Sweety Patel Case: Today PI Ajay and Kirit presented in Karjan court for remand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચોંકાવનારો ખુલાસો: સ્વીટી પટેલે બે નહીં ત્રણ લગ્ન કર્યા હતા, આજે કરજણ કોર્ટમાં PI અજયને રિમાન્ડ માટે રજૂ કરાશે

ચોંકાવનારો ખુલાસો: સ્વીટી પટેલે બે નહીં ત્રણ લગ્ન કર્યા હતા, આજે કરજણ કોર્ટમાં PI અજયને રિમાન્ડ માટે રજૂ કરાશે

 | 8:51 am IST
  • Share

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલ કેસનો ભેદ ઉકેલ્યા બાદ મોટી બહેનની હત્યાના ગુનામાં નાના ભાઇએ બનેવી અને તેણા મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. સ્વીટી મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમે હત્યારા પતિ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની રવિવારે સાંજે 6:15 કલાકે ધરપકડ કરી હતી. અજય અને કિરીટના રિમાન્ડ મેળવવા માટે પોલીસે બંનેને આજે કરજણ કોર્ટમાં રજુ કરશે. હવે આ ગુનાની આગળની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.બી.બારડને સોંપાઈ છે.

સ્વીટી પટેલ મર્ડર કેસમાં મૃતક બહેનના ભાઇ જયદિપે તેના બનેવી અજય અમૃતભાઇ દેસાઇ (રહે.પ્રયોશા સોસાયટી, કરજણ) અને કિરીટસિંહ દોલુભા જાડેજા (રહે.પૃષ્ટીદ્વાર સોસાયટી, વાઘોડિયા રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રવિવારે સાંજે 6:15 કલાકે બંનેની ધરપકડ કરી હતી. પીઆઇએ લાશ સળગાવવા પેટ્રોલ કે અન્ય કોઇ ઈંધણનો ઉપયોગ થયો ? આ ગુનામાં અન્ય કોઇની સંડોવણી ? હત્યા ગળુ દબાઈને કરાઈ ? વગેરે જેવા મુદ્દે પોલીસ આવતીકાલે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને રિમાન્ડ મેળવવા કરજણની કોર્ટમાં રજુ કરશે.

બીજી તરફ સુત્રો પાસે જાણવા મળ્યું હતું કે, અમદાવાદ ક્રાઇમની ટીમે સિવિલ હોસ્પિટલમાં અટાલીથી મળેલા માનવ હાંડાકાનું ફરી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. ખોપરી, ડાબા-જમણા પગના હાડકાંના ૧૭ જેટલાં ટુકાડાનું પીએમ સાત કલાક થયું હતું. જોકે હાડકાં પુરુષ કે સ્ત્રીના ? તેના સહિત પ્રોલિગ્રાફ, SDS અને DNA રિપોર્ટ પેન્ડિંગ છે. જીપ કમ્પાસ કાર અને કરજણના મકાનમાંથી પોલીસે ઓસીકા કબ્જે લીધાં છે. બાથરૂમના સિન્કમાંથી મળેલા લોહી નમૂના અંગે પણ હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી. કિરીટ સરન્ડર થતાં અજય પણ ભાંગી પડયો હતો. ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મૃતક સ્વીટીના ભાઇ જયદિપ અને ભવદિપને બોલાવાયાં હતાં. પોલીસે બંને ભાઇઓને બનેવી અજય પાસે બેસાડયા હતાં. 49 દિવસથી પોલીસને ગેરમાર્ગે દોરનાર અજયે ગાયકવાડ હવેલીમાં બંને સાળાને બહેન સ્વીટીના મર્ડરનો સિલસિલો કહયો હતો. ઉલ્લેખનીય છે કે, અજય અને કિરીટ સામે કરજણમાં રવિવારે મોડીરાતે 1:35 કલાકે IPC 302, 201, 114 મુજબ ગુનો નોંધાયો હતો.

USA-ઓસ્ટ્રેલિયા જઈ આવેલી સ્વીટી અજયના સંપર્કમાં કેવી રીતે આવી ? સ્વીટીના ત્રણ લગ્ન

