ટી.એન. શેષન જેવા બ્યૂરોક્રેટ્સ હવે માત્ર કલ્પનામાં બચ્યા છે - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ટી.એન. શેષન જેવા બ્યૂરોક્રેટ્સ હવે માત્ર કલ્પનામાં બચ્યા છે

ટી.એન. શેષન જેવા બ્યૂરોક્રેટ્સ હવે માત્ર કલ્પનામાં બચ્યા છે

 | 12:18 am IST

સમયની આરપાર :- નરેન વઢવાણા

૧૦મી નવેમ્બરે દેશ આખો અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાની સમાચારપત્રોમાં પાનાં ભરીભરીને છપાયેલી વિગતો વાંચી રહ્યો હતો. બીજી બાજુ વડાપ્રધાન પંજાબના ગુરદાસપુરસ્થિત ડેરા બાબા નાનક ખાતે આયોજિત કરતારપુર કોરિડોર શીખ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકી રહ્યા હતા. આ બાજુ મહારાષ્ટ્રની રાજકીય સંગીતખુરશીની રમતને લઈને પણ અટકળોનું બજાર ગરમ હતું. તો ક્રિકેટ ફેન્સ ભારત-બાંગ્લાદેશ ટી-૨૦ની મેચ શરૂ થાય તેની રાહ જોતા હતા અને દિલ્હીવાસીઓ કાયમની જેમ પ્રદૂષણની ચિંતામાં હતા. આ બધા વચ્ચે સ્વાભાવિક રીતે જ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશીનું એ ટ્વીટ ક્યાંય ખોવાઈ ગયું જેમાં પૂર્વ ઈલેક્શન કમિશનર ટી.એન. શેષનનું ૮૬ વર્ષની પાકટ ઉંમરે ચેન્નાઈમાં નિધન થયાના સમાચાર હતા. એ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે શેષન તેમના તમામ ઉત્તરાધિકારીઓ માટે એક સાચી દંતકથા અને માર્ગદર્શક બળ હતાં. આ એ જ વ્યક્તિ હતી જેમના વિશે કહેવાતું હતું કે રાજકારણીઓ ફ્ક્ત બે જ લોકોથી ડરે છે, એક ભગવાન અને બીજા શેષન.

વર્ષ ૧૯૯૦થી ૧૯૯૬ સુધી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા તિરુનેલ્લઈ નારાયણ અય્યર શેષને પોતાના ચૂંટણી કમિશનર તરીકેના કાર્યકાળમાં ભલભલા નેતાઓને થથરાવ્યા હતા. જેટલી રસપ્રદ તેમના કાર્યકાળની વાતો છે તેટલી જ રસપ્રદ એ પદ પર તેમની નિયુક્તિની કહાની છે. કહેવાય છે કે વી.પી. સિંહ સરકારના પતન બાદ રાજીવ ગાંધીએ ચંદ્રશેખરને સરકાર રચવા માટે ટેકો આપવાનું વચન આપ્યું ત્યારે તેમણે તેમની સામે બે શરતો રાખી હતી. પહેલી એ કે તેમના વિશ્વાસુ ટી.વી. રાજેશ્વરને આઈ.બી.ના વડા બનાવવામાં આવે અને બીજી ટી. એન. શેષનને ચૂંટણીપંચના પ્રમુખ બનાવાય. અને ચંદ્રશેખરે બંને વાત માની લીધેલી.

જ્યારે શેષન મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા એ પહેલાં સુધી આ સંસ્થા દાંત અને પંજા વિનાનો સિંહ તરીકે ઓળખાતી હતી. તેનું કોઈ સાંભળતું નહોતું. પરિણામે ચૂંટણી દરમિયાન જેની લાઠી તેની ભેંસની કહેવત ચરિતાર્થ થતી રહેતી. સામાન્ય રીતે આખા દેશમાં એક જ દિવસે ચૂંટણી થતી હતી. જેમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, મારામારી, મતોની છાપણી અને બૂથ કેપ્ચરિંગ થતું. નેતાઓ તો ઠીક લોકો પણ ચૂંટણી પંચની જરાય પરવા નહોતા કરતા. પરિણામે ચૂંટણી માટે નિયુક્ત સરકારી અધિકારી સ્થાનિક નેતાઓ અને તંત્રથી પ્રભાવિત થઈ જતા. એ સમયે મતદાન કેન્દ્રો પર કબજો કરીને મતપેટી લૂંટી લેવી અથવા પોતાના ઉમેદવારના નામે બોગસ મતપત્રકો છાપી લેવા એ સામાન્ય બાબત હતી. માથાભારે નેતાઓના સાગરીતો તેમની મરજી પ્રમાણે મતો મતપેટીમાં નાખતા હતા. આવી અરાજકતાભરી પરિસ્થિતિ વચ્ચે ફ્લ્મિી હીરોની સ્ટાઈલમાં શેષન આવ્યા અને દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી વ્યવસ્થાને પાટા પર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

તેમણે બિહારમાં નેતાઓની મનમાની રોકવા માટે ચાર તબક્કામાં ચૂંટણી કરાવી. બિહારના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી એ ચૂંટણી દરમિયાન મતદાનની તારીખો બદલવામાં આવી. અગાઉ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ચૂંટણીપંચના કહેવાથી તેને આધીન કામ કરતા, પણ પંચની તેમને જરાય પરવા નહોતી. શેષને કાયદામાં ફેરફર કરીને એ સુનિશ્ચિત કર્યું કે ચૂંટણી સમયે જે તે જગ્યાએ કામ કરતા દરેક ચૂંટણી અધિકારીને પંચ હેઠળના કર્મચારી માનવામાં આવશે અને પંચને તેની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર હશે. ૧૯૯૨માં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી થઈ તો શેષને બરાબર કડકાઈ દાખવતાં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને કહી દીધું હતું કે તેમની એકપણ ભૂલ સહન કરવામાં નહીં આવે. તેમણે જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ત્યાં અડિંગો જમાવી બેઠેલા ૫૦ હજાર ગુનેગારો કાં તો આગોતરા જામીન મેળવી લે અથવા પોતાને પોલીસને હવાલે કરી દે. મતદાન દરમિયાન સૌથી વધુ ઘાલમેલ બાગપતમાં થતી હતી. જ્યાં તેમણે પહેલીવાર ચૂંટણી દરમિયાન મતદાનની વીડિયોગ્રાફી કરાવેલી. ૧૯૯૩માં હિમાચલ પ્રદેશના તત્કાલીન રાજ્યપાલ ગુલશેર અહમદ પોતાના દીકરાનો ચૂંટણીપ્રચાર કરવા માટે સતના પહોંચ્યા હતા. બીજા દિવસે સરકારી ગાડી સાથેના તેમના ફેટા દૈનિકોમાં છપાયા અને શેષને એટલી કડક કાર્યવાહી કરી કે ગુલશેર અહમદે રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દેવું પડેલું. તેમણે ચૂંટણીખર્ચ પર લગામ કસી અને તેઓ જ મતદાર ઓળખપત્ર લાવ્યા.

એ પછી કેન્દ્રમાં નરસિંહરાવની સરકાર બની અને શેષનની પાંખો કાપવા માટે કાયદાની એક વ્યવસ્થાનો લાભ ઉઠાવીને તેમની સાથે બે બીજા ચૂંટણી કમિશનર નિયુક્ત કરી દેવાયા. જેમાંના એક આંધ્રપ્રદેશના અધિકારી જી.વી.જી. કૃષ્ણમૂર્તિ હતા જેમની સાથે શેષનને ઉગ્ર અથડામણ થતી હતી. નિવૃત્ત થયા પછી શેષને રાજકારણમાં આવવા પ્રયત્નો કર્યા, પણ એકેય મોટા પક્ષે તેમને ઘાસ ન નાખ્યું. વર્ષ ૧૯૯૭માં શેષન કે. આર. નારાયણ સામે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડયા પણ હારી ગયા. ૧૯૯૯માં કોંગ્રેસની ટિકિટ ઉપર લાલકૃષ્ણ અડવાણીની સામે ચૂંટણી લડયા. ત્યાં પણ હાર્યા. જોકે ચૂંટણી કમિશનર તરીકેનાં તેમના કાર્યને ધ્યાનમાં રાખીને રેમન મૈગ્સેસ એવોર્ડનું સન્માન જરૂર પ્રાપ્ત થયું.

તેઓ ચૂંટણી દરમિયાન ખોટું વર્તન કરનારા લોકો માટે ભયનું પ્રતીક બની ગયા હતા. તામિલનાડુ કેડરની ૧૯૫૫ બેંચના આઈએએસ અધિકારી રહેલા ટી. એન. શેષન ૧૯૮૯માં કેબિનેટ સચિવ પણ રહી ચૂકેલા. ડાબેરી નેતા નંબૂદરીપાદ અને મેટ્રોમેન તરીકે જાણીતા થયેલા ઈ. શ્રીધરણ તેમના ક્લાસમેટ હતા. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની કડક કામગીરીને કારણે અધિકારીવર્ગ ભલે તેમને નાપસંદ કરતો હતો, પણ લોકશાહીમાં માનતો દરેક મતદાર તેમની એ કામગીરીને મૂકપ્રેક્ષક બનીને મનોમન વંદન કરતો હતો. શક્ય છે તેમની પૂર્વ કામગીરીને કારણે જ તેમની અંતિમયાત્રા દરમિયાન રાજકારણીઓની ગેરહાજરી હોય. નેતાલોગ ભલે ગમે તે માનતા હોય, પણ એક વાતે લોકશાહીમાં માનતો દરેક નાગરિક સહમત થશે કે હવે શેષન જેવા મુખ્ય ચૂંટણી કમિશનર માત્ર કલ્પનામાં રહી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન