પ્રહલાદથી દૂર કે નજીક લઈ જશે વિધ્વંસનો સિલસિલો ? - Sandesh
  • Home
  • Columnist
  • પ્રહલાદથી દૂર કે નજીક લઈ જશે વિધ્વંસનો સિલસિલો ?

પ્રહલાદથી દૂર કે નજીક લઈ જશે વિધ્વંસનો સિલસિલો ?

 | 12:59 am IST

પ્રાસંગિક : ચંદ્રકાન્ત મારવાડી

૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદનું માળખું તૂટી ગયું. એક તરફ લોકો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે આ ઘટનાના પડઘા દૂર દૂર સુધી પડયા હતા. પાકિસ્તાનના મુલતાનમાં ઉશ્કેરાયેલા ટોળાંએ બદલો લેવા પ્રહલાદપુરી વિસ્તારમાં આવેલા નૃસિંહ મંદિરના બચેલા અવશેષોને તોડી નાખ્યા હતા.

કહેવાય છે કે હોળિકા અને પ્રહલાદની સ્મૃતિઓને પાકિસ્તાનના મુલતાન શહેર સાથે સીધો સંબંધ. પ્રહલાદપુરીમાં પ્રાચીનતમ નૃસિંહ મંદિર સ્વયં પ્રહલાદે બનાવ્યું હોવાની લોકવાયકા પણ ખરી. કાળક્રમે મંદિરની દીવાલને અડીને સૂફી ધર્મસ્થાન ઊભું છે. જે સ્થાનેથી વિશ્વમાં હોળિકા ઉત્સવની શરૂઆત થઈ હતી ત્યાંજ પ્રહલાદ વિસરાઈ ચૂક્યા છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ થઈ ત્યારે પ્રહલાદ મંદિરની યાદ અપાવતા માળખામાં મદરેસા ચાલતા હતા, પરંતુ અવશેષો જળવાયેલા હતા. અયોધ્યામાં બાબરી ધ્વંસના પડઘા મુલતાનમાં પડતાં પ્રહલાદ મંદિરના અવશેષો તૂટી ગયા હતા. કોઈક મુલતાનને જ કહે છે કશ્યપપુરા. હકીકત છે કે પ્રહલાદપુરીના પ્રાચીન મંદિરના અવશેષોને ખતમ કરવા પ્રયાસ કરી ચૂકેલી ભીડ પણ પ્રહલાદ અને નૃસિંહને નહોતી જ જાણતી.

આમ તો ભક્ત પ્રહલાદ દ્વારા નિર્મિત મુલતાનના નૃસિંહ મંદિરનો ૧૦મી સદીમાં વિધ્વંસ થયો તેની તવારીખ અટપટી છે. ઈ.સ.૯૩૦માં મક્કા સામે બળવો કરીને કાબાના બ્લેક સ્ટોન અને ઝમઝમ કૂવાને નુકસાન પહોંચાડીને ભાગેલા અને મુલતાન પહોંચેલા Qarmatians દ્વારા આ આદિત્ય સ્થાનનો ધ્વંસ થયો હતો. મક્કા સામે બંડ પોકારીને ભાગનારા ઇસ્લામિક હોઈ શકે? કરામાઇટ્સના આગમન સુધી મુસ્લિમ શાસનકાળમાં પણ યથાવત્ જળવાયેલું પ્રહલાદ મંદિર Qarmatians શાસન વખતે તૂટી ગયું. પ્રહલાદ મંદિરના અવશેષો પર ઊભી થયેલી મસ્જિદને વળી ૧૧મી સદીમાં મહમદ ગઝનીએ તોડી પાડી. અર્થાત ધર્મસ્થાનોને તોડનારા કોઈક બીજા હતા.કાર્યકારણ પણ અટપટા હતા. મુલતાનની ભીડે ૧૯૯૨માં કદાચ પ્રહલાદ મંદિરના બાકીના અવશેષોને તોડવા પ્રયાસ કર્યો જ હશે, પરંતુ તેઓ કશ્યપપુરા કે પ્રહલાદને જાણતા હશે? હા, ઉશ્કેરણીમાં પણ કેટલાંક કાર્ય થતા હોય છે.

