પ્રેમની નિશાની - Sandesh

પ્રેમની નિશાની

 | 1:50 am IST

વાર્તા  :-  અમૃત વડિયા

આરતીની વાત સાંભળી અચલ સ્તબ્ધ થઈ ગયો. એણે જે કહ્યું પછી જે કરવાનું કહ્યું એ કોઈ સંજોગોમાં શક્ય હોય તો ય માન્ય કરાય એમ ના હતું. પરંતુ આરતીએ એને પોતાના સમ આપ્યા હતા. આરતીની કોઈ વાત એ ક્યારેય ટાળી શકે એમ ન હતો. આરતી એને દિલફાટ પ્રેમ કરે છે. એણે દોમદોમ સાહ્યબી છોડીને એની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એના પરિવારને એ માન્ય ન હતું, પરંતુ એણે પ્રેમ ખાતર પીછેહઠ ન કરી. આખરે એના પરિવારે એમના લગ્નને સ્વીકાર્યા હતા. આરતી બહુ સરળ, સીધી, સાલસ હોવા છતાં કેટલાક અંશે જીદ્દી હતી. એની જીદ હંમેશાં સારા અને સાચા માટે જ રહેતી, પરંતુ આ વખતની એની જીદ સંસારમાં આગ ચાંપનારી હતી એ એની ફ્રેન્ડ અર્ચના માટે જે કરાવવા માંગતી હતી એ ખરેખર યોગ્ય ન હતું. આરતીએ એને ખૂબ પ્રેમથી કહ્યું હતું કે, અચલ મને તારા પ્રેમમાં શ્રદ્ધા છે, તારે મારા ખાતર મારી ફ્રેન્ડ અર્ચનાને સહાય કરવાની છે. વાત અજુગતી અને જોખમી, પરંતુ ફ્રેન્ડશિપ ખાતર એ કરવી છે. એણે તેની પાસે હકીકતમાં કરવાનું શું? એમ પૂછયું ત્યારે એણે તેનો હાથ પકડીને કહ્યું હતું કે તું વડોદરા રહેતી મારી ફ્રેન્ડ અર્ચનાને જાણે જ છે, એને આલોક સાથે લવ હતો. બંને ખૂબ ગળાડૂબ પ્રેમમાં હતા અને લગ્ન પણ કરવા તૈયારી કરી હતી, પરંતુ એના પ્રેમને કોઈની નજર લાગી ગઈ હોય એમ એક બસે આલોકની બાઈકને અડફેટે લીધી અને તે હંમેશને માટે અર્ચનાનો સાથ છોડીને જતો રહ્યો. અર્ચનાને ખૂબ આઘાત લાગ્યો. એ અર્ધપાગલ જેવી થઈ ગઈ છે. એના પેટમાં આલોકનું બાળક આકાર લઈ રહ્યું હતું એટલે એ બેફિકર હતી, પરંતુ આમ અચાનક આલોક તેને કાયમ માટે છોડીને જતો રહેતા શું કરવું એની સમજ નહોતી પડતી. એણે આરતીને આ વાત કરતા એય સ્તબ્ધ થઈ ગઈ હતી. એણે અર્ચનાને હજી એબોર્શન શક્ય હોવાથી તે કરાવી નાખવા સલાહ આપતા એ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા માંડી હતી. એણે કહ્યું કે એ ભલે બદનામ થઈ જાય, પણ કોઈપણ સંજોગોમાં એબોર્શન નહીં જ કરાવે અને બાળકને જન્મ આપી તેનું લાલનપાલન કરી આલોકની સ્મૃતિ સાચવશે. એણે કોઈ બીજો રસ્તો વિચારવા કહેતા બંનેએ ખૂબ વિચાર્યા પછી એક આઈડિયા સૂઝયો તે મુજબ અર્ચનાએ કોઈ યુવક સાથે લગ્ન કરી લેવા જેથી તે બાળક તેનું હોય એમ બધા સમજી લે. કોઈ વાંધો ના આવે, પરંતુ તે માટે કોણ તૈયાર થાય? આખરે આરતીએ જ અર્ચનાને જે આઈડિયા આપ્યો તે તેના પોતાના જ જીવનમાં આગ લગાડનારો કહેવાય એવો હતો. એણે આરતીને માત્ર દેખાવ ખાતર તેની સાથે લગ્ન કરવા કહ્યું. માત્ર સમાજમાં કોઈ બદનામી ના થાય કે બીજી કોઈ સમસ્યાના સર્જાય તે માટે આમ કરવાનું હતું. ખૂબ મનોમંથન બાદ અર્ચનાએ તે આઈડિયા સ્વીકારી લીધો. આરતી અને તેના લગ્ન થયા છે એ બાબતની અર્ચનાના સમાજ વર્તુળમાં કોઈને જાણ ના હતી. ધારો કે થાય અને પૂછે તો આરતી અને અચલે છૂટાછેડા લઈ લીધા હોવાનું કારણ આગળ ધરી દેવાનું અને તે માટે અર્ચના અને અચલ વચ્ચે લવઅફેરને કારણ દર્શાવી દેવાનું પ્લાનિંગ વિચારી કઢાયું હતું. જો કે એટલું બધું કોઈ વિચારે એ શક્ય ના હતું. છતાં સલામતી ખાતર આમ વિચારાયું હતું. પરંતુ સૌથી મોટો સવાલ એનો હતો, પરંતુ આરતીને એના પ્રેમ પર એટલો બધો વિશ્વાસ છે કે એણે એની ચિંતા ન કરવા અર્ચનાને કહી દીધું અને પછી હવે એને આ આખી વાત કરી હતી. એણે આરતીનો હાથ ઝાટકતાં કહ્યું, આરતી આ અગનખેલ છે. તું આવું વિચારી જ કઈ રીતે શકે ?

