હિંમતનગરઃ નવરાત્રિ સ્થળે વીડિયો શુટિંગની અદાવતમાં યુવકની હત્યા - Sandesh
NIFTY 11,001.15 +64.30  |  SENSEX 36,487.96 +164.19  |  USD 68.3475 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હિંમતનગરઃ નવરાત્રિ સ્થળે વીડિયો શુટિંગની અદાવતમાં યુવકની હત્યા

હિંમતનગરઃ નવરાત્રિ સ્થળે વીડિયો શુટિંગની અદાવતમાં યુવકની હત્યા

 | 3:14 pm IST

હિંમતનગરના રૃપાલમાં ગણપતિ વિસર્જન સમયે ઉતારવામાં આવેલા વિડીયો શુટીંગની અંગત અદાવતની જવાળાઓએ મોટું સ્વરૃપ ધારણ કરતાં શુક્રવારે રાત્રે ગામના નવરાત્રિ ચોકમાં થયેલી ધમાલમાં સતિષભાઈ પટેલને ગુપ્ત ભાગે લાત મારી મોતને ઘાટ ઉતારતાં નવરાત્રિનો આસ્થાના પ્રતિકસમો ચાચર ચોક સમરાંગણમાં ફેરવાઈ ગયો હતો. બનાવના ર૦ કલાક પછી પણ પોલીસે એકપણ આરોપીની અટકાયત ન કરતાં મૃતકના પરિવારોએ લાશ લેવાનો ઈન્કાર કરતાં જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસ સખ્તાઈ દાખવી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા હત્યાના આરોપીઓની અટકાયત નહીં કરે તો મોટો ભડકો થવાની દહેશત સેવાઈ રહી છે.

સોશ્યલ મીડિયા હવે તમામ પ્રકારની હદ વટાવતાં ગામડામાં અંગત સબંધોમાં ઉભાં ફાડીયાં થઈ રહ્યાં છે. તાજેતરમાં ગણપતિ વિસર્જન સમયે રૃપાલમાં કેટલીક યુવતીઓનું ભોઈ સમાજના કેટલાક યુવકોએ વિડીયો શુટીંગ કર્યું હતું અને તે દિવસથી આ વિડીયો શુટીંગ સતિષભાઈ કેશાભાઈ પટેલ અને તેમના દિકરા સંકેતભાઈએ કરાવ્યો હોવાનો વહેમ ઉભય પક્ષે સેવ્યો હતો. ત્યારબાદ આ મામલો થાળે પડી ગયો છે તેમ જણાતું હતું પરંતુ ગત રાત્રે આ મુદ્દે બે જૂથ સામસામે આવી ગયા હતા અને આ વિગત સતિષભાઈ પટેલના ધ્યાન પર આવતાં તેઓએ છોકરાઓ વચ્ચેની સામાન્ય અણસમજ દૂર કરવાના ઈરાદાથી તેઓ નવરાત્રિ ચોકમાં પહોંચ્યા હતા પરંતુ તે સમયે ત્યાં ઉપસ્થિત હીરેન રમેશભાઈ પટેલ તથા અન્યોએ સતિષભાઈ અને તેના પુત્ર ઉપર રીતસરના તૂટી પડયા હતા જેમાં ભારોભાર ખુન્નસમાં ઉતરી આવેલા મયૂર પટેલે મૃતકના ગુપ્ત ભાગે લાત મારી મોતને ઘાટ ઉતારતાં નવરાત્રિ સ્થળે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે અન્ય આરોપીઓએ ગળું દબાવી તમામ હદ વટાવી દીધી હતી. ગામમાં પટેલ પરિવારો વચ્ચે અંદરો અંદર અંગત અદાવતમાં ધિંગાણું અને એકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે જૈમિનીબેન આશિષભાઈ પટેલની ફરિયાદના આધારે ગાંભોઈ પોલીસે માત્ર ગુનો નોંધી સંતોષ માન્યો છે.

હત્યારાઓને પકડો પછી જ લાશ સ્વીકારીશું : પરિવારનો આક્રોશ
મૃતક સતિષભાઈ કેશાભાઈ પટેલના પરિવારજનોએ પોલીસ ઉપર ખુલ્લો આરોપ મૂક્યો છે કે ગામના નવરાત્રિ ચોકમાં હત્યા થઈ છતાં પોલીસે માત્ર ગુનો નોંધી સંતોષ માન્યો છે. બનાવના ર૦ કલાક પછી પણ પોલીસ ગામમાં ઢૂકી નથી અને જ્યાં સુધી ફરાર થઈ ગયેલા આરોપીઓને પોલીસ નહીં પકડે ત્યાં સુધી અમો લાશ સ્વીકારીશું નહીં તેમ જણાવતાં પોલીસ અને તાલુકા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.

હત્યાનો આરોપી : તપસ્વી પટેલ તાજેતરમાં જ શિક્ષક બન્યો..!!
ક્યારેક સામાન્ય મારામારી પણ કેવું સ્વરૃપ પકડે છે તેનો કિસ્સો રૃપાલના નવરાત્રિ ચોકમાં જોવા મળ્યો. અગાઉની અદાવતમાં થયેલા હુમલામાં સતિષભાઈ પટેલનું મોત નિપજ્યું છે ત્યારે તેમાં પોલીસ ચોપડે હત્યાના આરોપી તરીકે નોંધાયેલા તપસ્વી જશુભાઈ પટેલ તાજેતરમાં જ શિક્ષક બન્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે શિક્ષક બનેલા તપસ્વીની નોકરી ઉપર પણ જોખમ આવી ગયું છે.