swaminarayan temple bhuj - An Open Letter by the Frontline in the Administration of Temples
  • Home
  • Bhuj
  • હરિભક્તોની માંગ, સાધુઓ પાસેથી ફોન-લેપટોપ જપ્ત કરી લેવા

હરિભક્તોની માંગ, સાધુઓ પાસેથી ફોન-લેપટોપ જપ્ત કરી લેવા

 | 7:23 pm IST

સ્વામિનારાયણ સાધુઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કિંમતી મોબાઈલ ફોન અને લેપટોપ-આઈપેડ સહિતના મામલે અત્યાર સુધી હરિભક્તો દબાતા સૂરે કે છાનેખૂણે નારાજગી વ્યક્ત કરતા હતા. જોકે, જૂન માસમાં સ્વામિનારાયણ સાધુના મોબાઈલ ફોનમાં યુવતીઓનાં અશ્લીલ ફોટો મળવાની ઘટના અને ત્યારબાદ તબક્કાવાર સંસારીઓને પણ શરમાવે તેવી સાધુઓની મહિલાઓ સાથેની વાતચીતની ઓડિયોક્લિપો વાયરલ થતાં હજારો સત્સંગીઓએ આઘાત અનુભવ્યા બાદ હવે સમાજના અગ્રણીઓ અને વિદેશમાં મંદિરોનો વહીવટ સંભાળતા અગ્રીમ હરોળના હરિભક્તોએ ખુલ્લા પત્ર દ્વારા સાધુઓના મોબાઈલ ફોન-લેપટોપ સહિતના ઉપયોગ અંગે સવાલો ઉઠાવ્યા છે.

યુ.કે.ના સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ ભીમજી માવજી ભુડિયાએ ભુજ સ્વામિનારાયણ મંદિરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોઈ સાધુ પાસે મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ ન હોવા જોઈએ અને જે સાધુ પાસે આવી કોઈ ચીજો હોય તો મહેરબાની કરીને તાત્કાલિક જપ્ત કરી લેવા જોઈએ. આ ઉપરાંત પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિર-નાઈરોબીના પ્રમુખ મનજીભાઈ રાઘવાણી સહિત મંત્રી મનોજ આસાણી, ખજાનચી વિશ્રામભાઈ ભંડેરી, ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાણી, પરબતભાઈ રાજાણી અને વીરજીભાઈ પીંડોરિયા દ્વારા લખાયેલો પત્ર પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, જેમાં પણ સાધુઓ દ્વારા થતાં મોબાઈલ ફોન અને લેપટોપના ઉપયોગ અંગેના ભયસ્થાનો ઉજાગર કરવાની સાથે અન્ય છ મુદ્દાઓ પર સંપ્રદાયનું નામ ઉજળુ થાય તે હેતુ સાથે સૂચનો કરવામાં આવ્યા છે.

જૂન માસમાં હજારો હરિભક્તો ક્ષોભમાં મુકાયા હતા
કચ્છ અને દેશ-વિદેશનાં લાખો હરિભક્તો માટે આસ્થાનાં કેન્દ્ર સમાન ભુજ સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા સત્સંગીઓએ જૂન માસમાં આઘાત અને ક્ષોભજનક સ્થિતિનો અનુભવ કરવો પડયો હતો. કારણ કે, ભુજ સ્વામિનારાયણ મંદિર હસ્તેના નારાણપર મંદિરના 26 વર્ષના યુવાન શિક્ષિત સાધુના મોબાઈલ ફોનમાંથી યુવતીના અશ્લીલ ફોટા અને ત્રણેક યુવતી સાથેના તેના સંબંધોની કબૂલાતની એક ઓડિયોકિલપ વાયરલ થતાં ભુજ સ્વામિનારાયણ મંદિરે વિવાદી સાધુના ભગવા વસ્ત્રો, જનોઈ-શિખા ઉતારીને સંસારી કપડાં પહેરાવીને પરત તેને સ્વગૃહે મોકલી દીધો હતો. જોકે, ભગવા વસ્ત્રો ઉતારી લેવાયેલા ચંદ્રપ્રકાશસ્વામીએ અન્ય સંતો સામે ચોંકાવનારા આક્ષેપો કરીને અન્ય સાધુઓના પણ મોબાઈફોન અને લેપટોપ તપાસવાની માગ કરી હતી. તો બીજીતરફે, આ બનાવ બાદ કથિત સાધુઓની મહિલાઓ સાથેની અશ્લીલ વાતચીતોની એક પછી એક ઓડિયોક્લિપો વાયરલો થઈ હતી.

સ્વામિનારાયણ મંદિર-સ્ટેનમોરના પ્રમુખે લખેલા પત્રના મુખ્ય અંશ
– ભુજ મંદિરના સાધુઓના જે બનાવ બન્યા તે સર્વ સત્સંગી માટે શરમજનક વાત છે. સાધુઓ મોબાઈલ રાખે તે યોગ્ય નથી, સાધુ પાસે ફોન-લેપટોપ ન હોવા જોઈએ.
– સભામાં લક્ષ્મણભાઈ રાઘવાણીએ પણ વાત કરેલી ત્યારે સાધુઓ આડુ બોલ્યા હતા અને હવે આનુ પરિણામ આપણે સહુ જોઈ રહ્યા છીએ, પગલાં લેવા આવશ્યક છે.
– સાધુ પાસેથી આવી ચીજો મહેરબાની કરીને તાત્કાલિક જપ્ત કરી લેવી જોઈએ. ભુજ મંદિરના ટ્રસ્ટી શું પગલાં લેવાના છો? તેનો પ્રત્યુત્તર મળે તેવી આશા રાખીએ છીએ.

પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિરના પત્રના મુખ્ય અંશ
– જે સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, તેનું મુખ્ય કારણ ફોન, લેપટોપ-આઈપેડ છે.
– રાત્રિ સભાઓમાં એકબીજા પર દૃષ્ટિ પડયા વિના રહે નહીં, બંધ થાય તે આવશ્યક, ગાયોના ચારા માટેનું ફંડ વપરાઈ જાય તે યોગ્ય, તે જમા રાખવું જરાય યોગ્ય નથી.
– ભુજ મંદિર હેઠળના ગુરુકુળોમાં ફીનું ધોરણ ઊંચુ છે, જે યોગ્ય નથી, ગુરુકુળોનું સંચાલન સંતો-મંડળો કરે તે યોગ્ય નથી, સંતોની બદલી પણ આવશ્યક, ટીકા-ટિપ્પણી નથી પણ ખોટનો સુધારો થાય અને નામ ઉજળુ થાય તે માટે પત્ર.