ચાની કીટલી આપોઆપ વ્હિસલ વગાડે ખરી? - Sandesh
  • Home
  • Kids Corner
  • ચાની કીટલી આપોઆપ વ્હિસલ વગાડે ખરી?

ચાની કીટલી આપોઆપ વ્હિસલ વગાડે ખરી?

 | 2:06 am IST

ચાલો, જાતે કરીને જોઈએ! :- માલિની મૌર્ય

ચા ઉકાળવાની એક કીટલીમાં પાણી ગરમ કરતાં  કીટલીમાંથી એની મેળે જ વ્હિસલ વાગવા લાગે ખરી? વિજ્ઞાનના જાણકાર હા કહે છે! આપણને નવાઈ લાગે કે વ્હિસલ કેવી રીતે વાગતી હશે? ચાલો, જાતે કરીને જોઈએ!

પ્રયોગ કરવા શું શું જોઈએ?

ચા ઉકાળવા માટેની એક કીટલી, પાણી, સ્ટવ કે ગેસ, આગ પેટાવવા માચીસ અને આગથી રમવાનું હોવાથી એક વડીલની હાજરી.

પ્રયોગ શી રીતે કરશો?

આગળ જણાવ્યું એ પ્રમાણે આ પ્રયોગમાં આગની રમત હોવાથી એક વડીલને સાથે રાખો. તો સૌપ્રથમ એમને બોલાવી લો.

સૌપ્રથમ ચા ઉકાળવા માટે અથવા કહો કે બનાવવા માટે વપરાતી એક કીટલી લો.

એ કીટલીમાં એના નાળચામાંથી પાણી બહાર છલકાવા લાગે એટલું પાણી ભરો.

હવે, ગેસ કે સ્ટવ પેટાવો. આ કામમાં વડીલની મદદ લો. ગેસ કેટલો રાખવો એ પણ એમને જ નક્કી કરવા દો.

ગેસ કે સ્ટવ પેટાવ્યા પછી પાણી ભરેલી આ કીટલીને તેની ઉપર મૂકો.

કીટલીને અને કીટલીમાં ભરેલા પાણીને થોડીવાર માટે ગરમ થવા દો. ઘડિયાળ હોય તો એમાં સમય જોતા રહો.

કેટલી મિનિટે કઈ કઈ ઘટના બને છે એ જોતા રહો અને જે કંઈ જોવા મળે એ નોટબુકમાં નોંધી લો.

તમને શું જોવા મળશે?

પાણી ભરેલી કીટલીને સ્ટવ કે ગેસ પર મૂકી રાખવાથી થોડીવાર પછી કીટલીની અંદરનું પાણી ગરમ થવા લાગશે..

પાણી જેમ જેમ ગરમ થતું જાય એમ એમ કીટલીના નાળચામાંથી વરાળ નીકળતી દેખાશે. શરૂઆતમાં થોડી આછીપાતળી વરાળ નીકળતી જોવા મળશે.

ધીમેધીમે કીટલીના નાળચામાંથી નીકળતી વરાળનું પ્રમાણ વધતું જશે.

પાણી વધારે ગરમ થશે અને ચોક્કસ તાપમાને પહોંચ્યા પછી કીટલીના નાળચામાંથી વ્હિસલ વાગવા લાગશે.

આવું શા માટે થતું હશે?

કીટલીનું તળિયાનું પાણી ગરમ થયા પછી તેના અણુ એકબીજાથી દૂર થવા લાગશે. તેનું વજન હલકું થશે અને તે પાણીના નાના નાના પરપોટા નીકળવા લાગશે.

આ નાનાનાના પાણીના પરપોટા હલકા હોવાથી પાણીની ઉપરની સપાટી પર આવતાં જશે.

નીચેના પાણીની ગરમી પણ આ પરપોટા વાટે ઉપર આવતી જશે. એના પરિણામે ઉપરની હવા પણ ગરમ થતી જશે.

આપણે જાણીએ છીએ કે હવા ગરમ થાય તો ફૂલે, વિસ્તરે. કીટલીમાં છલોછલ પાણી હોવાથી એની ઉપરની હવા ફૂલતાં તેને જગ્યા નહીં મળે. એટલે એ બહાર ધસી જવા દોડશે.

કીટલીનું નાળચું પ્રમાણમાં પાતળું હોવાથી એમાંથી હવા સડસડાટ પસાર થાય તો નાળચામાંથી હિસસસસસ… જેવો અવાજ સંભળાશે.

જેમ જેમ પાણી ગરમ થાય એમ એમ હવા વધારે વિસ્તાર પામશે અને વધારે ઝડપથી નાળચામાંથી બહાર દોડી જશે.  ત્યારે આપણને વ્હિસલ વાગતી હોય એવો અવાજ સંભળાશે.

જ્યારે પાણી ઉકળવા લાગે તો વ્હિસલ બંધ થઈ જશે, કારણ કે હવે બધી હવા વિસ્તાર પામીને નાળચા વાટે બહાર નીકળી ચૂકી છે. હવે હવા બહાર નીકળતી નથી એટલે વ્હિસલ વાગતી નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન