Sweet Potato Smart Farming
  • Home
  • Agro Sandesh
  • રતાળુમાં ખાતર-પાણીમાં શું ધ્યાન આપવું પડે છે?

રતાળુમાં ખાતર-પાણીમાં શું ધ્યાન આપવું પડે છે?

 | 10:00 am IST

રતાળુ એ કંદ વર્ગનો પાક છે. જેનો જમીનમાં વિકાસ થતો હોઈ જમીન પોચી અને ભરભરી બને તે માટે પાયામાં છાણિયું ખાતર પૂરતા પ્રમાણમાં આપવું પડે છે. ખેડૂતો પહેલાં શેઢા પાળા ઉપર તેનું વાવેતર કરતાં હતાં પરંતુ  બજાર માંગ રહેતાં પદ્ધતિસરના વાવેતર થવા લાગ્યા છે. રતાળુનું કેળના બગીચામાં પાળા ઉપર વાવેતર કરીને તેમજ રતાળુના વેલા જમીન પર પથરાઈ રહેતા હોવાથી આવરણના કામ સાથે વધારાની આવક પણ અપાવે છે.

રતાળુનું પદ્ધતિસર વાવેતરમાં ખાતર, પાણી અને માવજતમાં ખાસ ધ્યાન આપવું પડે છે. રતાળુના સારા ઉત્પાદન માટે જમીનમાં સેન્દ્રિય ખાતર પૂરતાં પ્રમાણમાં આપવું જોઈએ. હેક્ટરે ૧૦થી ૧૫ ટન છાણિયું ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરો પણ આપવા પડે છે. છાણિયા ખાતર સિવાય હેક્ટરે ૬૦ કિગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિગ્રા. ફોસ્ફરસ, અને ૯૦ કિગ્રા પોટાશ આપવો.

પાયાના ખાતરો આપી રતાળુના કંદ અથવા વેલાનું વાવેતર કર્યા બાદ એક મહિને પૂર્તિ ખાતર તરીકે ૬૦ કિગ્રા નાઈટ્રોજન આપવાથી કંદનો સારો વિકાસ થાય છે. રતાળુ કંદનું વાવેતર કર્યું હોય ત્યારે ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન આપવું. મોટે ભાગે ખેડૂતો કંદનું પાળા ઉપર વાવેતર કરતા હોય છે. તેમ છતાં જો પાણી ભરાઈ રહે તો તેનો નિતાર નીક વાટે નિકાલ કરવો.

પાણી ભરાઈ રહે તો કંદ સડી જાય છે. જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે તે પ્રમાણે શિયાળામાં ૧૫ દિવસે અને ઉનાળામાં ૭થી ૮ દિવસે પિયત આપવું.વાવેતર બાદ ઘાસનું આવરણ કરવાથી સ્ફૂરણ ઝડપી થાય છે. આ ઉપરાંત કંદવર્ગનો પાક હોઈ આંતરખેડ કરતાં કંદ ખુલ્લા ન થાય, તેમજ કંદનો વિકાસ વધતાં તે બહાર ન આવી જાય તે માટે  પાળા ચડાવતા રહેવું જોઈએ.

  • રવજીભાઈ પટેલ, નવસારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન