદની રોમાંચક-પ્રભાવક પ્રથમ USયાત્રા

 | 2:20 am IST

સામયિક : પ્રભાકર ખમાર

૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩નો એ પ્રેરણાત્મક દિન. ૩૦ વર્ષના ભારતના સંન્યાસી સ્વામી વિવેકાનંદે અમેરિકાનાં શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મપરિષદમાં આપેલાં ઐતિહાસિક વ્યાખ્યાનનો સ્મારણાંકિત પ્રસંગ. કેવી રોમાંચક અને પ્રભાવક હતી સ્વામીજીની એ પ્રથમ અમેરિકાની યાત્રા! આવો, એનાં અમીછાંટણાનો આસ્વાદ માણીએ.

સમયની સરિતામાં ૧૨૫ વર્ષનાં વહાણાં વહી ગયાં. અમેરિકાનાં શિકાગો શહેરના સ્ટેશનવિસ્તારમાં ગુડ્ઝ ટ્રેનોમાંથી ઉતારવામાં આવતા માલસામાનના ચોગાનમાં એક ભારતીય સંન્યાસી પ્રગાઢ નીંદરમાં પોઢી રહ્યા હતા.

આકાશના અસંખ્ય તારલાઓ તેમની લીલમ-માણેકની આંખોથી એ સંન્યાસીને નીરખી રહ્યા હતા. એણે ભગવા રંગનો લાંબો ડગલો પહેર્યો હતો. અનંત રખડપાટથી તે અત્યંત થાકી ગયા હતા, છતાંયે એનાં મુખ ઉપરની પ્રભાની તેજરેખાઓ એમનાં તેજસ્વી વ્યક્તિત્વનું દર્શન કરાવતી હતી.

એ હતા સ્વામી વિવેકાનંદ. 

ભારતને તેનું ભૂતકાલીન ગૌરવ પાછું પ્રાપ્ત કરાવીને એક પ્રાચીન આધ્યાત્મિક અને સંસ્કૃતિવાન પ્રજા તરીકે તેને વિશ્વ સમક્ષ રજૂ કરનાર પ્રથમ હિંદુ પ્રચારક એટલે સ્વામી વિવેકાનંદ, પરદેશમાં જઈને ભારતીય વેદાંતધર્મનો પ્રચાર કરનાર સંન્યાસી એટલે સ્વામી વિવેકાનંદ.

અમેરિકામાં મળનારી વિશ્વના સર્વ ધર્મોની સંસદમાં ભાગ લેવા સ્વામીજી અમેરિકા ગયા હતા. એ સમયે એમની ઉંમર હતી માત્ર ૩૦ વર્ષ. યૌવનનો પમરાટ એમનાં તેજસ્વી મુખારવિંદ પરથી પ્રગટતો હતો. પ્રખર જ્ઞા।નીની આભા એમનાં નેત્રોમાં ચમકતી હતી.

ભારતના તેમના પ્રશંસકો અને અનુયાયીઓએ સ્વામીજીને વિનંતી કરી હતી કે, ”શિકાગોમાં મળનારી વિશ્વ ધર્મસંસદમાં આપ હાજરી આપો અને હિંદુ ધર્મનાં તત્ત્વજ્ઞાનનો જગતને પરિચય કરાવો.” સ્વામીજી સંમત થયા. પ્રશંસકોએ નાણાં એકઠાં કર્યાં. સમય ઘણો ઓછો હતો.

અમેરિકામાં કોઈ ઓળખાણ વિના બે-ત્રણ મહિના ગાળવા માટે કેટલાં નાણાં જોઈએ અને શી તૈયારી કરવી જોઈએ તેનો કોઈને ખ્યાલ નહોતો. સ્વામીજીના હાથમાં જે થોડાં નાણાં મૂકવામાં આવ્યાં તે લઈ તેઓ મદ્રાસથી જહાજ દ્વારા અમેરિકા રવાના થયા. તેમની પાસે ગરમ વસ્ત્રો પણ નહોતાં. જે મળ્યું તે લઈને સ્વામીજી અમેરિકા પહોંચ્યા.  અમેરિકામાં પહોંચીને તપાસ કરતાં ખબર પડી કે, સર્વ ધર્મ સંસદ તો સપ્ટેમ્બરમાં મળવાની છે અને પોતે તો જુલાઈ મહિનામાં જ આવી પહોંચ્યા છે! તેઓએ એમ પણ જાણ્યું કે સર્વ ધર્મ સંસદમાં પ્રતિનિધિનું પદ મેળવવા માટે પોતાના દેશની માન્ય ધર્મસંસ્થાના પ્રતિનિધિ તરીકે મુકરર કરેલી તારીખ સુધીમાં અરજી કરવી જોઈએ, પરંતુ તેઓ અમેરિકા પહોંચ્યા ત્યારે તો એ તારીખ પણ ચાલી ગઈ હતી. સ્વામીજી મૂંઝાયા, છતાંયે તેમનાં મનમાં એક પળવાર પણ હિંદ પાછા ફરવાનો વિચાર આવ્યો નહીં. તેમની ધર્મશ્રદ્ધા, આત્મશ્રદ્ધા અને ધ્યેયશ્રદ્ધા હિમાલય સમી અચળાયમાન હતી.

આમ છતાં વિચારોની ઉદ્વેગભરી મનોદશામાં રાત પડી. સ્વામીજી રસ્તો ભૂલ્યા અને સ્ટેશનના માલસામાનના ચોગાનમાં જઈ ચડયા હતા. માનસિક અવદશામાં આખી રાત મેદાનમાં નિદ્રાધીન થયા. સૂર્યોદય થયો. પ્રભાતનાં પ્રથમ કિરણો સ્વામીજીનાં મુખારવિંદ પર પડયાં. સ્વામીજી જાગ્યા. તેમણે આસપાસ નજર કરી. નજીકમાં જ તેમણે નળ જોયો, ત્યાં જઈ મોં ધોયું. સ્વામીજીને કકડીને ભૂખ લાગી હતી. થોડે દૂર મકાનોની હારમાળા દેખાતી હતી.  સ્વામીજીએ સંન્યાસીની પ્રણાલિકા મુજબ મકાનો પાસે જઈ ભિક્ષાપાત્ર ધર્યું. તેમનો પહેરવેશ જોઈ કેટલાંકે ઉપહાસ કર્યો, કેટલાંકે મોં મચકોડયું, કેટલાકે ઉપેક્ષા બતાવી. સ્વામીજી હતાશ થઈ ગયા. તેઓ પોતાની વેદનાગ્રસ્ત આંખો આકાશ તરફ માંડી એક સ્થળે બેસી ગયા. સખત ભૂખ લાગી હતી. મોં પર ચિંતાનાં વાદળો છવાયાં હતાં. હવે શું કરવું એનું વિચાર-મનોમંથન ચાલતું હતું.  બરાબર તે જ સમયે તેમની સામેનાં મકાનનાં બારણાં ઊઘડયાં અને એક પ્રૌઢ વયનાં અમેરિકી મહિલા તેમની સામે આવી ઊભાં.  ”આપ કોણ છો? ક્યાંથી આવો છો?” મહિલાએ ભાવથી અજાણ્યા માણસને પૂછયું.

સ્વામીજીએ કહ્યું, ”મારો દેશ ભારત, હું સંન્યાસી છું” અને પછી તેમણે પોતાની આપવીતી કહી સંભળાવી. ભલી મહિલા ઉપર સ્વામીજીની વાતની ઊંડી અસર પડી. એણે સ્વામીજીને પોતાના મહેમાન બનવા આમંત્રણ આપ્યું.

મહિલાનું નામ હતું શ્રીમતી જ્યોર્જ ડબ્લ્યૂ. હેઇલ. તેઓ સુખી અને પરોપકારી હતાં. સ્વામીજીએ આ ચમત્કારથી હર્ષાવેશ અનુભવ્યો. બે જ દિવસમાં શ્રીમતી હેઇલ સ્વામીજીનાં જ્ઞાનથી પ્રભાવિત થયાં. તેઓએ સ્વામીજીનાં વ્યાખ્યાનો યોજ્યાં અને એમાં વિદ્વાનો, તત્ત્વજ્ઞા।નીઓ, પ્રાધ્યાપકો, સાહિત્ય સર્જકો વગેરેને આમંત્રણ આપ્યું. સ્વામીજીની અજબ વાક્છટાએ બધાને મોહિત કરી દીધા. તેમના અગાધ ધર્મજ્ઞા।ને ઘણાને ભક્તો બનાવી દીધા.  એ સમુદાયમાંથી હાર્વર્ડ યુનિવર્સિટીના બે પ્રોફેસરો વિલિયમ જેમ્સ અને જે. એચ. રાઇટ, જેઓ સર્વધર્મ સંસદના સંયોજનમાં સક્રિય રસ લેતા હતા. તેમણે સ્વામીજીને કહ્યું કે, ”આપે વિશ્વ ધર્મસંસદમાં ભાગ લેવો જોઈએ.”

સ્વામીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, ”હું અમેરિકા આવ્યો છું આ જ કામ માટે પણ અહીં આવ્યા પછી મને જણાયું કે સર્વ ધર્મ સંસદ માટે હું લાયકાત ધરાવતો નથી.”

પ્રોફેસર રાઇટનાં આૃર્યનો પાર ન રહ્યો. તેઓએ ભાવપૂર્વક કહ્યું, ”આપના કરતાં વધારે લાયકાત ધરાવનાર કોણ હોઈ શકે? આપ તો માત્ર જ્ઞા।ની જ નહીં પણ તત્ત્વજ્ઞા।ન ભાસ્કર છો. હું આપને આમંત્રણ આપું છું કે આપ અમારી ધર્મસંસદમાં પધારી અમારું ગૌરવ વધારો.”

…અને સ્વામી વિવેકાનંદને અસામાન્ય સન્માન સાથે સર્વ ધર્મ સંસદના મંચ ઉપર મોખરાનું આસન પ્રાપ્ત થયું.

ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં સર્વ ધર્મ સંસદ એ દુનિયાનો મોટામાં મોટો બનાવ હતો અને તેમાં હિંદના એક યુવાન સંન્યાસીએ ધર્મનાં કર્તવ્યના સમર્થ નિરૂપણથી ઘૂઘવતા મહાસાગર જેવી શ્રોતા મેદનીમાં પ્રશસ્તિના જુવાળ ચડાવી ધર્મસંસદને હાલકડોલક બનાવી દીધી.

કેસરી સાફો, ભગવી કંથા, પૂર્ણ ચંદ્ર સમું અમી ઝરતું વદન, પડઘા પાડતો બુલંદ અવાજ : એવા સ્વામી વિવેકાનંદ સંબોધન માટે ઊભા થયા અને જ્યારે એમણે પ્રથમ વાક્ય ઉચ્ચાર્યું કે…

”અમેરિકાના મારા બંધુઓ અને ભગિનીઓ માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ” ત્યારે ધર્મ સંસદના વિશાળ મંડપમાં અનહદ અને અવર્ણનીય ઉત્સાહનાં મોજાં ફરી વળ્યાં. હજારો હાથની જોરદાર તાળીઓના ગડગડાટથી મંડપ ધ્રૂજી ઊઠયો, કારણ શું હતું? અગાઉના વક્તાઓનું પ્રારંભિક સંબોધન ”લેડીઝ એન્ડ જેન્ટલમેન”થી શરૂ થયું. જ્યારે સ્વામીજીએ ‘બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ’થી પ્રવચનનો પ્રારંભ કર્યો. સ્વામીજીનું પ્રવચન આગળ ચાલ્યું. તેમની અર્થસભર વાણીનો ધોધ શ્રોતાઓના કર્ણ દ્વારા અણુ અણુમાં ચેતના જાગ્રત કરતો હતો.  ”ધર્મ એટલે માત્ર જ્ઞા।ન નહીં, માત્ર શાસ્ત્રાર્થ નહીં, માત્ર ભક્તિ નહીં, પરંતુ મનુષ્યનું કર્તવ્ય – તેના ઓછા ભાગ્યશાળી ભાઈ-બહેનોની સેવાનું કર્તવ્ય” – એ હતું સ્વામીજીનાં પ્રવચનનું મધ્યબિંદુ.

સ્વામીજી આ એક જ પ્રવચનથી માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં વિખ્યાત બની ગયા. જગતના જ્યોતિર્ધરોનાં ર્કીિતમંદિરમાં મોખરાનું સ્થાન પામ્યા. પ્રવચન પૂર્ણ થયા પછી પ્રતિનિધિઓએ ઊભા થઈ બે મિનિટ સુધી કરધ્વનિથી વધાવી લીધા. ધર્મસંસદમાં ઉપસ્થિત ઘણા દેશોએ એમને પ્રવચન માટે આમંત્રિત કર્યા. અખબારોએ પ્રથમ પાને સ્વામીજીનાં પ્રવચનને ફોટા સાથે પ્રસિદ્ધ કર્યું.

આ હતા સ્વામી વિવેકાનંદ. એમના જન્મ ૧૮૬૩માં : એમણે માત્ર ૩૯ વર્ષની વયે ૧૯૦૨માં જીવનલીલા સંકેલી લીધી. નાની ઉંમરે અદ્ભુત કાર્ય કર્યું. અર્ધી સદી સુધી એમનાં પ્રવચનોએ હિંદી યુવાનોને પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાના આત્મઘાતી માર્ગેથી પાછા વાળ્યા અને ભારતના ધર્મ-સંસ્કારની ભવ્યતાના પૂજારી બનાવ્યા.

વિવેકાનંદજીના સ્વર્ગવાસને ૧૧૫ વર્ષ વીતી ગયાં, છતાંયે તે સદા જીવંત છે. એમના ઉદ્ગારો અને ઉપદેશોમાં. સ્વામીજી હિંદના ઇતિહાસે તેજોમૂર્તિ તરીકે અનંતકાળ પ્રકાશતા રહેશે. ધર્મ તત્ત્વચિંતક સ્વરૂપે વિશ્વને અજવાળતા રહેશે.