સીરિયાઃ એક વણઉકલ્યો કોયડો - Sandesh
NIFTY 10,989.20 -29.70  |  SENSEX 36,497.38 +-44.25  |  USD 68.6550 +0.14
1.6M
1M
1.7M
APPS

સીરિયાઃ એક વણઉકલ્યો કોયડો

 | 5:39 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડ :- ચંદ્રકાન્ત મારવાડી

આરબ સ્પ્રિંગ નામે ઓળખપ્રાપ્ત મોજું સીરિયા પહોંચતાં પ્રમુખ બશર-અલ-અસાદ સામે રાજકીય બળવો થયો. અસાદ સત્તા છોડે, રાજકીય સ્વાતંત્ર્ય સાથે રાજકીય પક્ષોને સીરિયામાં તક, કુર્દ સમુદાયને સમાન અધિકાર આપવામાં આવે તેવી માગણીઓ સાથે ૨૬ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ દારા નામનાં નગરમાં શરૂ થયેલા સરકાર વિરોધી દેખાવો સાથે સીરિયામાં ભભૂકી ઊઠેલી અસંતોષની જ્વાળા આજે પણ શમવાનું નામ લેતી નથી. એપ્રિલ ૨૦૧૧ સુધીમાં તો સીરિયન સૈન્ય સરકાર વિરોધી લોકો પર ત્રાટકવા લાગ્યું. પ્રમુખ અસાદ જે અલાવાઇત ટ્રાઇબના છે તે લઘુમતી ટ્રાઇબની જ સૈન્યમાં બહુમતી હોવાથી અસાદશાસનને ટકાવવા દમનનો કારડો વીંઝાયો. સ્થિતિ એટલી સ્ફોટક બની રહી કે ઓક્ટોબર સુધીમાં જ મૃત્યુઆંક ૨,૯૦૦ને આંકડે પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય સમુદાયે અસાદને પદ છોડવા મહેતલ આપી દીધી પણ અસાદ આજે પણ સીરિયાના પ્રમુખ છે. વર્ષ ૨૦૧૭ના અર્ધભાગમાં વળી એવા દાવા થવા લાગ્યા કે કુલ ૧૯,૧૧૬ બાળકો અને ૧૨,૦૪૧ મહિલા સીરિયાની હિંસામાં હોમાઈ ચૂક્યાં હતાં. વિવિધ જૂથોના દાવા મુજબ સીરિયા યુદ્ધ સાડા ત્રણથી ચાર લાખ લોકોનો ભોગ લઈ ચૂક્યું છે. સંઘર્ષમાં અલાવાઇટ્સ યુવાનો મોટી સંખ્યામાં માર્યા ગયા હોવાના દાવા ખરા જ, પરંતુ સીરિયામાં યુદ્ધ શમવાનું નામ લેતું નથી.

આ દાવાનળમાં વળી આઈએસે ઝંપલાવતાં મુદ્દો વધુ પેચીદો બની ગયો. એક સમયે અસાદને જ પદ છોડવા દબાણ કરી ચૂકેલા અમેરિકાને વળી આઈએસ સામેના જંગમાં સીરિયામાં પણ ઊતરવું પડયું. હજી હમણાં ૨૪ જાન્યુઆરીના રોજ અમેરિકી દળોએ આઈએસનાં મથકોને નિશાન બનાવતાં ૧૫૦ આઈએસ ત્રાસવાદી માર્યા ગયા હતા. વીતેલા ૪૦ મહિનામાં અમેરિકી દળો ૧૦,૦૦૦ આઈએસ આતંકીઓનો ખાતમો બોલાવી ચૂક્યાં છે, છતાં આઈએસમથકો ખૂટતાં નથી. અનેક દેશો સીરિયામાં મેદાનમાં ઊતરી ચૂક્યાં છે. આઈએસનો સામનો કરવા અમેરિકા ૨૦૧૪માં સીરિયાનાં મેદાનમાં ઊતર્યો હતો, તો વર્ષ ૨૦૧૫માં અસાદશાસનને ટકાવવા રશિયા મેદાનમાં આવ્યો. અસાદનો વિરોધ કરી રહેલા કુર્દ સમુદાયને ખતમ કરવા તુર્કસ્તાને ઝુકાવ્યું.

કહી શકાય કે બધા જ એકબીજા સામે લડી રહ્યા છે. રોકાવાનું કોઈ નામ લેતું નથી. કુર્દ પ્રજા આઈએસનો સામનો કરી રહી હોવાથી અમેરિકા સીરિયામાં કુર્દને સમર્થન આપે છે તો તુર્કસ્તાન કુર્દ સમુદાયો પર ત્રાટકે છે. અફરિન પ્રદેશમાં કુર્દ પરના તુર્ક હુમલામાં આઇન દારા ખાતેના પ્રાચીન દેવસ્થાનને પણ નુકસાન પહોંચ્યું છે, તો રશિયાનું માનવું છે કે અસાદ શાસનને આઈએસ કરતાં બાકીના સ્થાનિક બળવાખોર વિરોધીઓનાં ધ્રુવીકરણનો ખતરો છે. આવા સંજોગોમાં રશિયા વળી સીરિયાના બળવાખોરો પર રાસાયણિક હુમલા કરી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાલમાં કહેવાઈ રહ્યું છે કે સીરિયામાં સરકાર કે રાજકીય પક્ષો જેવું કાંઈ છે નહીં. અલાવાઇટ્સ વર્સિસ ઓલ એમ ટ્રાઇબલ વોર ચાલી રહી છે. બળવાખોરોએ તાજેતરમાં જ દમાસ્કસને નિશાન બનાવીને કરેલા તોપમારામાં નવ નાગરિકો માર્યા ગયાં હતાં.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સીરિયામાંથી મોટેપાયે હિજરત થઈ રહી છે. કાતિલ ઠંડીમાં સરહદી હરમોન પહાડનાં શિખરોને પાર કરીને લેબનોન પહોંચવા પ્રયાસ કરી રહેલાં બે બાળકો સહિત ૧૫ હિજરતીઓ પહાડ પરના બરફમાં હજી હણણાં જ થીજી ગયા. લેબનોન નાગરિક સંરક્ષણદળોને તેમના થીજેલા દેહ મળી આવ્યા હતા. તુર્કસ્તાનની સરહદ નજીક આવેલા સલામત વિસ્તાર સુધી પહોંચીને મોતથી બચ્યાનો તેઓ હાશકારો મેળવે છે. બે તૃતીયાંશ હિજરતીઓ કામચલાઉ ટેન્ટ્સમાં વસી રહ્યાં છે. બરફ આ હિજરતી છાવણીઓ પર પણ વરસી રહ્યો છે. હરમોન માઉન્ટેન વિષે કહેવાય છે કે મૂળે ફોએનિસિઅન્સ સમુદાયની સિદોનિઅન્સ પ્રજાનો વાસ હતો ત્યારે તે પહાડને હરમોન નામ અપાયું હતું. સિદોન શહેર આજે પણ લેબનોનમાં ઊભું છે. સીરિયા નામ પણ તે સમુદાયે જ આપ્યું હતું. સીરિયાનું અરેબિક નામ Suriyah છે. Luwian ભાષાના શબ્દ પરથી ઊતરી આવ્યું છે કે અક્કાડિયન શબ્દ Assur શબ્દમાંથી સિરીયા નામ ઊતરી આવ્યું છે તે વિષે મતભેદો પ્રવર્તે છે. અહીંના રાકા ગવર્નરેટમાંથી પ્રાચીન Mureybet પ્રાચીન વસાહત અને Murebetian સંસ્કૃતિનાં અવશેષ મળી આવ્યાં છે.

[email protected]