ધર્મરાજના સ્તૂપનો વિધ્વંસ  

ઉપખંડ ધર્મસ્થાનોના વિધ્વંસનો લાંબો ઇતિહાસ ધરાવે છે. મૌર્ય અને ગુપ્તકાળમાં બૌદ્ધ ઉપખંડનું અસ્તિત્વ હતુ તે કાળખંડમાં થયેલા વિધ્વંસ પર પણ એક નજર નાખી લઈએ. ધર્મરાજનો સ્તૂપ એટલે તક્ષશિલાનો પ્રાચીનતમ સ્તૂપ. સમ્રાટ અશોકે ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સ્તૂપનો જીર્ણોદ્ધાર કરીને નામ આપ્યું હતું ધર્મરાજકા સ્તૂપ. બીજી સદીમાં કનિષ્ક દ્વારા ફરી તેનો જીર્ણોદ્ધાર થયો હતો. પરંતુ પાંચમી સદીમાં હુમલાખોર શ્વેતહૂણોએ તે સ્તૂપનો વિધ્વંસ કર્યો હતો.

ઉશ્કેરાટ કારણ નહોતું જ. શ્વેતહૂણ શાસક મિહિરકુલાએ તો ગાંધારના હજારો બૌદ્ધ મઠોનો વિધ્વંસ કરીને બૌદ્ધોનો નરસંહાર કર્યો હતો. પ્રાચીન બૌદ્ધ રાષ્ટ્રસમા ચીનની દીવાલને પાર કરવામાં નિષ્ફળ ગયેલા હૂણ વિધ્વંસકોએ મૌર્ય બૌદ્ધ ઉપખંડને તારાજ કર્યો હતો. તો શું ઇસ્લામનો ઉદભવ( સાતમી સદીનો આરંભ) થયો તે પહેલાં જ બૌદ્ધરાષ્ટ્રે વિધ્વંસનો નજારો(પાંચમી સદી) જોઈ લીધો હતો ? વિધ્વંસના આ સિલસિલા પર પણ નજર નાખવી રહી. બુદ્ધ તો પહેલેથી જ મૌન હતા.

તેમને અદૃશ્ય કરવાની જરૂર શી પડી? તક્ષશિલા અને મુલતાન સાથે નજીકનો સંબંધ ધરાવતા ચંદ્ગુપ્ત મૌર્ય અને અશોકના બૌદ્ધ ઉપખંડમાં આજે બૌદ્ધ રાષ્ટ્ર વિસરાઈ ચૂક્યું છે અને ઇતિહાસને વળાંક આપતાં એક નવા નામે રાષ્ટ્ર નિર્માણની વાતો સાથે એક વધુ ધર્મસ્થાનનો વિધ્વંસ થઈ ચૂક્યો છે. ઘટનાના પ્રત્યાઘાતો દૂર દૂર સુધી પડી ચૂક્યા છે. ધર્મસ્થાનો તોડવાનો સિલસિલો સમજવો હોય તો શ્વેતહૂણ, Qarmatians કે Gazani ને ઓળખવા રહે.

પ્રહલાદ અને હિરણ્યકશિપુ  

એક હતા હર, એક હતા હરિ અને એક હતો હિરણ્યકશિપુ. હર કે હરિ સુધી પહોંચવું હોય તો પહેલાં તો પ્રહલાદ સુધી પહોંચવું પડે. વિધ્વંસનો આ સિલસિલો પ્રહલાદની નજીક લઈ જાય છે કે દૂર તેની સમીક્ષા થવી ઘટે? વિધ્વંસના સિલસિલા સાથે આપણે પ્રહલાદ બની રહ્યા છીએ કે પ્રહલાદથી દૂર જઈ રહ્યા છીએ? વિધ્વંસ તે ભક્ત બનવાનો પ્રયાસ છે કે ધર્માધિકારી? અત્રે ગાંધારમાં વિધ્વંસની જ્યાંથી શરૂઆત થઈ હતી તે બૌદ્ધ રાષ્ટ્રના ધર્મરાજકા સ્તૂપના વિધ્વંસથી માંડીને, બાબરી અને મુલતાનના પ્રહલાદ મંદિર તૂટવા સુધીની વિધ્વંસ શૃંખલાને મૂકવા પ્રયાસ થયો છે. આ ત્રણેય વિધ્વંસને ઓળખ્યા વિના ધર્મસ્થાનોના વિધ્વંસ અને કાર્યકારણની તવારીખ સમજી શકાશે? વિધ્વંસની આ શૃંખલાને સમજવાની સાથોસાથ એ પણ યાદ રાખવું પડશે કે કેટલાંક કાર્યો એવા હોય છે કે જેના પ્રાયિૃત પણ નથી હોતા.!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન