Swaminarayan Temple Tyagavallabhaswami Kamlila Viral, Talks of enjoying a physical relationship with a woman
  • Home
  • Featured
  • સ્વામિનારાયણ સાધુની અશ્લીલતા સામે આવતા ખળભળાટ, સ્ત્રી મોહમાં લપેટાઇ સ્ત્રીવેશ ધારણ કરવાનું રહસ્ય ખુલ્યું

સ્વામિનારાયણ સાધુની અશ્લીલતા સામે આવતા ખળભળાટ, સ્ત્રી મોહમાં લપેટાઇ સ્ત્રીવેશ ધારણ કરવાનું રહસ્ય ખુલ્યું

 | 8:17 am IST

વ.ડતાલ સ્વામિનારાયણ મંદિરના ભગવાધારી અંદાજિત ૩૫ થી ૩૮ વર્ષના ત્યાગવલ્લભસ્વામી મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા અને પોતે મહિલાના સ્ત્રીવેશના કપડાં ધારણ કર્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં હરિભક્તોમાં સંત સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે.

સંસાર ત્યાગીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં લીન થવાના સ્થાને શેતાન સાધુને સંપ્રદાય બદનામ થાય તેવુ કૃત્ય આચરીને કહેવા પૂરતા માત્ર ભગવા કપડા પહેરીને મહિલાની મોહમાયા ન છૂટતા હોવાની વાતોને લઇને સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શ્રીહરિની માળા કે જપ કરવાના સ્થાને સંસારીક જીવનની સ્ત્રીની મોહમાયામાં લીન બનેલા સાધુ સામે ફિટકારની લાગણી પ્રગટી છે.

લાખો હરિભક્તોની આસ્થાનું પ્રતીક અને સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી વડતાલ ગાદી મંદિરના સંતોની કહેવાતી કરતૂતો એક પછી એક બહાર આવી રહી હોઇ ધાર્મિક સંસ્થાનના ઓથા હેઠળ આચરવામાં આવી રહેલી લીલાઓને કારણે સત્સંગીઓ વ્યથિત થયા છે. સાધુને  લાખો હરિભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તેઓને પૂજનીય અને માર્ગદર્શક ગણે છે. ત્યારે સાધુ વેશમાં શેતાની વૃત્તિ ધરાવતા ઢોંગી ત્યાગવલ્લભસ્વામીની કહેવાતી કેટલીક અશ્લીલ હરકતો બહાર આવતા જ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.

વાયરલ થયેલી તસવીરોમાં સાધુ કાનમાં ઇયરફોન નાંખીને ફેસટાઇમના માધ્યમથી મહિલા સાથે ફેસ ટુ ફેસ વાતો કરતાં નજરે પડી રહ્યા છે. ઉપરાંત ભગવાધારીએ આટલેથી જ ન અટકીને સ્વામિનારાયણ ભગવાને આપેલી શિક્ષાપત્રીના નીતી-નિયમોનો સરેઆમ છેદ ઉડાડી શેતાન સ્વામિ સ્ત્રીવેશ ધારણ કર્યા હોવાના દૃશ્યો પણ ચર્ચાને એરણે છે.

ત્યારે સત્સંગીઓમાં એવી ચર્ચાઓ ઊઠી છે કે શું સ્વામી સ્ત્રીવેશ ધારણ કરી મહિલાને મળવા જતા હતા. તે દિશામાં પણ જો તપાસ કરવામા આવે તો હકીક્ત ઉજાગર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. શ્રીજી સ્વામિએ સંતોને સ્ત્રીસંગ, ભોગવિલાસ અને મનને લોલૂપ કરે તેવા સ્ત્રોતો, તામસિક ખાનપાન, આસુરી વૃત્તિ ધરાવતી ભૌતિક સુવિદ્યાઓનો ત્યાગ કરીને સંપૂર્ણ પ્રભુમય બનીને સાદાઇથી જીવન જીવી સંતત્વને ઉજાળવાની શીખ આપી છે. ત્યારે વૈરાગ્યના નામે કહેવાતા ત્યાગવલ્લભસ્વામી જેવા કેટલાક સંતો ખુદ ભગવાનની જ આજ્ઞાઓનો અનાદર કરી રહ્યા છે. જે મુદ્દો પણ ભાવિકજનો માટે ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે.

ભગવામાં પણ સંસારનો મોહ છૂટતો નથી

ધાર્મિક સંપ્રદાયના કહેવાતા ગુરૂઓની એક પછી એક ૫।પલીલાઓ પ્રકાશમાં આવતા સમસ્ત સાધુ  સંપ્રદાય ઉપર તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા  છે. હાલમાં જ ઇડરના જૈન સંપ્રદાયના બે મુનિઓેની કરતુતો સામે આવતા મામલો છેક પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જેમાં બન્નેની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  તે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાંજ લાખો હરિભક્તોનો સૌથી મોટો સમુદાય ધરાવતા વડતાલ ધામના સંતોની કહેવાતી પાપલીલાઓને કારણે ભગવાનમાં આસ્થા ધરાવતા હરિભક્તોમાં પણ સંતો પ્રત્યે ફિટકારની લાગણી પ્રગટે છે. કેટલાક કહેવાતા  સંતના કારણે સમગ્ર સંત સમુદાયને લાંછન લાગે તેવી ઘટનાઓથી લોકોમાં સાધુ સંતો પ્રત્યે વિશ્વાસ રહ્યો નથી.

સાધુએ સ્ત્રીવેશ શા માટે ધારણ કરવો પડયો  

ત્યાગવલ્લભસ્વામીને સ્ત્રીની એટલી બધી મોહમાયા લાગી કે સ્વામી અધીરા બનતા જાણે કે મહિલાને મળવા માટે સંત અને સંપ્રદાયની આબરૂને પણ દાવ ઉપર લગાવીને સ્ત્રીવેશ ધારણ કરવા પાછળ તેઓની વૃત્તિ શું છે તે પ્રશ્ન સર્વત્ર ચર્ચાઇ રહ્યો છે. હરિભક્તોને હંમેશા જીવનમાં કેવી રીતે આગળ વધવું અને મુશ્કેલીમાંથી કેવી રીતે સરળતાથી બહાર નીકળવું અને જીવન જીવવાની કળાનુ હંમેશા સિંચન કરતાં ભગવાધારી સંત દ્વારા જ મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ અને સ્ત્રીવેશ ધારણ કરવાની મનોવૃત્તિ સાધુની માનસિકતાની ચાડી ખાય છે.

માથે તિલક, શરીરે ભગવા અને મનમાં મોહિની

ત્યાગ વલ્લભસ્વામીએ દીક્ષા લીધા બાદ પોતાનુ સમગ્ર જીવન સંપ્રદાય અને ભગવાનની સેવામાં સર્મિપત કરવાના મનસુબા સાથે સાધુપણાનો સ્વીકાર કર્યો હતો. તેઓએ દીક્ષા લેતા જ તેમની જીવનચર્યા શિક્ષાપત્રીને આધિન બન્યું છે. માથે ભગવાનના નામનું તિલક અને ચાંદલો, શરીરે ભગવા કપડા અને મનમાં સ્ત્રીસંગની વૃત્તિએ સાધુત્વ લજવ્યું છે. તેઓની એક ચેષ્ટાને કારણે લોકોમાં અન્ય પ્રખર સૈદ્ધાંતિક સંપ્રદાયને વરેલા અગ્રણી સંતો પ્રત્યે પણ ધૃણા જન્મે તેવી સ્થિતિ સર્જી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન