T20WC AUS V / s NZ: World Cricket will get a new champion today
  • Home
  • Sports
  • Cricket
  • T20WC: AUS V/s NZની સંભવિત ઇલેવનની યાદી, આજે નવો વિજેતા મળશે

T20WC: AUS V/s NZની સંભવિત ઇલેવનની યાદી, આજે નવો વિજેતા મળશે

 | 7:40 am IST
  • Share

  • આજનો ફાઇનલ મુકાબલો વધારે નાટકીય બની રહે તેવી સંભાવના

  • બંને ટીમ એક પણ વખત ટ્રોફી જીતી શકી નથી

  • ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માત્ર એક જ વખત 2016માં આમનેસામને થયા હતા

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો પોતાના જોશીલા અનેઆત્મવિશ્વાસથી ભરપૂર કેટલાક સ્ટાર ખેલાડીઓની મદદથી અહીં રમાનારી આઇસીસી ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં એકબીજાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. બંને ટીમો અત્યાર સુધી એક પણ વખત ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની શકી નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેએ પોતપોતાની સેમિફાઇનલ સમાન માર્જિન તથા સ્ટાઇલથી જીતી હોવાના કારણે ફાઇનલ મુકાબલો ‘રિંગ ઓફ ફાયર’ અને વધારે નાટકીય બની રહે તેવી પૂરી સંભાવના છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવરની ક્રિકેટમાં વિક્રમી પાંચ વખત વર્લ્ડ કપ જીત્યું છે પરંતુ તે અત્યાર સુધી એક પણ વખત ટી20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી.


બીજી તરફ ન્યૂઝીલેન્ડ હંમેશાં આઇસીસીની મેજર ટૂર્નામેન્ટમાં સતત સારો દેખાવ કરી રહ્યું છે પરંતુ તે પણ ટ્રોફીથી વંચિત રહ્યું છે. ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો માત્ર એક જ વખત આમનેસામને થઈ છે અને તેમાં કિવિ ટીમે મેદાન માર્યું હતું. 2016માં ભારતની યજમાનીમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ દરમિયાન ન્યૂઝીલેન્ડેે ધર્મશાલા ખાતે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ફાઇનલ રમી રહ્યું છે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલનો અંતિમ મુકાબલો 2015માં 50 ઓવરનો રહ્યો હતો જેમાં કાંગારુ ટીમે મેદાન માર્યું હતું.

સાઉથ આફ્રિકાના મરાઇશ

ઇરાસમસ અને ઇંગ્લેન્ડના રિચાર્ડ કેટલબોરોની ફાઇનલ માટે ફિલ્ડ અમ્પાયર તરીકે વરણી થઇ છે. ભારતના નીતિન મેનન ટીવી અમ્પાયર તરીકેની ભૂમિકા અદા કરશે. શ્રીલંકાના કુમાર ધર્મસેનાને ફોર્થ અમ્પાયર તરીકેની ફરજ સોંપવામાં આવી છે. શ્રીલંકાના રંજન મદુગલ્લે મેચ રેફરી રહેશે.

ટોસ ફરીથી મેચનો બોસ બનશે   

દુબઇની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી માનવામાં આવે છે. આઇપીએલના પાર્ટ-2માં પણ આ ગ્રાઉન્ડમાં રનનો ઢગલો ખડકાયો હતો. ટી20 વર્લ્ડ કપની ફાઇનલ પણ હાઇ સ્કોરિંગ થાય તેવી સંભાવના છે. દુબઇમાં ઓવરઓલ કુલ 74 ટી20 મુકાબલા રમાયા છે જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 34 તથા પ્રથમ ફિલ્ડિંગ કરનાર ટીમે 38 મેચ જીતી છે.

ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ બેસ્ટ રહ્યું છે

ગ્રૂપ તબક્કામાં ન્યૂઝીલેન્ડ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ટીમ રહી છે જેણે સેમિફાઇનલમાં ટૂર્નામેન્ટથી પહેલાં પ્રબળ દાવેદાર માનવામાં આવતી ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. માર્ટિન ગુપ્ટિલનો ઓસ્ટ્રેલિયા સામેનો ટી20 રેકોર્ડ પણ પ્રભાવશાળી રહ્યો છે. તેનો સાથી ખેલાડી ડેરિલ મિચેલ પણ પોતાની કારકિર્દીનો સર્વશ્રોષ્ઠ દેખાવ કરવા માટે મેદાનમાં ઊતરશે. સુકાની કેન વિલિયમ્સન માટે મોટી ઇનિંગ રમવાનો સમય પાકી ગયો છે અને ફાઇનલ કરતાં કોઈ વધારે મેચ હોઈ શકે નહીં. જેમ્સ નિશામે મિડલ ઓર્ડરમાં વધુ એક વખત પોતાની ઉપયોગી સાબિત કરવી પડશે. ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર થયેલા ડેવોન કોનવેની કિવિ ટીમને ખોટ પડશે. ટિમ સાઉથી અને ટ્રેન્ટ બાઉલ્ટની અનુભવી પેસ જોડી ઓસ્ટ્રેલિયાના ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરને પાવરપ્લેમાં કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. એડમ મિલને ત્રીજા પેસ બોલર તરીકેની ભૂમિકા શાનદાર રીતે અદા કરી રહ્યો છે. લેગ સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સાન્તેનર ઇનિંગ્સની મધ્યમાં ચુસ્ત સ્પેલ નાખી શકે છે.

બંને ટીમોની સંભવિત ઇલેવન  

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (સુકાની), મિચેલ માર્શ, સ્ટિવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોનિસ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવૂડ.  

ન્યૂઝીલેન્ડ : માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમ્સન (સુકાની), ટિમ શિફર્ટ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશામ, મિચેલ સાન્તેનર, એડમ મિલને, ટિમ સાઉથી, ઇશ સોઢી, ટ્રેન્ટ બાઉલ્ટ.  

ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડર પાસેથી મોટી આશા રખાશે

ઓસ્ટ્રેલિયન સુકાની એરોન ફિન્ચ પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં શાહિન શાહ આફ્રિદીના ઝડપી ઇન સ્વિંગરને પારખવામાં નિષ્ફળ ગયો હતા પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામે મોટી ઇનિંગ રમવા માટે સજ્જ છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોમાં ફિન્ચ (251)ના ન્યૂઝીલેન્ડ સામે ટી20માં હાઇએસ્ટ રન છે. ટૂર્નામેન્ટમાં સામાન્ય પ્રદર્શન કરનાર ગ્લેન મેક્સવેલ અને સ્ટિવ સ્મિથ પણ મોટી ઇનિંગ રમવા માટે આતુર રહેશે. વોર્નરે પણ પાકિસ્તાન સામે ધૈર્યપૂર્ણ ઇનિંગ રમીને વિજયનો પાયો નાખ્યો હતો. સ્ટોનિસ અને મેથ્યૂ વેડે કોઈ પણ પ્રકારના પ્રેશરમાં આવ્યા વિના ધીરજ રાખીને ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચાડયું હતું. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ટૂર્નામેન્ટમાં 10.91ની સરેરાશથી 12 વિકેટ ઝડપી છે. મેક્સવેલ પણ પોતાની ઓફ સ્પિન દ્વારા કેટલીક ઓવર્સ નાખી શકે છે. મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડની પેસ ત્રિપુટી ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત ટી20 મુકાબલો રમાશે. હેઝલવૂડ પાકિસ્તાન સામે સામાન્ય રહ્યો હતો પરંતુ ફાઇનલમાં તે વધારે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો