ટી-૨૦ રેન્કિંગ : કુલદીપ  યાદવ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમાંકે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટી-૨૦ રેન્કિંગ : કુલદીપ  યાદવ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમાંકે

ટી-૨૦ રેન્કિંગ : કુલદીપ  યાદવ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમાંકે

 | 1:20 am IST

। દુબઈ ।

ભારતીય ટીમ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-૨૦ મેચ હારી સિરીઝ ૧-૨થી હારી ગઈ હતી પરંતુ ચાઇનામેન કુલદીપ યાદવે પોતાના પ્રદર્શનથી ટી-૨૦ બોલિંગ રેન્કિંગમાં કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ બીજો ક્રમાંક મેળવી લીધો છે. ત્રીજી ટી-૨૦ મેચમાં કુલદીપ યાદવે ૨૬ રન આપી બે વિકેટ ઝડપી હતી જેને કારણે તેને એક સ્થાનનો ફાયદો થતાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

૨૪ વર્ષીય રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવના ૭૨૮ પોઇન્ટ થઈ ગયા છે. અફઘાનિસ્તાનના ૨૦ વર્ષીય લેગ સ્પિનર રશીદ ખાન ૭૯૩ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ટોપ-૧૦માં કુલદીપ સિવાય ભારતનો એકેય બોલર નથી. કુલદીપના જોડીદાર યૂઝવેન્દ્ર ચહલે ન્યૂઝીલેન્ડની સિરીઝમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું જેને કારણે છ સ્થાનના નુકસાન સાથે ૧૭મા સ્થાને ધકેલાઈ ગયો છે જ્યારે ભુવનેશ્વરકુમાર ૧૮મા ક્રમે છે. સ્પિનર કૃણાલ પંડયા ૩૯ સ્થાનના ફાયદા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૫૮મા ક્રમે પહોંચી ગયો છે.

પાકિસ્તાનના સ્પિનર ઇમાદ વસીમ પાંચ સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે જ્યારે ન્યૂઝીલેન્ડનો સ્પિનર મિચેલ સેન્ટનર ચાર સ્થાનના ફાયદા સાથે ૧૦મા ક્રમે પહોંચ્યો છે. સાઉથ આફ્રિકાના લેફ્ટ આર્મ ઝડપી બોલર બ્યૂરેન હેન્ડ્રિક્સે પાકિસ્તાન સામેની ત્રણ ટી-૨૦ મેચની સિરીઝમાં આઠ વિકેટ ઝડપી હતી જેને કારણે તે ૮૧મા ક્રમે પહોંચી ગયો છે. ક્રિસ મોરિસે છ વિકેટ ઝડપી હતી જેને કારણે તે સાત સ્થાનના ફાયદા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૨૧મા ક્રમાંકે પહોંચ્યો છે. આફ્રિકાના અન્ય એક મીડિયમ પેસર એદિંલે ફેહલુકવાયોએ પણ ૧૫ સ્થાનના સુધારા સાથે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ૨૩મો ક્રમાંક મેળવી લીધો છે.

રોહિત ધવનને બેટિંગ રેન્કિંગમાં ફાયદો 

ભારતીય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનને ફાયદો થયો છે. રોહિત શર્મા ત્રણ સ્થાનના ફાયદા સાથે સાતમા ક્રમે અને શિખર ધવન એક સ્થાનના સુધારા સાથે ૧૧મા ક્રમાંકે પહોંચ્યો છે. લોકેશ રાહુલને ત્રણ સ્થાનનું નુકસાન થતાં તે ૧૦મા ક્રમાંકે ધકેલાયો છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં કુલ ૧૫૧ રન બનાવનાર બાબર આઝમે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર રહેલો વિરાટ કોહલી ચાર સ્થાનના નુકસાન સાથે ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકાડ્ઝા સાથે સંયુક્તરીતે ૧૯મા ક્રમાંકે ધકેલાઈ ગયો છે.

પાકે. નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું 

પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ સિરીઝ ૧-૨થી ગુમાવવા છતાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, તેને ત્રણ પોઇન્ટનું નુકસાન થયું છે. સાઉથ આફ્રિકાને સિરીઝ જીતવા બદલ ચાર પોઇન્ટ મળતાં તે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતનો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ૧-૨થી પરાજય થતાં બે પોઇન્ટનું નુકસાન થયું છે પરંતુ ૧૨૪ પોઇન્ટ સાથે બીજો ક્રમાંક જાળવી રાખ્યો છે. આ ઉપરાંત નેપાળની ટીમે યુએઈને ત્રણ મેચની સિરીઝમાં ૨-૧થી હાર આપી હતી જેને કારણે તેને ૧૭ પોઇન્ટ મળતાં યુએઈને પાછળ છોડી ૧૪મા ક્રમે પહોંચી ગઈ છે. યુએઈના પણ ૪૩ પોઇન્ટ છે પરંતુ દશાંશ પદ્ધતિને કારણે નેપાળ ૧૪મા સ્થાને છે.

ટોપ ફાઇવ બેટ્સમેન 

 નામ                દેશ

બાબર આઝમ  પાકિસ્તાન

કોલિન મુનરો   ન્યૂઝીલેન્ડ

એરોન ફિન્ચ    ઓસ્ટ્રેલિયા

એવિન લુઇસ   વેસ્ટ ઇન્ડીઝ

ગલેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા

ટોપ ફાઇવ બોલર 

 નામ               દેશ

રશીદ ખાન     અફઘાનિસ્તાન

કુલદીપ યાદવ ભારત

શાદાબ ખાન    પાકિસ્તાન

ઇમાદ વસીમ   પાકિસ્તાન

આદિલ રશીદ  ઇંગ્લેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન