ચા કે દૂધ ગ્લાસ કે કપમાં ઊંચેથી રેડો તો પરપોટા કેમ થતા હશે! - Sandesh
  • Home
  • Kids Corner
  • ચા કે દૂધ ગ્લાસ કે કપમાં ઊંચેથી રેડો તો પરપોટા કેમ થતા હશે!

ચા કે દૂધ ગ્લાસ કે કપમાં ઊંચેથી રેડો તો પરપોટા કેમ થતા હશે!

 | 2:47 am IST

જ્યારે તમે કાચની કીટલી કે તપેલી જેવા સાધનમાંથી ચા, પાણી કે અન્ય કોઇ પ્રવાહી પદાર્થને નીચે મૂકેલા કપ, ગ્લાસમાં થોડી ઊંચાઈથી રેડો તો શું થાય? નીચે મૂકેલા કપ, વાટકા કે વાસણમાં એ ભરાય તો એની સપાટી પર પરપોટા જોવા મળશે.

પ્રયોગમાં શું શું જોઇશે?

એક કપ અથવા ગ્લાસ અને ચા ભરેલી કીટલી

પ્રયોગમાં શું કરવાનું?

ટેબલ ઉપર કપ અથવા ગ્લાસ મૂકો. ચા ભરેલી કીટલી એનાથી થોડે ઊંચે પકડી રાખો હવે કીટલીમાં રહેલી ચાને નીચે રહેલા કપ અથવા ગ્લાસમાં રેડતા જાઓ. પછી જુઓ શું થાય છે?.

આમ કરવાથી શું થશે?

તમે ઉપરના અંતરેથી કીટલીમાં રહેલી ચાને ધીરેધીરે ગ્લાસમાં રેડશો. ત્યારે નીચે રહેલા કપ કે ગ્લાસમાં જે ચા ભરાય એની સપાટી ઉપર પરપોટા જોવા મળશે. હવે ફરી ચાને ગ્લાસમાં રેડો પણ આ વખતે કીટલીને ગ્લાસની નજીક લઇ જઇને ચાને રેડો. નજીકના અંતરેથી ચાને ગ્લાસમાં રેડવામાં આવે તો ગ્લાસની સપાટી ઉપર પરપોટા જોવા મળશે નહીં.

આમ થવાનું કારણ?

આમ થવાનું કારણ બીજંુ કંઇ નહીં, સરફેસ ટેન્શન છે.  કોઈપણ પ્રવાહીની સપાટી ઉપર એક ખાસ જાતનું નજરે દેખાય નહીં એવું પારદર્શક પડ બની જાય છે. એ પડ પ્રવાહીના પોતાના દબાણ અને તેની સપાટી ઉપર થતા ઉપરની હવાના દબાણના કારણે બને છે. બંને દબાણની અસરથી પ્રવાહીના અણુ સપાટી ઉપર એકબીજાની અડોઅડ ખીચોખીચ ગોઠવાઈને ઉપરની હવાના દબાણને ઝીલી લે છે. અણુ ખીચોખીચ ગોટવાય એટલે એ પારદર્શક પડ બની જાય છે. એ હવાને અંદર આવવા દેતું નથી.

જ્યારે એમાં ઊંચેથી ચા (દૂધ કે કોઈપણ પ્રવાહી) રેડવામાં આવે તો એ સપાટી ઉપરના આ પડને તોડે છે. એની ગતિના કારણે એની પાછળ પાછળ હવા પણ પ્રવાહીમાં દાખલ થઈ જાય છે. ગતિના કારણે હવા નીચે ધસી જાય છે અને પછી પ્રવાહીના દબાણના કારણે એ પાછી ઉપર આવે છે. પરંતુ એ ઉપર પાછી આવે ત્યાં સુધીમાં પ્રવાહીની સપાટી ઉપર પેલું પડ ફરી બની ગયું હોય છે. એટલે એ હવાને પાછી ઉપરની હવામાં ભળી જવા દેતું નથી. એ હવાની આસપાસ ફરી વળે છે. હવાના આવા અનેક ટુકડા ફરતે હવા ફરી વળે છે. બધી બાજુથી સરખું દબાણ હોવાથી એનો આકાર ગોળ બને છે. એને આપણે પરપોટા કહીએ છીએ.

નીચેથી ચા કે પ્રવાહી રેડીએ તો માત્ર પ્રવાહી જ પ્રવેશ કરે છે. એની પાછળ પાછળ હવા પ્રવાહીમાં પ્રવેશી શકતી નથી. હવા પ્રવેશતી નથી એટલે પાછી આવતી નથી એને સપાટીનું પડ રોકતું નથી. તેથી  પરપોટા બનતા નથી.