સ્વીટી 2001માં ક્રિકેટ પંડયા બંધુઓના પિત્રરાઈ હેતશ સાથે લવ મેરેજ કર્યાં હતાં. લવ મેરેજને કારણે પરિવારે 5 વર્ષ સુધી પરિવારે તેનો સ્વિકાર કર્યો ન હતો. 2013માં સ્વીટી-હેતશના છૂટાછેડા થયાં હતાં. સ્વીટીનો 17 વર્ષ અને 12 વર્ષનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં હેતશ સાથે રહે છે. એક મહિનો સ્વીટી આણંદ રોકાઈ અને બાદમાં અમદાવાદ ખાતે તેના મિત્રો સાથે રહેવા ગઈ હતી. 2014માં સ્વીટી સોશ્યલ નેટવર્ક થકી USAના કમલ પટેલના પરીચયમાં આવી અને બંનેએ આણંદ આર્ય સમાજમાં લગ્ન કર્યાં હતાં. 2015માં સ્વીટી અમદાવાદમાં અજય દેસાઇના સંપર્કમાં આવી હતી. 2016માં સ્વીટી USA ગઈ અને ત્યાં પતિ સાથે ખટરાગ થતાં એક મહિનામાં છૂટાછેડા લઈ પાછી ભારત આવી હતી. 2017માં સ્વીટી-અજયે માતાજીના મંદિરમાં ફુલહારથી લગ્ન કર્યાં હતાં. લગ્નબાદ સ્વીટી અમદાવાદ, વડોદરાના ગોત્રી અને કરજણમાં રહેતી હતી. અજય-સ્વીટીનો 6 વર્ષના સંબંધ નામશેષ થઈ ગયો છે.

ક્રાઇમ બ્રાન્ચ બે વર્ષના બાળકની કસ્ટડી તેના મામાને સોંપશે

પિતા માતાની હત્યા કરતા બે વર્ષના પુત્રએ માતાનું છત્ર ગુમાવ્યું છે. માતાની હત્યા બાદ પિતા પણ કાયદાના સંકજામાં આવતા માસુમ બાળક નિરાધાર થઈ ગયું છે. હવે અજય-સ્વીટીના બે વર્ષના પુત્રનું શું ? તે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લાં કેટલાક દિવસથી બે વર્ષનો પુત્ર અજયના મિત્ર પાસે હતો. હવે ક્રાઇમ બ્રાન્ચ બે વર્ષના બાળકની કસ્ડટી હંગામી ધોરણે તેના મામાને સોંપશે તેવું જાણવા મળ્યું છે. ગત તા.13 મેના રોજ બાળકના જન્મદિન નિમિત્તે ભાઇ-બહેન વચ્ચે છેલ્લી વખત વાત થઈ હતી.

સ્વીટી પણસોરાથી ગુમ થઈ તેવું અજય તેના સાળા પાસે લખાવવા માંગતો હતો

અજયે સ્વીટીના મર્ડર કર્યાં બાદ તે ગુમ થઈ હોવાની વાત ઉપજાવી હતી. અજયે તેના બંને સાળાને શરૂઆતથી અંધારામાં રાખ્યા હતાં. સ્વીટીની લાશ ઠેંકાણે લગાવવા માટે પણ અજય ખોટા બહાને તેના બાળકને સાળાને સોંપી નિકળ્યો હતો. સ્વીટી વડોદરા રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરવા જતી હોવાથી ત્યાં તપાસના બહાને અજય લાશ ઠેંકાણે લગાવવા કરજણથી નિકળ્યો હતો. દિવસો બાદ સ્વીટીનો પત્તો ના લગતા તેના ભાઇ જયદિપે બનેવીને પોલીસ ફરિયાદ માટે કહયું હતું. ત્યારે સ્વીટી પણસોરાથી ગુમ થઈ તેવું અજય તેના સાળા પાસે લખાવવા માંગતો હતો. જયદિપે સવાલો કરતા આખરે અજય દેસાઇએ તેને જાણવા જોગની ફરિયાદ માટે કરજણ બોલાવ્યો હતો.

BCCIના હોદ્દેદારે ધ્યાન દોરતા મંત્રીએ પોલીસ દોડાવી?

સ્વીટીનો પૂર્વ પતિ હેતશ ક્રિકેટર પંડયા બંધુનો પિત્રરાઈ ભાઇ છે. સ્વીટી ઓસ્ટ્રેલિયા સ્થિત તેના પુત્રો સાથે સંપર્કમાં હતી. પુત્રો પણ માતાની વોટ્સએપ પર ખબર અંતર પુછતા હતાં. આ ઘટના બાદ સ્વીટીનો ઓસ્ટ્રેલિયાથી પુત્રો સંપર્ક કરી શક્તા ન હતાં. દિવસોસુધી સ્વીટીનો પત્તો ન લાગતા કંઇ રંધાયુ હોવાની ગંધ તેઓને આવી હતી. સ્વીટીની યોગ્ય તપાસ માટે તેના પૂર્વ પતિ હેતસે હાર્દિકની મદદ માંગી અને હાર્દિકે આ મામલે એક વગદાર હોદ્દેદારનું ધ્યાન દોર્યું હોવાનું ચર્ચાંઈ રહયું છે. BCCIના વગદાર હોદ્દેદાર સક્રીય થયા બાદ રાજ્યના ગૃહમંત્રીએ પોલીસ કરજણ દોડાવી હોવાની વાતો પણ બજારમાં ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન