તપિશ અને હિમની ગાંઠ મારીને દોરડું કૂદતા ગુજરાતીઓ - Sandesh
NIFTY 10,992.45 -26.45  |  SENSEX 36,516.53 +-25.10  |  USD 68.6925 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • તપિશ અને હિમની ગાંઠ મારીને દોરડું કૂદતા ગુજરાતીઓ

તપિશ અને હિમની ગાંઠ મારીને દોરડું કૂદતા ગુજરાતીઓ

 | 12:15 am IST

ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી

કેવું આક્રમણ? તેની વાત કરતા પહેલાં વિજ્ઞાનના બે વિરોધાભાસ જાણો. માનવશરીરમાં અબજો ગુણ્યા અબજો બેક્ટેરિયા હોય છે, આપણી આકાશગંગામાં તારા કરતાં પણ વધુ સંખ્યાના જીવાણુંઓ હોય છે. તાજા જન્મેલા બાળકના શરીરમાં એક પણ બેક્ટેરિયમ નથી હોતો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરના વાતાવરણમાંથી તેના શરીર ઉપર ધીમેધીમે સૂક્ષ્મ જીવાણુઓ લાગવાનું શરૂ થાય તે પહેલા તેના કુટુંબીજનો બીજા જીવાણુઓ વડે તેની ઉપર ચોમેરથી યુદ્ધ કરે છે. યાદ રહે, આક્રમણખોર બેક્ટેરિયા વાસ્તવિકતા છે, આપ્તજનોનો આક્રમણ કાલ્પનિક શસ્ત્રો વડે થાય છે જે કાયમ રહે છે.

જન્મ માણસનો થયો હોય પણ તરત તેને પહેલા કોષ્ટકમાં નાખવામાં આવે- બાબો કે બેબી. ચાલો, બાયોલોજીકલી તે વર્ગીકરણ આવશ્યક રહેતું હશે, પરંતુ તેના પછી બીજા કોષ્ટકો લાંબી લાઈન લગાવીને ઊભા હોય છે. જન્મ સમય અને દિવસની તિથિ મુજબ તથા નક્ષત્રોના સ્થાન મુજબ તેની મુનસાઈન અને સનશાઈન નક્કી કરવામાં આવે. તેનું નામ જે બત્રીસ મૂળાક્ષરો પરથી પાડી શકાય તે શક્યતા હતી, તે શક્યતાને નિર્દયતાથી કાપીને વધુમાં ચાર કે પાંચ મૂળાક્ષરો સુધી લાવી દેવામાં આવે. પછી એ કોનો દીકરોને કોનો ભાઈને કોનો ભાણેજને કોનો ભત્રીજો તે ફ્ટાફ્ટ નક્કી થઇ જાય. જન્મદાતાના મનમાં તો જન્મેલા બાળકને ટૂંક સમયમાં જે સ્કૂલમાં મૂકવાનો હોય તેનો ગેઇટ પણ મનમાં તરવરવા લાગે. અને આ બધા પહેલા તે બાળકનો ધર્મ નક્કી થઇ જાય. તેની અટક નક્કી થઇ જાય. તેનો સંપ્રદાય અને તે કયા ધર્મસ્થળે જશે તે નક્કી થઇ જાય. એક માસૂમ બાળક ઉપર એક સાથે પચાસ માછીમારો જાળ નાખે અને પછી એવા ફંકામાં રહે કે જાળ ભલે હોય પાણીરૂપી ઓક્સિજન તો મળે જ છે ને. બાળકને મોટા થયા બાદ પોતાનો ધર્મ પસંદ કરવાની કે નાસ્તિક બનવાની સ્વતંત્રતા કે પોતાનું નામ બદલવાની લીબર્ટી કેટલા મોમ-ડેડ આપી શકશે?

ડાયનોસોર જયારે આ પૃથ્વી ઉપર વિદ્યમાન હતા તેની પહેલાથી વાંદા ફ્રી રહ્યા છે. હોમો સેપીયન્સ માણસો કરતાં પણ જુના હોય તેવા પક્ષીઓથી લઇને ઉંદરો સુધીની અનેક જાતિઓ પૃથ્વી ઉપર ફૂલીફલી છે અને ટકી ગઈ છે. એકમાત્ર માણસ જેના જનીનો ડોલ્ફ્નિ કે વાંદરાના જનીનો કરતાં એક પ્રતિશત જ અલગ છે તે થોડો બુદ્ધિશાળી બન્યો અને તેણે માણસજાત માટે પીંજરા બનાવી નાખ્યા. ખંડ, દેશ, રાજ્ય, સરહદ, ગામ, ધર્મ, ભાષા વગેરેના કોષ્ટકોમાં સબડતો થઇ ગયો માણસ. આજે એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ, ચોતરફ.

ઓલમોસ્ટ બસો વર્ષથી ગુલામ રહેલો દેશ આઝાદ થાય ત્યારે પણ હિંદુઓ અને મુસ્લિમો છુટા પડે. આતંકવાદી હુમલામાં પણ પાકિસ્તાની મુસ્લિમો અને ભારતીયો એવા બે ભાગ પડે. આજની તારીખે પણ સમાજ-એક્સ અને સમાજ-વાયના ભાગ પડે છે. આપણે કહેતા ફ્રીએ છીએ કે દુનિયા ગ્લોબલ ગામડું બની ગઈ, દુનિયા નાની થઇ ગઈ. સાચી વાત છે, માણસો નાના થઇ ગયા અને નાના માણસોએ દુનિયાને નાનીને બદલે સાંકડી કરી નાખી. પેઢી દર પેઢી એ જ ચાલતું આવે છે, પૂર્વજોએ બતાવેલી નાની ગલીઓમાંથી જ તેના વંશજોએ ચાલવાનું. ગલી ઉપલબ્ધ ન હોય તો પગદંડી બનાવી હશે એનો ઉપયોગ કરો. નહીંતર બાજુમાં ખીણ છે જ. કૂદી મરો. આ જ સિલસિલો રહ્યો છે. આખી દુનિયામાં. પ્રજાસત્તાક દિને અહેસાસ થાય છે કે ઓલમોસ્ટ પ્રજાસત્તાક દુનિયામાં કોઈનું ગજું જ નથી કે કોઈ ટોમ-ડીક-હેરી માટે નાની ગલીઓ બનાવવાને બદલે ફ્ક્ત માણસ માટે એક સારો રસ્તો બનાવે.

ગુજરાતીઓ એકમાત્ર એવી પ્રજા છે જેને ભૂખ્યા સુવાનો હક નથી. કારણ કે અહીં તો ઓલમાઈટી ખુદ ભૂલા પડે એવું આહવાન આપણે આપતા હોઈએ છીએ. સ્વર્ગની કલ્પના સૌથી ઓછી વખત ગુજરાતીઓ કરતા હશે એ દાવા સાથે કહી શકાય. સ્વર્ગના દીવાસ્વપ્નોમાં રાચવાનો સમય ગુજરાતીઓ પાસે નથી. ગાલિબે તો બહુ મોડું કહ્યું કે દિલ કો બેહલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ. ગુજરાતીઓ આ સદીઓથી જાણે છે એટલે જ આખી દુનિયાના ખૂણેખાંચરે ફેલાઈ ગયા છે. અંગ્રેજોના આગમન પહેલા એક પણ મોટો ગુજરાતી વ્યાપારી મરતો તો જગતના આંતરરાષ્ટ્રીય બંદરો શોક મનાવતા. ગુજરાત અને ગુજરાતીની તાકાત આ હતી.

દરેક રાજ્ય પાસે તેમાં જન્મેલા મહાન પુરુષોની યાદી હોય છે. ગુજરાતે આવી યાદી બનાવવાની જરૂર નથી. કારણ કે મહાજાતિ ગુજરાતી એ મહાજનોની જાતિ છે. ઈત્તર જનની સેવામાં રત રહેનારા મહાનજનો એટલે ગુજરાતીઓ. વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્તના તો કમરપટ્ટા બાંધીને ફ્રતા ગુજરાતીઓ જેવા જગતવ્યાપારીઓ વિશ્વના ઇતિહાસે જોયા નથી. મહાન રોમનું પતન થાય કે ઈજિપ્તની સંસ્કૃતિ ધૂળમાં ભળી જાય. ગુજરાતીઓ મિલેનીયમના મિલેનીયમથી ડંકા વગાડી રહ્યા છે. ઓક્સફેર્ડ પ્રેસ જ્યારે પોતાની ડિક્ષનરીના એક મોટા લોટની ડિલીવરી ગુજરાતમાં જયારે કરવાનું હોય ત્યારે તે શબ્દકોષોમાંથી ‘અશક્ય’ શબ્દ કેમ નથી કાઢી નાખતું તે સવાલ છે. કઠીન કે અશક્ય જેવા શબ્દોને કોઈ ગુજરાતી ભગવગ્દોમંડળ કે શબ્દકોશમાં નહિ ગોતતો હોય, ધીમેધીમે તેવા શબ્દો ગુજરાતમાંથી લુપ્ત થઇ જાય તો પણ નવાઈ નહિ.

આવી મહાજાતિ પાસેથી વિશ્વ આખાને પ્રત્યક્ષ કે પરોક્ષ આશા છે. લોકો ભારતના પશ્ચિમ ખૂણે હંમેશાં એક આંખ માંડીને બેઠા હોય છે ત્યારે આપણે એને શું આપી રહ્યા છીએ? શાંતિ, સૌહાર્દ, સમજદારી, શાણપણના સામાનાર્થી સમાન ગુજરાતમાં જો સહેજ પણ ઓગણીસ-વીસ થાય તે આપણને શોભે એવું છે? સમયના વહેણ સાથે આપણે વિકાસ નહિ પ્રગતિ કરવાની હોય.  જેની ગતિમાં સતત વધારો થતો રહે તે પ્રગતિ. આપણે પ્રગતિ છોડો વિકાસ પણ કરી રહ્યા છીએ? પાકા રસ્તા કે હાઈસ્પીડ ટ્રેનને જો ‘ગ્રોથ’ કહેવતો હોય તો આપણા મસ્તિષ્કની અંદર રહેલી આપણી માનસિકતાનું શું? મનની સારપો કે દિમાગી વિકૃતિઓમાંથી આપણે આપણા જ લોકોને, આ દેશને અને આખી દુનિયાને શું આપી રહ્યા છીએ તે સવાલનો સાચો જવાબ મેળવી શકશું ખરાં? કલ્પનાની દુનિયામાંથી વાસ્તવની ધરતી ઉપર બંને પગ ક્યારે મુકાશે?

facebook.com/abhimanyu.modi.7