ટીડીપીનું ત્રાગું, મંત્રીપદેથી રાજીનામાં પણ એનડીએને સમર્થન - Sandesh
  • Home
  • Ahmedabad
  • ટીડીપીનું ત્રાગું, મંત્રીપદેથી રાજીનામાં પણ એનડીએને સમર્થન

ટીડીપીનું ત્રાગું, મંત્રીપદેથી રાજીનામાં પણ એનડીએને સમર્થન

 | 1:37 am IST

અમરાવતી, નવી દિલ્હી, તા.૮

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ભજવાયેલો ટીડીપી સરકારનો મેલોડ્રામા આખરે અંત ભણી પહોંચી ગયો હતો. ગુરુવાર સાંજે ટીડીપી સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાની જાહેરાત કરી અને  ટીડીપીના બે સાંસદોએ મોદી સરકારનાં મંત્રીપદેથી રાજીનામાં આપી દીધાં હતાં. જોકે, બંનેએ મંત્રીપદ છોડયાં હતાં પણ ટીડીપીએ એનડીએને સમર્થન જારી રાખ્યું હોવાની પણ જાહેરાત કરી હતી. આમ ચંદ્રાબાબુ એક બાજુ રાજ્યની જનતા અને બીજી બાજુ એનડીએ સરકારને ખુશ કરી દૂધ અને દહીં બંનેમાં પગ મૂકવા માગે છે.

ગુરુવારે વિધાનસભાનાં બજેટ સત્રને સંબોધન કરતાં નાયડુએ જણાવ્યું હતું કે, ૨૦૧૪માં આંધ્ર પ્રદેશના વિભાજન વખતે તત્કાલીન કોંગ્રેસ સરકાર જેવું જ પક્ષપાતી વલણ કેન્દ્રની ભાજપ સરકાર અપનાવી રહી છે. નાયડુએ જણાવ્યું હતું કે, પ્રાદેશિક પક્ષોએ તેમનાં હિતોનાં રક્ષણ માટે આકરા નિર્ણય લેવા જ પડશે. ગઠબંધનના સભ્ય હોવાના નાતે મારી જવાબદારી બનતી હતી કે હું પીએમને અમારી પાર્ટીના નિર્ણયની જાણ કરું. મારા ઓએસડીએ પીએમના ઓએસડી સાથે વાત કરી પરંતુ પીએમ મોદી ફોન લાઇન પર આવ્યા નહોતા. જેના પગલે ટીડીપીએ કેન્દ્ર સરકારમાં તેના બે મંત્રી પી. અશોક ગજપતિ અને વાય. સત્યનારાયણ ચૌધરીને રાજીનામાં આપવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન ગુરુવારે આંધ્ર પ્રદેશ પ્રધાનમંડળમાંથી ભાજપના બે મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં હતાં.  આંધ્ર પ્રદેશના આરોગ્યમંત્રી કામિનેની શ્રીનિવાસ અને અન્ય મંત્રી પી. માનિક્યાલા રાવે ચંદ્રાબાબુ નાયડુને અલવિદા કહી દીધું હતું.

પીએમ મોદી પાસે મદદ માટે ૨૯ વાર દિલ્હી ગયો પરંતુ ધક્કા ન ફળ્યા : ચંદ્રાબાબુ

કોંગ્રેસે તેલંગણાની બાળક તરીકે સફળ ડિલિવરી કરાવી પરંતુ મા આંધ્ર પ્રદેશની હત્યા કરી નાખી તેવા પીએમ મોદીનાં નિવેદનની યાદ અપાવતાં ચંદ્રાબાબુએ જણાવ્યું હતું કે, મેં ૨૯ વાર દિલ્હી જઇ પીએમ મોદી સમક્ષ આંધ્ર પ્રદેશને મદદ કરવા ગુહાર લગાવી હતી પરંતુ તેમના તરફથી કોઇ પહેલ થઇ નહોતી. નવી રાજધાની વિકસાવવા માટે ફંડ, પોલાવરમ પ્રોજેક્ટ અને વિશાખાપટ્ટનમ માટે અપાયેલાં વચનો પણ પૂરાં કરાયાં નથી. કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ વિભાજન એક્ટ અંતર્ગત અપાયેલાં તમામ ૧૯ વચનોનું પાલન કરવું જોઇએ. જેટલીનાં નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં નાયડુએ જણાવ્યું હતું કે, મોદી સરકાર પૂવોત્તરના રાજ્યોનો હાથ મજબૂતાઇથી પકડી રહી છે પરંતુ આંધ્ર પ્રદેશનો નહીં. આવો ભેદભાવ શા માટે?

નાયડુનાં હૈયે આંધ્રનું હિત કે રાજકીય દાવપેચ?

૨૦૧૯માં લોકસભાની સાથે આંધ્ર વિધાનસભાની ચૂંટણી પણ છે. ભાજપ ધીમે ધીમે આંધ્ર પ્રદેશમાં જનાધાર વધારવાના પ્રયાસ કરી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે ભાજપ અને જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસની પરોક્ષ સમજૂતી થઇ ચૂકી છે. નાયડુ આ સારી રીતે જાણે છે તેથી જ તેમણે આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માગનો મુદ્દો ચગાવ્યો છે.

મોદી ફાયરફાઇટિંગ મોડમાં, સામેથી ફોન કર્યો

પીએમ મોદીએ નારાજ નાયડુને ગુરુવારે સામેથી ફોન કર્યો હતો. આ પછી સાંજે છ કલાકે અશોક ગજપતિ રાજુ અને વાય. એસ. ચૌધરી વડા પ્રધાનને મળ્યા હતા. તેમની વચ્ચે ચાલેલી બેઠક પણ સમાધાનકારી પરિણામ લાવી શકી નહોતી. બેઠકના એક કલાક બાદ સાત વાગ્યે બંને નેતાઓએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાં આપી દીધાં હતાં.

ટીડીપીનાં રાજીનામાં (કેન્દ્ર સરકારમાંથી)

૧. પી. અશોક ગજપતિ રાજુ  -નાગરિક ઉડ્ડયનમંત્રી

૨. વાય. એસ. ચૌધરી -વિજ્ઞાન અને ટેક્નોલોજીમંત્રી

ભાજપનાં રાજીનામાં (આંધ્ર સરકારમાંથી)

૧. આરોગ્યમંત્રી કામિનેની શ્રીનિવાસ

૨. એન્ડાઉમેન્ટમંત્રી પી. માનિક્યાલા રાવ