અચલ… ફ્રેન્ડશિપ ખાતર આમ વિચાર્યું છે..! મારી એ ફરજ છે, અને મને તારામાં સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ છે. આમાં બીજું ક્યાં કશું કરવાનું છે? આમ પણ આપણે બીજા સિટીમાં છીએ એટલે વાંધો નથી, આરતીએ કહ્યું.

એ વાત બરોબર, પરંતુ એને આપણે ત્યાં લાવીશું ત્યારે સમસ્યા સર્જાશે ! કોઈ પૂછશે તો શું કહીશું? અચલે પ્રશ્ન કર્યો.

એ મારી સિસ્ટર છે એમ કહી દેશું.. એટલે કોઈ વધારે માથાકૂટ નહીં કરે.. તું ચિંતા ન કર…!

ઠીક છે ત્યારે જેવી તારી મરજી કહી અચલે કમને પણ તેની વાત સ્વીકારતાં આરતી રાજીના રેડ થઈ ગઈ. અને થોડા દિવસમાં જ અર્ચના અને અચલના સાદી વિધિથી મેરેજ કરાવી દીધા. એના ઘરનાઓને એ બે વચ્ચે લવ હોવાનું જણાવી સમજાવી લીધા!

અર્ચનાને પોતાના ઘરે લાવીને આરતી એને ખૂબ સારી રીતે સાચવવા માંડી, એનો અને એના માટે અછોવાના કરતી રહી. અચલ ખૂબ આૃર્ય પામતો. આરતી ઘણીવાર એને મજાકમાં કહેતી… અચલ.. બે બે પત્નીના પતિ મને ભૂલી ના જતો…!

અચલ કંઈ બોલતો નહીં. એણે બાળકના જન્મ પછી થોડા સમય બાદ અર્ચનાને કોઈ સાથે મેરેજ કરી લે એવું સૂચવ્યું હતું. બંનેએ પછી જોયું જશે એમ એવો જવાબ આપી દીધો હતો.

નવમા મહિનામાં જ અર્ચનાએ પુત્રને જન્મ આપ્યો. બધા ખૂબ રાજીના રેડ થઈ ગયા. અર્ચનાની ખુશીનો પાર ના રહ્યો. એ વારંવાર હર્ષથી રડતી અને કહેતી અસલ એના પપ્પા જેવો જ છે ! મારો આલોક જાણે પાછો આવ્યો હોય એમ લાગે છે. અર્ચનાએ એનું નામ પણ આલોક જ રાખ્યું ! આલોક ધીમેધીમે મોટો થવા માંડયો એટલે આરતીએ અર્ચનાને કોઈ સારું પાત્ર શોધવા કહ્યું. જવાબમાં અર્ચના કંઈ ન બોલી અને રડવા માંડી. એનું દિલ દુભાતું જોઈને પછી અર્ચનાએ તેને એવો આગ્રાહ કરવાનું જ છોડી દીધું. બાળક આલોકને અચલ સાથે બહુ જ ફાવતું હતું. અચલ પણ એનામય બની ગયો હતો.

એક દિવસ સવારે આરતીએ અર્ચનાને ઘરમાં ન જોતાં એણે બૂમો પાડી અને આજુબાજુ જોયું, પરંતુ તે દેખાઈ નહીં. આમતેમ ગઈ હશે એમ માની એ આલોકને જોવા ગઈ તો તેની પાસે એક કાગળ પડેલો હતો. તે જોઈને એણે કુતૂહલવશ એણે અને વાંચતાં જ એ આંચકો ખાઇ ગઈ… એણે જોર જોરથી અચલ… અચલ… એમ બૂમો પાડતાં અચલ ઊઠીને દોડતો આવ્યો. આરતીએ એને કાગળ હાથમાં આપતાં કહ્યું… જો.. જો… અર્ચનાએ આ શું કર્યું છે ? વાંચ…!

અચલ પણ વાંચીને સ્તબ્ધ થઈ ગયો. અર્ચનાએ લખ્યું હતું.

પ્રિય આરતી,

મારા માટે તું ભગવાનથી પણ વધુ છે. તેં મારા માટે જે કંઈ કર્યું છે તેનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. અચલના તો પગ પૂજુ એટલા ઓછા પડે. હવે મારા જીવનમાં કોઈ દુઃખ રહ્યું નથી. આરતી મેં એક દિવસ કબાટની સાફસફાઈ વખતે તમારા ગાયનેક રિપોર્ટ જોયા છે. તે જોઈને મને ખૂબ આઘાત લાગ્યો હતો, પરંતુ પછી મેં વિચાર્યું કે આલોક તમારો જ પુત્ર છે ને? એટલે બાળક નહીં થાય એવી ચિંતા ન કરતા..! હું બાળક આલોક તમને સોંપીને જાઉં છું… આમ પણ હું મારા આલોક સિવાય કોઈને પરણી શકું નહીં… અને તેના વિના જીવી પણ ન શકું.. મારે તો માત્ર એના સંતાનની ચિંતા હતી જે આરતી તે દૂર કરી આપી છે. તમારો આભાર માનું એટલો ઓછો… મને શોધતા નહીં.. આવતા ભવે આરતું તું જ મારી બહેન બને એવી ઈચ્છા સાથે જાઉં છું.. હું ખૂબ ખુશ છું. દુઃખી નથી.

  • એ જ તમારી સદ્ભાગી અર્ચના.

[email protected]