લ્યો, પાણી પીઓ, એવું હવે બાટલી યાદ કરાવશે! - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • લ્યો, પાણી પીઓ, એવું હવે બાટલી યાદ કરાવશે!

લ્યો, પાણી પીઓ, એવું હવે બાટલી યાદ કરાવશે!

 | 2:57 am IST

ઝીરો લાઈનઃ ગીતા માણેક

એકવીસમી સદીમાં આપણે ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર, એડ્રેસ શોધવા માટે જીપીએસ, ફેન નંબર માટે કોન્ટેક્ટ લિસ્ટ, પતિ-પત્ની કે અંગત મિત્રની બર્થ-ડે કે એનિવર્સરી યાદ રાખવા માટે મોબાઈલ ફેનમાં રિમાઇન્ડર વાપરવા માંડયા છીએ, પણ ઓનલાઇન બજારમાં એક એવી પાણીની બોટલ મળવા માંડી છે જે એના માલિકને યાદ કરાવે કે હવે પાણી પીવાનો સમય થઈ ગયો છે ! દિવસમાં તેણે કેટલું પાણી પીધું છે અને હજુ કેટલું પીવું જોઈએ એનો હિસાબ પણ એ જ રાખે છે! આને ઉન્નતિ કહેવી કે અધોગતિ?

આપણા શરીરમાં ઈશ્વરે જે ઘડિયાળ મૂકી છે એને સાંભળવાને બદલે આપણને આવા ગેજેટ્સની જરૂર પડવા માંડી છે આનાથી વધુ દયનીય સ્થિતિ માનવજાત માટે બીજી કઈ હોઈ શકે? આવનારા દિવસોમાં કદાચ આપણે શ્વાસ લેવાનો છે એવું યાદ કરાવવા માટેનું કોઈ ગેજેટ બનાવીને કોઈ કંપની કરોડો કમાવાની તરકીબ કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય!

દિવસના અમુક લિટર પાણી પીવું જ જોઈએ એવું એક ગતકડું છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. આને સાચું માનીને કેટલાય લોકો સાથે પાણીના બાટલા લઈને ર્ફ્યા કરે છે કે પછી સવારના ઊઠીને તરસ લાગી હોય કે ન લાગી હોય દોઢ-બે લિટર પાણી ઢિંચી જાય છે. જળ એ જીવન છે એ હકીકત છે પણ એનો મતલબ એ નથી કે માણસ ગેલન ભરી-ભરીને પાણી પીધા કરે. દાખલા તરીકે બદામ પૌષ્ટિક છે, લાભદાયક છે પણ કોઈ વ્યક્તિ દિવસની એક-એક કિલો બદામ ચાવી જાય તો શું તે તંદુરસ્ત થઈ જાય?

આયુર્વેદ અનુસાર કેટલું પાણી પીવું, કઈ રીતે પીવું એની સમજણ પણ ગ્રંથોમાં આપેલી છે. આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંત પુસ્તક અનુસાર જાણીબૂઝીને અધિક માત્રામાં સેવન કરેલું પાણી પણ શરીર માટે વિષ સમાન હાનિકારક સાબિત થાય છે. આયુર્વેદ તો કહે છે કે ભોજનની જેમ પાણીનું પણ પાચન થવું જોઈએ.

જેમ શારીરિક પરિશ્રમ કરનારી વ્યક્તિ અને બેઠાડંુ જીવન ધરાવનારી વ્યક્તિ માટે ખોરાક અંગે એકસમાન નિયમ લાગુ ન કરી શકાય એ જ રીતે દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાત તેની પ્રકૃતિ, ઉંમર, વ્યવસાય, ઋતુ અનુસાર હોય છે. એના માટે એક સર્વસામાન્ય નિયમ ન હોઈ શકે એ સમજવા માટે કંઈ તબીબીશાસ્ત્રના જાણકાર હોવાની જરૂર નથી. કોઈપણ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિને આ તર્કસંગત વાત ગળે ઉતરી જશે.

પ્રકૃતિએ આપણા શરીરમાં અદ્દભુત યંત્રણા ગોઠવી છે. ભૂખ, તરસ કે ઊંઘની આવશ્યકતા હોય ત્યારે આપણું શરીર સિગ્નલ આપે છે. પરંતુ આપણે એટલું બેહોશીપૂર્ણ જીવન જીવીએ છીએ કે ભૂખ, તરસ કે ઊંઘ જેવી મૂળભૂત બાબતો તરફ્ આપણે દુર્લક્ષ કરવા માંડયા છીએ. વધુ પૈસા કે વધુ સફ્ળતા મેળવવાની લાહ્યમાં કેટલાય લોકો શરીર દ્વારા આપવામાં આવતા આ સિગ્નલને અવગણે છે. બપોરનું ભોજન સાંજે ચાર-પાંચ વાગ્યા સુધી અને રાત્રિ ભોજન અગિયાર-બાર વાગ્યા સુધી ટાળે છે. શહેરી જીવનમાં પ્રાકૃતિક ઊંઘની તો આપણે દશા બગાડી નાંખી છે એ જ રીતે પ્રાકૃતિક તરસને પણ આપણે ભૂલી ચૂક્યા છીએ.

આયુર્વેદના નિષ્ણાત જાણકાર કહે છે કે પાણી ત્યારે જ પીવું જોઈએ જ્યારે તરસ લાગી હોય અને એટલું જ પીવું જોઈએ જેનાથી તરસ છિપાય. તરસ લાગી હોય ત્યારે પાણી ગટગટાવી જવાને બદલે ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઈએ. જ્યારે શરીરને પાણીની જરૂરિયાત પડે છે ત્યારે મોં સુકાય છે અને આપણને તરસનો અહેસાસ થાય છે. જો આપણે પાણી ગટગટાવી જઈએ તો મોંના એ છિદ્રોનું સૂક્કાપણું યથાવત્ રહે છે અને આપણે જરૂરત કરતાં વધુ પાણી પી જઈએ છીએ.

સર્વસામાન્ય માણસ માટે આયુર્વેદિક કે શરીરશાસ્ત્રની બીજી કોઈ સમજણ હોય કે ન હોય પણ પોતાના શરીરને કેટલી માત્રામાં અન્ન, ઊંઘ કે પાણીની આવશ્યકતા છે એની સમજણ તો પ્રકૃતિદત્ત હોય જ છે. પરંતુ આપણે બાહ્ય અને આંતરિક પ્રકૃતિથી એટલા દૂર થતા જઈએ છીએ કે જે સિગ્નલ ભીતરથી આવે છે એને સાંભળવાને બદલે પાણી પીવાનું પણ યાદ કરાવતી બોટલોની જરૂર પડવા માંડી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન