T20WC 2021: Australia won the toss and elected to bowl
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ 2021 પર ઓસ્ટ્રેલિયાનો કબજો

ટી-20 વર્લ્ડકપ 2021 પર ઓસ્ટ્રેલિયાનો કબજો

 | 7:28 pm IST
  • Share

  • ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો
  • ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો
  • ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન ફટકાર્યા

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો પોતાના જોશીલા અનેઆત્મવિશ્વાસથી ભરપૂર કેટલાક સ્ટાર ખેલાડીઓની મદદથી આજે રમાનારી આઇસીસી ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં એકબીજાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. બંને ટીમો અત્યાર સુધી એક પણ વખત ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની શકી નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેએ પોતપોતાની સેમિફાઇનલ સમાન માર્જિન તથા સ્ટાઇલથી જીતી હોવાના કારણે ફાઇનલ મુકાબલો ‘રિંગ ઓફ ફાયર’ અને વધારે નાટકીય બની રહે તેવી પૂરી સંભાવના છે.

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને બોલિંગ પસંદ કરી યોગ્ય નિર્ણય લીધો હોય તેમ લાગી રહ્યું છે કરણ કે દુબઇની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી માનવામાં આવે છે. આઇપીએલના પાર્ટ-2માં પણ આ ગ્રાઉન્ડમાં રનનો ઢગલો ખડકાયો હતો. ટી-20 વર્લ્ડકપની ફાઇનલ પણ હાઇ સ્કોરિંગ થાય તેવી સંભાવના છે. દુબઇમાં ઓવરઓલ કુલ 74 ટી20 મુકાબલા રમાયા છે જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 34 તથા પ્રથમ ફિલ્ડિંગ કરનાર ટીમે 38 મેચ જીતી છે.

ટી-20 વર્લ્ડકપ 2021 પર ઓસ્ટ્રેલિયાનો કબજો

ટી-20 વર્લ્ડકપ 2021ના ફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાના જીતના હીરો મિચેલ માર્શ (અણનમ 77) અને ડેવિડ વોર્નર (53) રન બનાવ્યા હતા. જેમણે પોતાની વિસ્ફોટક ઇનિંગ્સથી મેચને એકતરફી બનાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાંગારૂ ટીમે 18.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગ્લેન મેક્સવેલ 28 રને અણનમ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડની ઇનિંગ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ પર 172 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 85 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે જબરદસ્ત બોલિંગ કરતા 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ 26 રનમાં એક વિકેટ લીધી હતી. આ મેચમાં મિચેલ સ્ટાર્ક ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે ચાર ઓવરના સ્પેલમાં 60 રન આપ્યા હતા.

ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ બેસ્ટ રહ્યું છે

ગ્રૂપ તબક્કામાં ન્યૂઝીલેન્ડ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ટીમ રહી છે જેણે સેમિફાઇનલમાં ટૂર્નામેન્ટથી પહેલાં પ્રબળ દાવેદાર માનવામાં આવતી ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. માર્ટિન ગુપ્ટિલનો ઓસ્ટ્રેલિયા સામેનો ટી-20 રેકોર્ડ પણ પ્રભાવશાળી રહ્યો છે. તેનો સાથી ખેલાડી ડેરિલ મિચેલ પણ પોતાની કારકિર્દીનો સર્વશ્રોષ્ઠ દેખાવ કરવા માટે મેદાનમાં ઊતરશે. સુકાની કેન વિલિયમ્સન માટે મોટી ઇનિંગ રમવાનો સમય પાકી ગયો છે અને ફાઇનલ કરતાં કોઈ વધારે મેચ હોઈ શકે નહીં. જેમ્સ નિશામે મિડલ ઓર્ડરમાં વધુ એક વખત પોતાની ઉપયોગી સાબિત કરવી પડશે. ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર થયેલા ડેવોન કોનવેની કિવિ ટીમને ખોટ પડશે. ટિમ સાઉથી અને ટ્રેન્ટ બાઉલ્ટની અનુભવી પેસ જોડી ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરને પાવરપ્લેમાં કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. એડમ મિલને ત્રીજા પેસ બોલર તરીકેની ભૂમિકા શાનદાર રીતે અદા કરી રહ્યો છે. લેગ સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સાન્તેનર ઇનિંગ્સની મધ્યમાં ચુસ્ત સ્પેલ નાખી શકે છે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (સુકાની), મિચેલ માર્શ, સ્ટિવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોનિસ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવૂડ.

ન્યૂઝીલેન્ડ : માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમ્સન (સુકાની), ટિમ શિફર્ટ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશામ, મિચેલ સાન્તેનર, એડમ મિલને, ટિમ સાઉથી, ઇશ સોઢી, ટ્રેન્ટ બાઉલ્ટ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો