તાતા સન્સ  ટીસીએસના ૧.૨૫ અબજ ડોલરના શેર વેચીને દેવું ચૂકતે કરશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • તાતા સન્સ  ટીસીએસના ૧.૨૫ અબજ ડોલરના શેર વેચીને દેવું ચૂકતે કરશે

તાતા સન્સ  ટીસીએસના ૧.૨૫ અબજ ડોલરના શેર વેચીને દેવું ચૂકતે કરશે

 | 3:50 am IST

મુંબઈ, તા. ૧૩

દેશમાં એક તરફ મોટી કંપનીઓ દ્વારા બેન્કોના દેવાળા ફૂંકવામાં આવે છે ત્યારે તાતા સન્સ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. દેશના ટોચના વેપારી જૂથમાં આવતું તાતા સન્સ પોતાનો ટીસીએસના કેટલાક શેર વેચી કાઢશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાતા સન્સ દ્વારા તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)માંથી શેર વેચવા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. તાતા સન્સે ટીસીએસમાંથી પોતોનો ૧.૪૮ ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી છે. આ ગણતરી પ્રમાણે તે પોતાના હિસ્સામાંથી ૨૮.૨૭ મિલિયન શેર વેચી દેશે. આ તમામ શેર એક શેરના ૨,૮૭૨ રૂપિયાથી લઈને ૨,૯૨૫ રૂપિયામાં વેચશે. તેના દ્વારા તાતા સન્સને ૧.૨૫ અબજ ડોલરની આવક થાય તેમ છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે તાતા સન્સ દ્વારા તાતા ટેલિ સર્વિસિસ ભારતી એરટેલને વેચી દેવામાં આવી હતી.

તાતા ટેલિ સર્વિસિસ માટે લેવાયેલી લોન ભરવા માટે તાતા સન્સ દ્વારા આ હિસ્સો વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ હિસ્સેદારી વેચીને તાતા ૮,૯૮૯ કરોડ રૂપિયા ઊભા કરવાનું વિચારે છે. આ સોદા બાદ ટીસીએસમાં તાતા સન્સની હિસ્સેદારી ઓછી થઈને લગભગ ૭૨ ટકા થઈ જશે. તાતા ટેલિ સર્વિસિસ પર લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. સૂત્રોના મતે ટીસીએસની હિસ્સેદારી વેચીને જે નાણાં મળશે, તેનો ઉપયોગ તાતા જૂથના દૂરસંચાર એકમ તાતા ટેલિ સર્વિસિસનું દેવું ઓછું કરવામાં કરાશે.

ટીસીએસ ૬ ટકા તૂટયો

સ્ટેક સેલના સમાચાર સાથે જ તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝના સ્ટોક્સમાં ૬ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે દેશની સૌથી મોટી આઇટી કંપનીનો સ્ટોક બીએસઇ પર ૫.૪૬ ટકા તૂટીને ૨,૮૮૫ પર પહોંચી ગયો હતો. બીજી તરફ એનએસઇ પર કંપનીનો શેર લગભગ ૬ ટકા તૂટીને ૨,૮૭૩ રૂપિયા થઈ ગયો હતો.

;