Health Ministry Takes Important Measures Including Closing Of Schools, Swimming Pools, Malls Till 31st March
  • Home
  • Corona live
  • કોરોના કહેર વચ્ચે મોટો નિર્ણય, 18 માર્ચથી NRIઓને ભારતમાં પ્રવેશ નહીં મળે, 200 વર્ષમાં પહેલી વખત…

કોરોના કહેર વચ્ચે મોટો નિર્ણય, 18 માર્ચથી NRIઓને ભારતમાં પ્રવેશ નહીં મળે, 200 વર્ષમાં પહેલી વખત…

 | 6:13 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસનું એપી સેન્ટર બનેલા યુરોપિયન યુનિયનના દેશોના ટ્રાવેલર્સ ભારતમાં આવીને કોરોના વાઇરસનો ચેપ ફેલાવે નહીં એ માટે ભારત સરકારે આ ૩૨ દેશોના યુનિયનના પેસેન્જરોને ભારતમાં બુધવારથી નો એન્ટ્રી કરી દીધી છે. યુરોપિયન યુનિયન, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન મેમ્બર જેવા કે લિંકટેસ્ટીન, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીસ કોન્ફેડરેશન-યુનાઇટેડ કિંગ્ડમ અને તુર્કીના ટ્રાવેલર્સ બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યા બાદ ભારતમાં પ્રવેશ કરી શકશે નહીં.

આ સંદર્ભમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે સંબંધિત દેશોના પેસેન્જરો બુધવારથી ભારતમાં પ્રવેશ નહીં કરી શકે. એર લાઇન્સે આવા દેશના પેસેન્જરોને પ્લેનમાં ચડતા અટકાવવા પડશે. આ સિવાય યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતથી આવતા પેસેન્જરોને મેડિકલ કન્ડિશન વિના પણ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. સરકારે ચીન, ઇટાલી, ઈરાન, સાઉથ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવનારા પેસેન્જરોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રાખવાનું ફરજિયાત બનાવ્યં  છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાનો ચેપ ફેલાય નહીં એ માટે સરકારે સોમવારે દેશભરની સ્કૂલો, શિક્ષણ સંસ્થાઓ, જિમ્નેશિયમો, સ્વિમિંગ પૂલ અને મોલને ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવા માટે જણાવાયું છે અને સાર્વજનિક પરિવહનનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવાની તાકીદ કરી છે. સ્થાનિક નેતાઓ, ધર્મગુરુઓ પોતાની સભાઓ અને કાર્યક્રમો રદ કરે.

૫ રાજ્યોમાં ૧૩ દર્દીઓને સાજા કરાયા

દેશનાં ૫ રાજ્યોમાં ૧૩ દર્દીઓને સાજા કરાયા છે. જેમાં યુપીનાં ૪, રાજસ્થાનનાં ૩, કેરળનાં ૩, દિલ્હીનાં ૨ અને તેલંગણાનાં ૧નો સમાવેશ થાય છે. અત્યાર સુધી ચીનમાંથી ૭૬૬, જાપાનથી ૧૨૪,ઇરાનથી કુલ ૩૮૯ અને ઇટાલીથી ૨૧૧ ભારતીયોને પાછા લવાયા છે.

૩૧ માર્ચ સુધી નાઇટ ક્લબ, સ્પા બંધ

દિલ્હીમાં ૫૦ લોકોની વધુ એકઠા થવા પર કેજરીવાલ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે જેમાં શાહીનબાગનાં દેખાવકારોનો પણ સમાવેશ થાય છે. દિલ્હીનાં જુદા જુદા વિસ્તારોમાં પોર્ટેબલ હેન્ડવોશ અને સેનિટાઇઝેશન સામગ્રી મૂકવા નિર્ણય લેવાયો છે. જ્યાં જ્યાં લોકો  ભેગા થતા હશે તેવા તમામ સ્થળોએ ડિસ્પેન્સિંગ  મશીન મૂકવામાં  આવશે. ૩૧ માર્ચ સુધી જિમ, નાઇટ ક્લબ, સ્પા બંધ રાખવા નક્કી કરાયું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનોને શુદ્ધ કરાઈ રહ્યા છે. લગ્નમાં ૫૦થી વધુ લોકોને એકઠા થવા છૂટ અપાઈ છે પણ જરૂર લાગે તો લગ્ન પાછા ઠેલવા સલાહ અપાઈ છે. માર્કેટ ખુલ્લા રાખવા છૂટ અપાઈ છે.

૨૦૦ વર્ષમાં પહેલી વખત સિદ્ધિવિનાયક મંદિર બંધ, કાશી વિશ્વનાથ ભગવાનને માસ્ક પહેરાવાયું!

કોરોનાની અસર સમગ્ર દેશના મંદિરો અને ધાર્મિક સ્થળો ઉપર પડી છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વખત ૨૦૦ વર્ષ બાદ સિદ્ધિવિનાયક મંદિરને અનિશ્ચિત સમય સુદી બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પણ ભસ્મ આરતીમાં લોકોની હાજરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૧૮૦૧માં બનેલા આ મંદિરમાં પહેલી વખત દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ પુણેના દગડુશેઠ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓના હાથ સેનેટાઈઝ કરવાનો અને તેમણે માસ્ક પહેરવાનો આદેશ જારી કરાયો છે. તે સિવાય તુળજા ભવાની મંદિરમાં ૩૧ માર્ચ સુધીમાં દર્શન ઉપર પ્રતિબંધ મૂકાયો છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાનને પણ માસ્ક પહેરાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ભક્તો માટે પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. આ સિવાય વૈષ્ણો દેવી મંદિરમાં વિદેશથી આવેલા ભક્તોને ફરજિયાત ૨૮ દિવસ આઈસોલેશનમાં રહ્યા પછી જ દર્શન માટે આવવા આદેશ જારી કરાયો છે. શિરડી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ લોકોને દર્શન માટે ન આવવા અપિલ કરવામાં આવી છે.

કોરોના ૧૦૭૫

  • કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસના મુદ્દે નવો હેલ્પલાઇન નંબર ૧૦૭૫ જારી કર્યો છે. જૂનો૦૧૧-૨૩૯૭૮૦૪૬ પણ કાર્યરત છે.
  • વિદેશ મંત્રાલયે ૧૮૦૦૧૧૮૭૯૭ +૯૧-૧૧-૨૩૦૧૨૧૧૩,+૯૧-૧૧-૨૩૦૧૪૧૦૪,+૯૧-૧૧-૨૩૦૧૭૯૦૫ હેલ્પલાઈન નંબરો જારી કર્યાં
  • નેપાળ બોર્ડરે ૪૯ પોસ્ટ પર લોકોનું થર્મલ સ્ક્રીનિંગ, પાકિસ્તાન બોર્ડર સીલ.
  • દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૯, કેરળમાં ૨૫ કેસ નોંધાયા છે. છેલ્લા ૨ દિવસમાં મહારાષ્ટ્રમાં ૮ નવા કેસ, તેલંગણામાં ૨, કેરળ, રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડમાં ૧-૧ કેસ નવા કેસ નોંધાયા છે.
  • કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે કોરોનાના દર્દીના છેલ્લા ૨૪ કલાકમાં બે રિપોર્ટ નેગેટિવ આવે તો જ તેને ઘરે જવા માટે રજા આપવી.

કયા રાજ્યમાં કેટલા કેસ

દિલ્હી     ૦૭

કેરળ     ૨૫

રાજસ્થાન     ૦૪

તેલંગણા     ૦૩

યુપી     ૧૩

લદ્દાખ     ૦૩

તામિલનાડુ     ૦૧

કાશ્મીર     ૦૩

પંજાબ     ૦૧

કર્ણાટક     ૦૮

મહારાષ્ટ્ર     ૩૯

આંધ્રપ્રદેશ     ૦૧

ઉત્તરાખંડ     ૦૧

ઓડિશા     ૦૧

હરિયાણા     ૧૪

વિદેશીઓ     ૧૭

કુલ     ૧૨૪

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન